છત્તીસગઢ (Chhattisgarh) : ભારતના મધ્યભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 210 14’ ઉ. અ. અને 810 38’ પૂ. રે. આજુબાજુનો 1,36,034 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, વિસ્તારની ર્દષ્ટિએ તે ભારતનાં રાજ્યોમાં નવમા ક્રમે આવે છે. તેની ઉત્તરે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ, ઈશાન તરફ ઝારખંડ, પૂર્વમાં ઓરિસા, દક્ષિણે આંધ્રપ્રદેશ અને પશ્ચિમે મહારાષ્ટ્ર રાજ્યો આવેલાં છે. આ રીતે તે છ રાજ્યોથી ઘેરાયેલું છે. રાજ્યની મધ્યમાં આવેલું રાયપુર તેનું પાટનગર છે. આ રાજ્ય કુલ 27 જિલ્લાઓમાં વહેંચાયેલું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહઆબોહવા : રાજ્યના દક્ષિણ ભાગમાં બસ્તરનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. રાજ્યમાંથી મહાનદી, ઇન્દ્રાવતી, કાંગેર, ખરન, હસોડ, મંદ જેવી નદીઓ પસાર થાય છે. દરિયો અહીંથી દૂર રહેલો હોવાથી રાજ્યનો લગભગ બધો જ વિસ્તાર ખંડસ્થ આબોહવા ધરાવે છે. અહીંનાં ઉનાળા અને શિયાળાનાં દૈનિક તાપમાન અનુક્રમે 480 સે. અને 220 સે. તથા 230 સે. અને 40 સે. જેટલાં રહે છે. વરસાદની ઋતુ જૂનથી સપ્ટેમ્બર સુધીની ગણાય છે.

ખેતી : રાજ્યની જમીનો ખૂબ જ ઉપજાઉ/ફળદ્રૂપ હોવાથી અહીંની 85 % જેટલી વસ્તી ખેતી પર નભે છે. ડાંગર અહીંનો મુખ્ય કૃષિ પાક છે. અહીં જુદી જુદી 1500 જાતની ડાંગર વવાય છે અને 600 જેટલી ચોખાની મિલોને તેમની માંગ મુજબ પૂરી પાડવામાં આવે છે. ડાંગર ઉપરાંત અન્ય પાકોમાં મકાઈ, બાજરી, મગફળી, તેલીબિયાં, કઠોળ, શેરડી, ઘઉં, વન્ય પેદાશો અને ટેન્ડુનાં પાન થાય છે. ભારતમાં થતા ટેન્ડુનાં પાન પૈકી 70 % જેટલો જથ્થો અહીંથી ઉપલબ્ધ થાય છે. અહીંના લોકો બાગાયતી ખેતી પણ કરે છે. ખેતી માટે આ રાજ્ય 17 લાખ હેક્ટર જમીનને પહોંચી વળે એટલી સિંચાઈની ક્ષમતા ધરાવે છે. અહીં તંદુલા, કોડર અને પૈરી જેવી સિંચાઈ-યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. આ યોજનાઓને કારણે રાજ્યનાં અંદાજે 20,000 ગામડાં પૈકી 93 % ગામડાંને વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

ખનિજો : છત્તીસગઢ રાજ્ય ખનિજોની ર્દષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે. અહીં ચૂનાખડકો, લોહઅયસ્ક, તાંબા અને મૅગેનીઝનાં ધાતુખનિજો, બૉક્સાઇટ, કલાઈ, ડોલોમાઇટ, રૉક-ફૉસ્ફેટ, ઍસ્બેસ્ટૉસ, કોલસો અને અબરખ મળે છે. રાજ્યમાં 52.5 કરોડ ટન જેટલો ડોલોમાઇટનો અનામત જથ્થો છે, જે દેશનો 24 % જેટલો જથ્થો થાય છે. આ રાજ્યમાં બૉક્સાઇટ 7.3 કરોડ ટન, લોહઅયસ્ક 200 કરોડ ટન, કોલસો 2900 કરોડ ટન (દેશનો 17 % જથ્થો) રહેલો છે. આ ખનિજોનું ખનન થાય છે અને તેમાંથી રાજ્યને વાર્ષિક 600 કરોડ રૂપિયાની આવક થાય છે. રાયપુર જિલ્લા નજીક હીરાધારક 8 જેટલી  કિમ્બરલાઇટ નળીઓની ખોજ કરવામાં આવી છે, તેનું ખનનકાર્ય શરૂ થતાં અંદાજે વાર્ષિક 2000 કરોડ રૂપિયાની આવક મળી રહેશે. આ ઉપરાંત અહીં થોડા પ્રમાણમાં સોનું પણ મળી રહે તેમ છે.

