ચોરી : જંગમ મિલકતના કાયદેસરના માલિક કે કબજેદારની જાણ અને સંમતિ વગર બદઇરાદાથી તેનો કબજો લઈ લેવાનું ગુનાઇત કૃત્ય. ચોરીનો ગુનો સામાન્યત: વસ્તુના માલિક કે કબજેદારની જાણ બહાર કરાય છે. કાત્યાયનસ્મૃતિ અને નારદસ્મૃતિ પ્રમાણે કોઈ વ્યક્તિને તેની મિલકતથી ચોરીછૂપીથી કે ખુલ્લી રીતે, દિવસે કે રાત્રે વંચિત કરવી એટલે ચોરી (કાત્યાયનસ્મૃતિ 810; નારદસ્મૃતિ 205–17).

આદમ અને ઈવનો પ્રથમ ગુનો કાયદાના અનાદરનો હતો અને ત્યારપછી ચોરીની શરૂઆત થઈ હશે એમ કહી શકાય. મહાભારતમાં શંખ અને લિખિતની વાર્તાથી આ ગુનાને સમજાવવામાં આવ્યો છે. બીજી વ્યક્તિની માલિકીનાં ફળ ચોરીછૂપીથી લઈ લેવા માટે લિખિતને ગુનેગાર ઠરાવી તેના બે હાથ કાંડા આગળથી કાપી નાખવામાં આવ્યા હતા.

સ્મૃતિઓના જણાવ્યા પ્રમાણે કોઈની વસ્તુ ગમે તે રીતે લઈ લેવી એ જ માત્ર ચોરી નથી. પરંતુ કપટી રીતોથી કાયદા વિરુદ્ધ લાભ પ્રાપ્ત કરવો એને પણ ચોરી કહેવામાં આવતી.

ભારતીય દંડ સંહિતા(Indian Penal Code)ની ક. 378 પ્રમાણે જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિના કબજામાંથી એની સંમતિ વિના, કોઈ જંગમ મિલકત, બદદાનતથી લઈ લેવાના ઇરાદાથી ઉપાડે તો તેણે ચોરી કરી કહેવાય.

ચોરી જંગમ મિલકતની જ થઈ શકે. આની સ્પષ્ટતા કરતાં પાંચ સ્પષ્ટીકરણો અને અન્ય ઉદાહરણો કલમ 378 સાથે મૂકેલાં છે.

જમીન જોડે સંલગ્ન વસ્તુને જમીનથી જુદી પાડવામાં આવે (દા.ત., જમીન ઉપરનું ઝાડ કાપવું) ત્યારે તે જુદી પાડેલ વસ્તુ જંગમ મિલકત બને છે. આમ જુદી કરેલ વસ્તુનું સ્થાનાંતર એ ચોરી છે.

કોઈ પશુને ખાવાનું બતાવી તેને પોતાની સાથે લઈ જવું, કોઈ પશુને નિશ્ચિત દિશામાં હાંકવું, કોઈએ સોંપેલ વસ્તુને એની સંમતિ વિના લઈને નાસી જવું, કોઈની વસ્તુને બદદાનતથી લઈ લેવાના ઇરાદે ખસેડવી અથવા ખસેડીને સંતાડી દેવી, પોતાની ગીરે મૂકેલી ઘડિયાળ જેવી વસ્તુ નાણાં ચૂકવ્યા વિના ગીરવીદારના કબજામાંથી લઈ લેવી એ ચોરી છે. વ્યક્તિ પોતાની વસ્તુની ચોરી પણ કરી શકે છે. કોઈની વસ્તુ તેની સંમતિ વિના, તેના કબજામાંથી લઈ લેવી એ પણ ચોરી છે. ચોરી એમ વિવિધ સ્વરૂપની હોય છે. પરંતુ પોતે શુદ્ધ બુદ્ધિથી માનતો હોય કે બીજી વ્યક્તિ પાસેની વસ્તુ પોતાની છે અને તેથી તે લઈ લેવી અથવા મિત્રની પૂર્વસંમતિ છે જ એમ માનીને વાંચીને પરત કરવાના ઇરાદે એની ગેરહાજરીમાં એના પુસ્તકાલયમાંથી પુસ્તક લેવું તથા રસ્તા પર પડેલી કોઈ નધણિયાતી વસ્તુ ગ્રહણ કરવી એ ચોરી નથી, કારણ કે એમાં અપ્રામાણિક ઇરાદાનો અભાવ છે.

ચોરીનાં લક્ષણો : (1) ચોરી કરવાની મિલકત જંગમ હોવી જોઈએ; (2) એ વસ્તુ કોઈના કબજામાં હોવી જોઈએ; (3) તે લઈ લેવાનો આરોપીનો ઇરાદો અપ્રામાણિક હોવો જોઈએ; (4) એના કબજેદારની સંમતિ વિના તે વસ્તુ લીધેલી હોવી જોઈએ અને (5) એમ લેવા માટે વસ્તુ ખસેડવી જોઈએ.

ઇંગ્લિશ લૉ પ્રમાણે ખસેડેલી જંગમ મિલકત તેના માલિકના કબજામાંથી લીધી હોય તો જ તે ચોરી ગણાય; ભારતીય કાયદા પ્રમાણે ચોરી સમયે મિલકત તેના માલિકના કબજામાં હોવી આવશ્યક નથી. કબજેદારનો કબજો ખરી રીતનો હોય કે ખોટી રીતનો તે અહીં મહત્વનું નથી. દા. ત., માલિક ‘અ’ના કબજામાંથી ‘બ’ એક વસ્તુ ચોરી લે છે. ‘બ’ પાસેથી ‘ક’ એ વસ્તુ ચોરી લે છે. ભારતીય કાયદા પ્રમાણે ‘બ’ અને ‘ક’ બંનેએ ચોરી કરી છે, ઇંગ્લિશ લૉ પ્રમાણે માત્ર ‘બ’એ જ ચોરી કરી છે. એ નોંધવું જોઈએ કે ‘કબજો’ અને ‘માલિકી’ની બંને વિભાવનાના સૂચિતાર્થો ભિન્ન ભિન્ન છે.

