ચેટરટન ટૉમસ (જ. 20 નવેમ્બર 1752, બ્રિસ્ટલ; અ. 24 ઑગસ્ટ 1770, બ્રૂક સ્ટ્રીટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ કવિ, પિતાના મૃત્યુ પછી જન્મ. માતાએ સેન્ટ મૅરી રેડક્લીફ ચર્ચના આશ્રયે પુત્રને ઉછેર્યો; નાનપણમાં કંઈક મંદ લાગતા ચેટરટનમાં 7 વર્ષની વયે વાચનનો ઊંડો શોખ જાગ્યો. શાળાના શિક્ષક ફિલિપ્સ ટૉમસની દેખરેખ હેઠળ કાવ્યો રચવા માંડ્યાં. 12 વર્ષની વયે પ્રાચીન કવિઓ અને રચનાઓના ઊંડા પ્રભાવને પરિણામે, પ્રાચીન લેખકોનાં અનુકરણમાં લખવા લાગ્યા; પંદરમી સદીના કોઈ કાલ્પનિક સાધુ ટૉમસ રાઉલે વિશે ગદ્ય અને પદ્યમાં રોમાન્સની રચના કરી (1765), જેની શૈલીમાં કવિ ચૉસરની પદ્યશૈલીનું અનુકરણ મળે છે. આમાંની કેટલીક રચનાઓ તેમણે હૉરેસ વૉલપૉલને મોકલી, પણ વૉલપૉલે તે રચનાઓને ચોરીની રચનાઓ ગણી ઉપેક્ષા કરી. તેમણે આવા આક્ષેપ સામે આત્મહત્યાની ધમકી આપી; સામયિકોમાં લેખો પ્રકટ કરવા બ્રિસ્ટલથી લંડન મોકલ્યા, પણ પોતાનાં ‘પ્રાચીન કાવ્યો’ (‘Ancient Lay’s – Rowley Poems) માટે કોઈ પેટ્રન ન મળતાં 1770માં આત્મહત્યા કરી. આ કાવ્યોમાં છંદરચનાની કુશળતા જોવા મળે છે. તેમાં રહેલી કલ્પનાશક્તિએ વર્ડ્ઝવર્થ-કૉલરિજને પ્રેરણા આપી. આ રોમૅન્ટિક કવિઓએ એમનાં કાવ્યોને નવાજ્યાં અને તેમને કવિ બર્ન્સની સમકક્ષના ‘માર્વેલસ બૉય’ કહી બિરદાવ્યા. તેમનાં કાવ્યોની મૌલિકતા અને ઊર્મિલતાની પ્રશંસા કરી.

‘રાઉલે કાવ્યો’ પર ઘણુંબધું વિવાદાસ્પદ સાહિત્ય લખાયું છે, જોકે ચેટરટને આ કાવ્યો લખ્યાં એમાં શંકા નથી, ભલે ચેટરટને તે હકીકત જાહેરમાં જોરશોરથી પ્રકટ ન કરી. ‘બૅકફર્ડ’ (1770) કવિની હયાતીમાં પ્રકાશિત થયેલું એકમાત્ર પુસ્તક. 1803માં કવિ સધેએ સમગ્ર લખાણનું સંપાદન કરેલું.

ચેટરટને લંડનના નિવાસ દરમિયાન કટાક્ષકાવ્યો તેમજ રાજનૈતિક પ્રતિકાવ્યો મોટી સંખ્યામાં રચેલાં અને તે પ્રકટ પણ થયેલાં. એમાં પોપ, ગ્રે, સ્મૉલેટ તેમજ મૅક્ફર્સન્સ ‘ઓસ્સિયન’ કાવ્યોની શૈલીનો વિનિયોગ કર્યો છે. આથી આરંભમાં ઊજળું ભાવિ જણાયેલું; લૉર્ડ બૅકફર્ડ સાથે મુલાકાત પણ થયેલી; આર્થિક સહાય પણ સારી મળેલી, પણ પછી ગરીબી તેમજ હતાશા એમને ઘેરી વળ્યાં અને અંતે માત્ર 17 વર્ષની વયે આત્મહત્યા કરી.

અનિલા દલાલ