ઉદ્યોગો : રાજ્ય ખનિજોમાં સમૃદ્ધ હોવાથી અહીં ખનિજ-આધારિત ઉદ્યોગો વિકસ્યા છે. તેમાં ઍલ્યુમિનિયમ અને લોખંડ-પોલાદના ઉદ્યોગો મુખ્ય છે. દેશનું 15 % જેટલું પોલાદ-ઉત્પાદન અને 20 % જેટલું સિમેન્ટ-ઉત્પાદન આ રાજ્ય કરે છે. અહીં 133 જેટલી સ્ટીલ રી-રોલિંગ મિલો તથા નાના પાયા પરના ઘણા પોલાદ-એકમો ઊભા થયા છે. આ ઉપરાંત અહીં 11 જેટલા ફેરો-ઍલોય-ઉત્પાદનના એકમો કાર્યરત છે. ખાદ્યપ્રક્રમણ, રસાયણો, પ્લાસ્ટિક, બાંધકામ- સામગ્રી, વન્યપેદાશોના એકમો પણ અહીં આવેલા છે.

પરિવહન : રાજ્યમાં આશરે 37,000 કિમી.ના  સડકમાર્ગો છે. તે પૈકી 2,225 કિમી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગો, 3213 કિમી.ના રાજ્ય ધોરી માર્ગો, 4,814 કિમી.ના જિલ્લામાર્ગો અને 27,000 કિમી.ના ગ્રામમાર્ગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 2 ઉત્તર-દક્ષિણ અને 4 પૂર્વ-પશ્ચિમ મોટા સડકમાર્ગો તૈયાર કરાયા છે, જેમની કુલ લંબાઈ 3,107 કિમી. જેટલી છે. રાજ્યનાં મુખ્ય રેલમથકોમાં રાયપુર, બિલાસપુર, દુર્ગ, રાજનંદગાંવ, રાયગઢ અને કોરબાનો સમાવેશ થાય છે.

પ્રવાસન : ભારતની મધ્યમાં આવેલા આ રાજ્યની સાંસ્કૃતિક પરંપરા સમૃદ્ધ છે, વળી તેનું કુદરતી વૈવિધ્ય પણ ઘણું છે. રાજ્યમાં પ્રાચીન સ્મારકો ઘણાં છે. અહીંની વન્યજીવસૃષ્ટિ પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેલી છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વિશિષ્ટ કોતરણી ધરાવતાં મંદિરો, બૌદ્ધમંદિરો, મહેલો, ગુફાઓ, ખડકચિત્રો અને ધોધ આવેલાં છે. બસ્તરનો ઉચ્ચપ્રદેશ, ચિત્રકૂટનો ધોધ (ઇન્દ્રાવતી નદીનાં જળ આશરે 30 મીટર ઊંચાઈએથી ખાબકે છે), તીરથગઢનો ધોધ, કાંગેર નદીનો જળપ્રપાત, ખૂંટઘાટ ધોધ, પાલી અને કેન્ડાઈના ધોધ જોવાલાયક છે. આ ઉપરાંત કેશકલની ખીણ, કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, કૈલાસગુફાઓ, કુતુંબસર ગુફા, સીતા-ભોંયરું, બિલાસપુર નજીક આવેલા દાંતેવાડાનું મહામાયાનું મંદિર, સિરપુર ખાતેનાં છઠ્ઠીથી દસમી સદીનાં બૌદ્ધસ્મારકો, મહાપ્રભુ વલ્લભાચાર્યજીનું જન્મસ્થળ ચંપારણ, મલ્હાર ખાતેનું ડિંડનેશ્વરી દેવીનું મંદિર, અચનકમેરનું અને ઉદંતીનું અભયારણ્ય વગેરે પ્રવાસ કે યાત્રા-મથકો તરીકે જાણીતાં છે. અહીંનાં પ્રવાસમથકોની જરૂરી માહિતી અને સુવિધા માટે સ્ટેટ ટૂરિઝમ પ્રોગ્રામિંગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. વળી અહીં ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીનો પણ તાજેતરમાં વિકાસ કરાયો છે. તે માટે મુખ્યમંત્રીના નેજા હેઠળ CHOICE (Chhattisgarh online Information for Citizens Empowerment)ની સ્થાપના પણ કરાઈ છે.

વસ્તી : 2011 મુજબ રાજ્યની વસ્તી 2,55,40,196 (2011) જેટલી છે. રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ 64.7 % જેટલું છે. અહીં હિંદી અને સ્થાનિક છત્તીસગઢી ભાષાઓ બોલાય છે.

2000ના નવેમ્બરની પહેલી તારીખે મધ્યપ્રદેશ રાજ્યનો પૂર્વ ભાગ અલગ પાડીને આ રાજ્યની રચના કરવામાં આવી છે. એ રીતે તે ભારતનું છવ્વીસમું રાજ્ય બન્યું છે. આ પ્રદેશ પ્રાચીન સમયમાં દક્ષિણ કૌશલ નામથી ઓળખાતો હતો, તેનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં મળે છે.

ગિરીશભાઈ પંડ્યા