જંગમ મિલકતમાં કાપેલાં કે વાવાઝોડાથી પડી ગયેલાં ઝાડ, લણેલો પાક, ખોદી કાઢેલા પથ્થરો કે ખનિજ, ઇમારતી લાકડું, ધૂળ, માટી, અગરમાંનું મીઠું, મ્યુઝિયમમાં રાખેલ પુરાણી વસ્તુઓ, ગૅસ, પાણી, માછલી, વાહનો, વિમાનો વગેરે સમાવિષ્ટ છે. જંગમ મિલકત કબજો ધરાવી શકાય તેવી હોવી જોઈએ. સ્મૃતિઓના સમયમાં સ્ત્રી અથવા પુરુષના અપહરણને પણ ચોરી ગણવામાં આવતી. આમ સ્ત્રીઓ પણ તે જમાનામાં ચોરી શકાય તેવી વસ્તુ ગણાતી (રામાજોઈસ : 1984, વૉ. 1, પૃ. 360).

એક વ્યક્તિને ગેરવાજબી લાભ કરવાનો અને બીજીને ગેરવાજબી હાનિ કરવાનો ઇરાદો હોય એ અપ્રામાણિક ઇરાદો છે. દા. ત., ટાંચમાં લેવાયેલ પોતાની જંગમ મિલકતને કોઈ વ્યક્તિ બીજે સ્થળે ખસેડે તો તે ચોરી છે કેમ કે એમ કરવામાં ખસેડનારનો ઇરાદો અપ્રામાણિક છે. આવો ઇરાદો મિલકત ખસેડતી વેળાએ હોવો જોઈએ. ભારતીય કાયદા હેઠળ ખસેડેલી વસ્તુ કેટલા સમય માટે ખસેડી છે તેનું મહત્ત્વ નથી, ઇંગ્લિશ લૉ પ્રમાણે તે કાયમ માટે લેવાયેલી હોવી જોઈએ. ચોરીમાં વસ્તુ ખસેડનારનો પ્રકટ ઇરાદો (intention) મહત્વનો છે. તેનો પ્રચ્છન્ન ઇરાદો (motive) મહત્વનો નથી.

ચોરીનો ગુનો સામાન્યત: વસ્તુના માલિક કે કબજેદારની જાણબહાર જ બનતો હોય છે. પરંતુ એના દેખતાં એની સંમતિ વિના એની વસ્તુ લઈ લેવી એ પણ ચોરી છે. સંમતિ આપનાર વસ્તુનો માલિક હોય એવું જરૂરી નથી.

હિન્દુ અને મુસ્લિમ કાયદાઓ અનુસાર પતિ-પત્ની બંને એક જ કાનૂની-વ્યક્તિ ન હોઈ તેઓ પરસ્પરની વસ્તુની ચોરી કરી શકે. ઇંગ્લિશ લૉમાં હમણાં સુધી આવું ન હતું, પરંતુ ‘મૅરિડ વિમેન્સ પ્રૉપર્ટી ઍક્ટ’ની જોગવાઈઓ હેઠળ હવે અમુક સંજોગોમાં એકબીજાની વસ્તુ લઈ લેવી એ પણ ચોરીનો ગુનો બની શકે છે.

પુરાણા સમયમાં ચોરીના ગુના માટે મોતની શિક્ષા પણ થતી અને ચોરેલી વસ્તુ પરત કરવી પડતી (રામાજોઈસ : પૃ. 362–363). શિક્ષિત ચોરને વધુ આકરી શિક્ષા થતી (મનુસ્મૃતિ : 8, 337–338; નારદસ્મૃતિ : 231–52; કાત્યાયનસ્મૃતિ : 824, 825). ભારતીય દંડ સંહિતા પ્રમાણે ચોરી માટે ત્રણ વર્ષ સુધીની કેદની અથવા દંડની શિક્ષા થઈ શકે છે.

પુરાણા સમયમાં ચોરીના ત્રણ પ્રકારો હતા : (1) નિમ્ન, (2) મધ્યમ અને (3) ગંભીર. એની શિક્ષા ગુનાની ગંભીરતા કે પ્રકાર પર નિર્ભર હતી. વર્તમાન કાયદામાં કોઈ મકાન, તંબૂ, જલયાન કે પરિવહન સાધન જેમાં મનુષ્યવસવાટ હોય તેમાં કરેલ ચોરી (ક. 380); એના માલિકના કબજામાં હોય તેવી મિલકતની માલિકના કારકુને કે નોકરે કરેલ ચોરી (ક. 381) અને કોઈને મહાવ્યથા, ઈજા કે અવરોધ કરવાની કે તેનું મોત નિપજાવવાની તૈયારી સાથે કરેલી ચોરી (ક. 382) માટે કડક શિક્ષા છે (7થી 10 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને).

જબરદસ્તીથી પડાવી લેવું (ક. 383), લૂંટ કરવી કે ધાડ પાડવી (ક. 390, 402), લૂંટની કોશિશ કરવી (ક. 393), ખૂન સાથે ધાડ પાડવી (ક. 396) એ ચોરીનાં ગંભીર પ્રકારનાં સ્વરૂપો છે.

ભાનુપ્રસાદ મ. ગાંધી