ચીની ભાષા અને સાહિત્ય

January, 2012

ચીની ભાષા અને સાહિત્ય

ચીની ભાષા

આ ભાષા ચીની-તિબેટન વર્ગની ભાષા છે. યુનાઇટેડ નેશન્સની જે છ અધિકૃત ભાષાઓ છે તેમાંની એક ભાષા છે. એકલા ચીની ભાષાના ભાષકો 1200 મિલિયનથી વધુ છે. આ શાખામાં અનેક બોલાતી ભાષાઓનો સમાવેશ થાય છે. આ બધી ભાષાઓને પાંચ બોલીઓમાં વિભાજી શકાય છે. મંદારીન, વુ, મિન, યુએ અને હાક્કા.

મંદારીન : ચીનની આ ભાષા એના ભાષકોની સંખ્યા અને મહત્વની ર્દષ્ટિએ પ્રમુખ બોલી છે. ચીનની કુલ વસ્તીના 70 % લોકો આ ભાષા બોલે છે. ઉત્તર ચીનનું મેદાન, ચાંગ મેદાનનો મધ્યભાગ, ગુઈઝાઉ અને યુનાન પ્રદેશમાં આ ભાષા બોલાય છે. મંદારીન એવું અંગ્રેજી નામ બેજિંગમાં સૈકાઓથી બોલાતી ‘ગુઆન-હુઆ’ (અર્થાત્ શિષ્ટ ભાષા) પરથી અનૂદિત કરીને લેવામાં આવ્યું છે. 1950થી રાજકીય તેમજ ભૌગોલિક સીમાઓને કારણે ચીનની સત્તાવાર ભાષાને ‘પુટોંગ-હુઆ’ (સર્વસામાન્ય બોલી), જ્યારે તાઇવાનની સત્તાવાર ભાષાને ‘ગુઓયુ’ (રાજ્યભાષા) કહેવાય છે. જોકે બંનેમાં કોશ અને વ્યાકરણની ર્દષ્ટિએ ઘણો ઓછો ભેદ છે. મંદારીન બોલીને મુખ્ય કહેવા પાછળ બીજું પણ એક કારણ છે કે આજની ભાષાનું લખાતું સ્વરૂપ એને ઘણું મળતું આવે છે.

વુ : ચાંગ નદી અને તેની ઉપનદીઓના નીચાણવાળા વિસ્તારમાં અને જિયાંગસુ, જુજિયાંગ અને આનદુઈ પરગણાંમાં આ ભાષા બોલાય છે. આ પ્રદેશમાં શાંગહાઈ, સૂજો અને વેન્ઝો શહેરોનો સમાવેશ થાય છે.

મિન : તાઇવાન અને ફૂજિયેન પરગણાં અને ટોનકિન ઉપસાગરના હૈનાન બેટ પર આ ભાષા બોલાય છે. તાઇવાનના મિન બોલી બોલનારાઓના વંશજો ફૂજિયેન પરગણામાંથી સ્થળાંતર કરીને આવ્યા છે. સિંગાપોરના ચીની લોકો પણ આ જ ભાષા બોલે છે.

યુએ : આ ભાષા મુખ્યત્વે ગ્વાગહુંગ પરગણામાં બોલાય છે. દુનિયાભરમાં વીખરાયેલા ચીની લોકો જે ભાષા બોલે છે તે કૅન્ટોનીઝ ભાષા આ વર્ગની છે. હૉંગકૉંગ, અમેરિકા, યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયામાંની ચીની વસાહતોમાં આ ભાષા બોલાય છે.

હાક્કા : ચીનની બહાર આ ભાષા જાણીતી નથી. ચીનના દક્ષિણ કિનારા પર આ બોલીના ભાષકો ફેલાયેલા છે. આ લોકો પ્રમાણમાં રૂઢિચુસ્ત અને ખેતી કરનારા છે. ‘હાક્કા’નો અર્થ મહેમાન થાય છે. તેઓ ઉત્તરથી દક્ષિણમાં સ્થળાંતર કરીને આવેલા છે.

