ચૌધરી, ખલિકુત્ઝમાન

January, 2012

ચૌધરી, ખલિકુત્ઝમાન (જ. 25 ડિસેમ્બર 1889, ચુનાર, ઉ.પ્ર.; અ. 18 મે 1973, કરાંચી, પાકિસ્તાન) : ભારતના મુસ્લિમ લીગના ભાગલા પૂર્વેના અગ્રણી નેતા. પિતા શેખ મુહમ્મદ ઝમાન ભારતના વિભાજન પૂર્વે ઉત્તરપ્રદેશમાં સરકારી અમલદાર હતા. શરૂઆતનું શિક્ષણ લખનૌ ખાતે. 1907માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી બી.એ. તથા એલએલ.બી. (1916) પરીક્ષાઓ અલીગઢ યુનિવર્સિટીમાંથી પાસ કરી. તે પછી લખનૌ ખાતે વકીલાત શરૂ કરી. વિદ્યાર્થી-અવસ્થામાં જ રાજકારણમાં સક્રિય બન્યા. 1912માં ડૉ. એમ. એ. અન્સારીના નેતૃત્વ હેઠળ તુર્કસ્તાન ગયેલા

ચૌધરી ખલિકુઝ્ઝમાન

મેડિકલ મિશનમાં જોડાયા. 1919માં અખિલ ભારતીય ખિલાફત કમિટીની સ્થાપના કરી. વર્ષો સુધી લખનૌ મ્યુનિસિપલ બોર્ડના ચૅરમૅન તરીકે કામ કર્યું. પ્રિન્સ ઑવ્ વેલ્સની ભારતની મુલાકાતના બહિષ્કાર આંદોલનમાં ભાગ લેવા બદલ 1921માં અટકાયત વહોરી. રાજકીય કારકિર્દીના 1935 સુધીના ગાળા દરમિયાન તેમણે રાષ્ટ્રવાદી મુસ્લિમ જૂથો અને ખાસ કરીને કૉંગ્રેસ સાથે સંબંધો રાખ્યા; પરંતુ 1935ના કાયદા હેઠળ ઉત્તરપ્રદેશમાં 1937માં યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસને બહુમતી મળતાં મંત્રીમંડળમાં તેમના જૂથના બે મુસ્લિમ સભ્યોને લેવાના તેમના આગ્રહની બાબતમાં કૉંગ્રેસ સાથે મતભેદ સર્જાતાં તેઓ મુસ્લિમ લીગમાં જોડાયા અને ટૂંક સમયમાં તે પક્ષમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. ભારતના ભાગલા પડ્યા ત્યારે તેઓ મુસ્લિમ લીગની કારોબારી સમિતિના સભ્ય હતા. મહંમદઅલી ઝીણાની દોરવણીથી ભાગલા પછી સ્વતંત્ર ભારતમાં રહેતા મુસલમાનોનાં હિતોના રક્ષણ માટે તેમણે ભારતમાં રહેવાનું સ્વીકાર્યું; પરંતુ આ અંગે ઝીણા સાથે મતભેદ ઊભો થતાં આ જવાબદારીમાંથી મુક્ત થવાના હેતુથી તેમણે પાકિસ્તાનમાં સ્થળાંતર કર્યું અને સિંધ પ્રાંતના લારકાના ખાતે રહેવા લાગ્યા. પાકિસ્તાનમાં વસવાટ દરમિયાન તેમણે ગવર્નર તથા એલચી તરીકે કામગીરી બજાવેલી.

તેમનું આત્મચરિત્ર ‘પાથવે ટુ પાકિસ્તાન’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયું છે, જેમાં ભારતના ભાગલા પહેલાંના મુસ્લિમ રાજકારણનો રસપ્રદ ચિતાર છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે