ચૈતન્યચંદ્રોદય (1572) : પરમાનંદદાસ સેન કવિ કર્ણપૂરની નાટ્યરચના. ઓરિસાના રાજા ગજપતિ પ્રતાપરુદ્રની આજ્ઞાથી રચેલા નાટકમાં નવદ્વીપ અને જગન્નાથપુરીમાં વિહરતા ચૈતન્ય મહાપ્રભુનું જીવન વર્ણવ્યું છે. આ નાટકમાં મૈત્રી, ભક્તિ, અધર્મ, વિરાગ જેવાં અમૂર્ત પાત્રો ઉપરાંત ગંગા, નારદ, રાધા, કૃષ્ણ જેવાં પૌરાણિક પાત્રો પણ જોવા મળે છે. સમગ્ર રીતે જોતાં નાટકમાં ઉપદેશતત્વ ઘણું છે. 10 અંકોવાળા આ નાટકમાં ગદ્યની તુલનામાં પદ્યનું પ્રમાણ અધિક છે.

ભક્તવર ચૈતન્ય અને ભગવાન શ્રીકૃષ્ણના તાદાત્મ્યનું વર્ણન કરતાં કવિ કહે છે :

कृष्णस्वरूपं चैतन्यं कृष्णचैतन्यसंज्ञितम् ।

अत एव महावाक्यस्यार्थो हि फलवानिह ।।  4.41 ।।

શ્રી ચૈતન્ય કૃષ્ણ સ્વરૂપે છે તેથી તે કૃષ્ણચૈતન્ય કહેવાયા છે. તેથી અહીં ઉપનિષદના મહાવાક્યનો અર્થ સફળ થયો છે.

શ્રીકૃષ્ણ પરમાત્માના સચ્ચિદાનંદ સ્વરૂપની વ્યાખ્યા કવિ આ પ્રમાણે કરે છે :

कृषिर्भूवाचक: शब्दो णश्च निर्वृतिवाचकः ।

तयोरैक्यं परं ब्रह्म कृष्ण इत्यमिधीयते ।। 7.22 ।।

कृषि શબ્દનો અર્થ છે ભૂમિ. અને णનો અર્થ છે નિર્વૃતિ, મુક્તિ. આ બંને મળીને ભૂમિનો ભાર હરી તેને મુક્ત કરનાર કૃષ્ણ પરબ્રહ્મ એમ કહેવાય છે.

ઉમા દેશપાંડે