ચીની ભાષાની ખાસિયતો : ચીનની બધી જ ભાષાઓ સૂર-ભાષાઓ (tone-languages) કહેવાય છે. સૂર-ભાષાઓમાં ત્રણ કે તેથી વધુ આરોહ-અવરોહ અને તેમનાં મિશ્રણો અર્થભેદ સાધે છે. મંદારીન ચીની ભાષામાં ચાર ભેદક સૂર છે  ઊંચો, ઊંચે જતો, નીચે આવતો અને ઊંચે જઈ નીચે આવતો. ધ્વનિઓ સમાન હોય એવા શબ્દોમાં આ સૂર અર્થભેદનું કાર્ય કરે છે. દા.ત.,

કૅન્ટોનીઝ ભાષામાં અર્થભેદક સૂર નવ છે. ઘણી બોલીઓમાં આ સૂરોની સંધિઓને કારણે વ્યવસ્થા ખાસ્સી સંકુલ બની જાય છે.

આ બોલીઓનું શબ્દ-બંધારણ સાદું હોય છે. પ્રત્યયોનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. વિભક્તિ-પ્રત્યયોની સંકુલતા આ ભાષાઓમાં નથી. જે કોઈ પ્રત્યયો મળે છે તે અંગસાધક છે. આ ભાષાઓમાં ધાતુઓના તેમજ નામોના સમાસોની પ્રચુરતા છે. ધાતુઓના સમાસનું એક ઉદાહરણ જોઈએ –

/ તા માઓ-હુઈ-લાઈ લે /

/ એ દોડી – પાછો ફરી – આવે છે /

આ વાક્યમાં ત્રણ ધાતુઓ – દોડવું – પાછા ફરવું – આવવું – સમસ્ત રૂપમાં વપરાયા છે.

વાક્યરચનામાં કર્તા, કર્મ જેવા સંબંધો દર્શાવતા વિભક્તિ-પ્રત્યયો તેમજ ક્રિયાપદ સાથેના પદસંવાદનો અભાવ છે. વિભક્તિ-સંબંધો શબ્દક્રમથી સૂચવાય છે – ‘‘કર્તા – ક્રિયાપદ – કર્મ’’. વિશેષણોનો સ્વતંત્ર વર્ગ આ ભાષામાં હોતો નથી. ક્રિયાપદ અને વિશેષણ વચ્ચે વર્ગની ર્દષ્ટિએ તફાવત બતાવવો અઘરો હોય છે.

લિપિ : ચીની લિપિ શબ્દલિપિ (logographic) છે. એને ચિત્રલિપિ કહેવી એ સંપૂર્ણપણે યોગ્ય નથી. આ લિપિમાં ચિહનો પાંચ રીતે લખવામાં આવે છે.

(1) લગભગ ચાર હજાર વર્ષ પહેલાં ચીનમાં લખવાની શરૂઆત થઈ તે પ્રાકૃતિક વસ્તુઓના ચિત્રાંકનથી. આ ચિત્રો ધીરે ધીરે વધુ ને વધુ સરળ થતાં ગયાં અને નિશ્ચિત થતાં ગયાં, જેમાંથી આજનાં ચિહનો અસ્તિત્વમાં આવ્યાં છે. દા.ત.,

(2) અમૂર્ત અર્થોને વ્યક્ત કરવા ઘણી વાર જે ચિહનો લખાતાં તેમને ભાવચિત્ર (ideograph) કહેવાય છે. એ પણ બદલાયાં છે. દા.ત.,

(3) સામાસિક ચિહનો એ ત્રીજી રીત છે. બે ચિહનોને ભેગાં લખીને પણ એક ચિહન બનાવવામાં આવે છે. જેમ કે ‘મિંગ’ શબ્દનો અર્થ છે ‘ઊજળું’. એ શબ્દનો લિપિસંકેત બે સંકેતોનો બનેલો છે, જે મૂળ તો ‘સૂર્ય’ અને ‘ચંદ્ર’ અર્થના વાચક છે.

(4) ચોથી રીતમાં એક શબ્દનું ઉચ્ચરિત સ્વરૂપ બીજાને મળતું આવતું હોય તો એ શબ્દનું લિપિસ્વરૂપ પણ એની જેમ રાખવામાં આવે છે. દા. ત.,

 ‘યી’ = ‘વીંછી’. એ જ ઉચ્ચારણ હોય એવા બીજા શબ્દ માટે પણ એ લિપિચિહન વપરાય. એનો અર્થ થાય ‘સહેલું’. અન્યથા આ બે વચ્ચે બીજું કોઈ સામ્ય નથી.

