ચેટરજી, સૌમિત્ર (જ. 29 જાન્યુઆરી 1935, કૃષ્ણનગર, પશ્ચિમ બંગાળ; અ. 15 નવેમ્બર 2020, કોલકાતા) : બંગાળી રૂપેરી પડદાના ખૂબસૂરત અને રોમૅન્ટિક નાયક. ચલચિત્રક્ષેત્રે તેમનો ઉદય સત્યજિત રેના ‘અપૂર સંસાર’થી થયો હતો. તે વખતે એમ.એ.નો અભ્યાસ કરતા યુવાન સૌમિત્ર નાટકોમાં પણ કામ કરતા હતા. અલબત્ત, આ પૂર્વે સત્યજિત રેના ‘અપરાજિતા’ માટે પણ તેમને સત્યજિત સમક્ષ લાવવામાં આવેલા પણ ત્યારે ‘અપૂ’ની ભૂમિકા માટે તેમની પસંદગી નહોતી થઈ. ‘અપૂર સંસાર’માં તેમને ભૂમિકા અપાઈ ત્યારે તેમણે આકાશવાણીની નોકરી છોડી દીધી.

સૌમિત્ર ચેટરજી

સત્યજિત રેનાં 28 ચિત્રોમાંથી 14 ચિત્રોમાં સૌમિત્રે ભૂમિકા કરી. ‘અપૂર સંસાર’માં તેમને ખૂબ લોકપ્રિયતા મળી. ઢગલાબંધ પુરસ્કારો તથા સન્માનો મળ્યાં. એ સાથે અન્ય સર્જકોનાં ચલચિત્રોમાં કામ કરવાની શરૂઆત પણ થઈ ગઈ. સાઠના દસકામાં તો ઉત્તમકુમારના પ્રતિસ્પર્ધી અભિનેતા તરીકે તેમની જબરદસ્ત પ્રશંસા થતી હતી. ‘અપરિચિત’ જેવાં કેટલાંક ચલચિત્રોમાં ઉત્તમકુમાર સાથે સૌમિત્રની ભૂમિકા પણ ભરપૂર પ્રશંસા પામી. ‘સ્ત્રી’, ‘દેવદાસ’ તથા ‘ઝિંદેર બંદી’ જેવાં ચિત્રોમાં સૌમિત્રે ઉત્તમકુમારની સમકક્ષ ભૂમિકા કરી હતી.

તેમની ભૂમિકાવાળાં નોંધપાત્ર ચલચિત્રોમાં ‘અપૂર સંસાર’ ઉપરાંત ‘સાત પાકે બાંધા’, ‘સ્વયંવરા’, ‘અભિજાન’, ‘ચારુલતા’, ‘અપરિચિત’, ‘ગણદેવતા’, ‘સમાપ્તિ’, ‘નાનુ મશાય’, ‘ચેના અર્ચના’, ‘અશનિ સંકેત’, ‘અગ્રદાની’, ‘જય બાબા ફેલુનાથ’, ‘ઘરે-બાહિરે’, ‘ઉર્વશી’, ‘વસુંધરા’ ‘આતંક’, ‘કોની’, ‘દેવદાસ’, ‘સ્ત્રી’, ‘ઝિંદેર બંદી’, ‘ક્ષુધિત પાષાણ’, ‘અભિમન્યુ’ વગેરેનો સમાવેશ થાય છે. આમ તો તેમના સમયની લગભગ બધી અગ્રણી નાયિકાઓ સાથે તેમણે ભૂમિકા ભજવી છે, પરંતુ સંધ્યા રાય સાથેની તેમની જોડી ખૂબ જ લોકપ્રિયતા પામી હતી.

સૌમિત્રને 1970માં ‘પદ્મશ્રી’નું રાષ્ટ્રીય સન્માન અર્પણ થયું હતું; પરંતુ તેમણે આ સન્માન સ્વીકાર્યું ન હતું. તે પૂર્વે તેમણે 2001માં જાહેર થયેલ સ્પેશીયલ જ્યુરી ઍવૉર્ડ લેવાની પણ ના પાડી હતી. વર્ષ 2004માં તેમને પદ્મભૂષણ ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા. વર્ષ 2008માં તેમને ભારત સરકાર દ્વારા સર્વોત્કૃષ્ટ અભિનેતાનો ઍવૉર્ડ એનાયત થયો હતો. વર્ષ 2012માં તેમને દાદાસાહેફ ફાળકે ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને ફ્રાન્સની સરકાર દ્વારા અપાતો સર્વોચ્ચ ઍવૉર્ડ તથા ઇટાલી દ્વારા જીવનગૌરવ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સૌમિત્ર ગુરુદેવ ટાગોરના ભક્ત હતા. તે પોતે કાવ્યો લખતા. તેમનું પ્રથમ પુસ્તક ‘જલપ્રપાતેર ધારે દાડાવ બોલે’ 1974માં પ્રગટ થયું હતું.

શશિકાન્ત નાણાવટી