ચેક ભાષા (Czech language) : ભાષા બોલનારાઓની સંખ્યાની ર્દષ્ટિએ આ ભાષાની ગણતરી પ્રમુખ ભાષાઓમાં ન થાય; પરંતુ ઐતિહાસિક ર્દષ્ટિએ એનું મહત્વ છે. મધ્ય યુગમાં બોહેમિયા રાજ્યનો વિસ્તાર ઘણો મોટો હતો અને ત્યાંના લોકો ચેક-ભાષી હતા. ચેક ભાષાને એ કારણે બોહેમિયન ભાષા તરીકે પણ ઓળખવામાં આવતી.

આ ભાષા ભારત-યુરોપીય કુળની છે. સ્લાવ એ કુળની પેટા શાખા છે. તેની પશ્ચિમ ઉપશાખાના જૂથની આ ભાષા છે. ચેકોસ્લોવાકિયા દેશની ચેક અને સ્લોવાક 2 માન્ય ભાષાઓ છે. આ બંનેમાં ઘણું સામ્ય છે. ચેક ભાષા પર જર્મનની અસર વધુ છે જ્યારે સ્લોવાક ભાષા પર હંગેરિયન ભાષાની અસર વધુ છે. બંને ભાષાના ભાષકો એકબીજાને 90 % સમજી શકે છે. બંને ભાષાના શબ્દો ઘણા મળતા છે. તફાવત ઉચ્ચારણ અને વ્યાકરણમાં છે.

આ ભાષાના લગભગ 1 કરોડ ભાષકો છે જેમાંના 90 લાખ ચેકોસ્લોવાકિયામાં વસે છે અને 10 લાખ અમેરિકામાં વસે છે.

ચેક ભાષાના સ્વરોની વિશેષતામાં હ્રસ્વ અને દીર્ઘ સ્વરો વચ્ચેનો ભેદ છે. એ ભેદ દર્શાવવા માટે સ્વર-ચિહન ઉપર નાની ત્રાંસી લીટી દોરવામાં આવે છે. વ્યંજનોમાં તાલવ્યીકરણ એ ચેક ભાષાની વિશેષતા છે. વર્ત્સ્ય અને તાલવ્ય એવા 2 નજીકના વ્યંજનો વચ્ચે ભેદ છે. તાલવ્યને દર્શાવવા ચિહન ઉપર નાનકડું અર્ધચન્દ્રચિહન કરવામાં આવે છે. શબ્દોમાં સ્વરભાર પહેલા અક્ષર પર જ રહે છે. ચેક ભાષામાં ‘ગ’ ધ્વનિની અનુપસ્થિતિ એની વિશેષતા ગણાવી શકાય. તાલવ્ય એ પણ ચેક ભાષાની ખાસિયત છે.

રૂપાખ્યાન : ચેક ભાષામાં 3 લિંગ અને 7 વિભક્તિઓની વિકસિત વ્યવસ્થા જોવા મળે છે. વચન 2 : એકવચન અને બહુવચન. પુલ્લિંગમાં ચેક ભાષા ચેતન અને અચેતનનાં રૂપાખ્યાનોમાં ભેદ કરે છે, અન્ય લિંગોમાં નહિ. વિશેષણો નામ સાથે પદસંવાદ દર્શાવે છે. વિશેષણો નામની બેઉ તરફ આવે છે; પણ એ લિંગવચનના પ્રત્યયો લેવાને બદલે એક વિશિષ્ટ પ્રત્યય લે છે. ક્રિયાપદના રૂપાખ્યાનમાં ચેક ભાષા 3 કાળ, 2 અવસ્થા (પૂર્ણ-અપૂર્ણ) અને જુદા જુદા અર્થો દર્શાવે છે. વાક્યરચના SVO (કર્તા, ક્રિયાપદ અને કર્મ) પ્રકારની છે. વાક્યનો સૌથી મહત્ત્વનો (મહત્ત્વની માહિતી આપતો) ઘટક વાક્યને અંતે આવે છે. ભાષાની વાક્યરચના પ્રમાણમાં મુક્ત છે. કર્તરિ અને કર્મણિ રચનામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કર્તા અને કર્મના પ્રત્યયો નક્કી હોવાથી માત્ર સ્થાન બદલવાથી કર્તૃપ્રધાનતા/કર્મપ્રધાનતા દર્શાવવામાં આવે છે.

ચેક ભાષાની બોલીઓ છે : બોહેમિયન, હાના, પૂર્વ મોરાવિયન અને સિલેસિયન. આ બોલીભેદ પ્રમાણમાં અર્વાચીન છે : લગભગ ચૌદમીથી સોળમી સદીની.

ચેક ભાષામાં સાહિત્યની શરૂઆત તેરમી સદીના ઉત્તરાર્ધથી થઈ. માન્ય લેખનવ્યવસ્થા લગભગ પંદરમી-સોળમી સદીમાં થઈ. ચેકના પ્રસિદ્ધ ધર્મસુધારક જોન હુસે (1371–1415) આજની લેખનવ્યવસ્થાનું સ્વરૂપ આપ્યું. 1918માં ઑસ્ટ્રિયાના શાસનમાંથી મુક્તિ મેળવ્યા બાદ ચેક ભાષા અને સાહિત્યે વિકાસ સાધ્યો છે. ચેક ભાષા સુધારાવધારા સાથે રોમન લિપિનો ઉપયોગ કરે છે. આજે ચેક ભાષામાં ભાષાંતરનો મોટો પ્રવાહ ચાલે છે. દર વર્ષે 1000 કૃતિઓના અનુવાદો થાય છે; જેમાંની 650 જેટલી બિનસાહિત્યિક હોય છે.

અરવિંદ ભાંડારી