(5) ઘણી વાર ત્રીજી અને ચોથી રીત ભેગી કરીને પણ ચિહન લખાય છે.

ચીની લિપિના શબ્દોને ઉચ્ચારણ સાથે સંબંધ નથી. ભારતીય આર્યકુળની ભાષામાં ઉચ્ચારણ ઘટક ‘ધ્વનિ’ અને લિપિનો ઘટક ‘વર્ણ’ એ બેનો સંબંધ હોય છે અને તે શબ્દની રચના કરે છે. અને તેમની વચ્ચે એક જેમ એકનો સંબંધ હોય છે. પણ ચીની ભાષામાં શબ્દના અર્થ સાથે ઉચ્ચારણ અને લેખન સ્વતંત્ર રીતે સંકળાયેલાં છે.

1890માં ચીની લિપિને સરળ બનાવવાના પ્રયત્નો શરૂ થયા હતા. જોકે 1950 સુધી લિપિ અનેક સ્વરૂપે અસ્તિત્વમાં હતી. ત્યારબાદ એને ચોક્કસ બનાવવામાં આવી. આજે સમગ્ર દેશમાં એક લિપિ માન્ય કરવામાં આવી છે.

અરવિંદ ભાંડારી

ચીની સાહિત્ય

ચીનમાં ‘ઑરેકલ બોન્સ’ ઉપર લખેલાં લખાણોને 3500 વર્ષ પુરાણાં માનવામાં આવે છે. તે રીતે લખાણનો ઇતિહાસ ચીનમાં 3500 વર્ષ જૂનો ગણાય. ચીની સાહિત્યનો ઇતિહાસ પણ ખૂબ જૂનો છે. ઈ. પૂ. 2205માં યૂ નામના સમ્રાટના જમાનામાં ચીનમાં રાજકીય સત્તાની શરૂઆત થઈ અને તે યુગમાં ગીતસંગ્રહ (શિ-ચિંગ) અને ઇતિહાસના ગ્રંથ(શૂ-ચિંગ)ની રચના થઈ તેવું મનાય છે.

ઈ. પૂ. 1750થી 1125ના સમયગાળામાં શાંગ વંશના રાજવીઓ સત્તા ઉપર રહ્યા અને તેમના પછીના યુગમાં ચાઓ વંશના રાજવીઓનું શાસન ઈ. પૂ. 1125થી 249ના સમયગાળામાં રહ્યું. ચાઓ યુગમાં ત્રણ વિદ્વાન ચિંતકો ચીનમાં થઈ ગયા, જેમની વિચારધારાની અસર દેશવિદેશમાં અનેક વિદ્વાનો ઉપર જોવા મળે છે. આ ચિંતકો પૈકી લાઓ-ત્ઝેનો જન્મ ઈ. પૂ. 570માં; કૉન્ફ્યૂશિયસનો જન્મ ઈ. પૂ. 551માં થયેલો. મેન્શિયસ ઈ. પૂ. 372–289ના સમયગાળામાં થયેલા મનાય છે. લાઓ-ત્ઝેએ એકાશી નાનાં પ્રકરણો કે કાવ્યોનો પાંચેક હજાર શબ્દોનો લખેલો ગ્રંથ ‘તાઓ-તે-ચિંગ’ ચિંતનપ્રધાન હોવા ઉપરાંત જીવનની સ્વાભાવિકતા ઉપર ઝોક આપનાર ગ્રંથ છે. તેમાં તાઓ આદર્શોનું સૂત્રાત્મક શૈલીમાં ચિંતનસભર અને કાવ્યમય નિરૂપણ હોવાથી તે ગ્રંથ પાશ્ચાત્ય દેશોમાં ખૂબ ખ્યાતિ પામ્યો છે. શૈલી અને વિચાર-ગહનતાની ર્દષ્ટિએ કેટલાક પરિચ્છેદો જોવા જેવા છે.

લાઓ-ત્ઝેના સમકાલીન ચિંતક કૉન્ફ્યૂશિયસે તેમનાં લખાણોમાં અમુક અમુક ગુણોના વિકાસ ઉપર ભાર મૂક્યો. તેમનો જ્ઞાનભંડાર જોતાં તેમને ચીનના સૉક્રેટિસ તરીકે વર્ણવવાનું મન થાય. તેમનાં કાવ્યોનો ગ્રંથ (શિ-ચિંગ) નોંધપાત્ર છે. તેમના પાંચ ગ્રંથો હાલ ઉપલબ્ધ છે. મેન્શિયસ પણ આ યુગના જ વિચારક હતા. આ વિદ્વતત્રયી પ્રાચીન ચીની સાહિત્યના ગૌરવરૂપ છે.

ચાઓ યુગમાં ચીનમાં વિદ્વત્તાનું ગૌરવ કરવામાં આવતું. કૉન્ફ્યૂશિયસના જમાનામાં સરકારી અધિકારી જે સાહજિકતાથી દસ્તાવેજ લખે તે જ સાહજિકતાથી કવિતા કે નિબંધ લખી શકે તેવું અપેક્ષિત રહેતું. ચીનમાં ઈ. પૂ. 1750–1125ના ગાળામાં કાષ્ઠનાં બીબાંથી છાપકામ કરવાની શરૂઆત થઈ. તે પહેલાં રેશમી વસ્ત્ર ઉપર પીંછીથી લખાણ અંકિત કરીને તેને વીંટાના સ્વરૂપમાં સાચવવામાં આવતું. તે જમાનામાં પ્રશિષ્ટ ભાષાનું શિક્ષણ કઠિન અને દીર્ઘકાળનું હોવાથી ખૂબ જ ઓછા લોકો તેમાં પ્રગતિ કરી શકતા. સામાન્ય જનસમાજ દ્વારા બોલાતી ભાષા અને પ્રશિષ્ટ ભાષા વચ્ચે ઘણો ભેદ હોવાથી ખૂબ જ નાનો વિદ્વદવર્ગ તેના ઉપર પ્રભુત્વ ધરાવતો.

ચાઓ વંશનો ઈ. પૂ. 249માં અંત આવ્યો. ઈ. પૂ. 221માં શીન વંશની શરૂઆત થઈ અને શી-વાંગ-ટી નામના સમ્રાટનું શાસન શરૂ થયું. હૂણોના હુમલાઓને ખાળવા માટે તેણે આલમની અજાયબી ગણાતી 2880 કિમી. લાંબી, 6.6 મીટર પહોળી અને 6.03 મી. ઊંચી દીવાલ સરહદ ઉપર બંધાવી; પરંતુ તેના વખતમાં અગાઉના રચાયેલ ગ્રંથોનો પણ નાશ કરવામાં આવ્યો. કૉન્ફ્યૂશિયસની કૃતિઓ તેમાં નાશ પામી તેમ મનાય છે. પાછળથી આ કૃતિઓના છૂટક છૂટક ભાગોને ગ્રંથસ્થ કરવાનું કામ થયું, જે આપણને પ્રાપ્ય છે.

શીન વંશના અંત પછી ચીનમાં હાન યુગ શરૂ થયો, જેને ચીનના સુવર્ણયુગ તરીકે ઓળખી શકાય. આ યુગમાં આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે ચીને નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી. સાહિત્યની અનેક નવી કૃતિઓનું સર્જન થયું અને જૂના ગ્રંથોના પુન:સર્જનનું કાર્ય પણ હાથ ધરાયું. અનેક વિષયો જેવા કે ઔષધશાસ્ત્ર, વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રના ઉત્તમ ગ્રંથો આ યુગમાં લખાયા. ચીની ભાષાનો શબ્દકોશ પણ આ યુગમાં તૈયાર કરવામાં આવ્યો. હાન યુગની શરૂઆતમાં સૂ-મા-ચિયેનનું લખેલું ‘રેકૉર્ડ ઑવ્ ધ ગ્રાન્ડ હિસ્ટોરિયન’ ઐતિહાસિક લખાણોમાં નોંધપાત્ર કૃતિ છે. તેમાં મહત્વના ઐતિહાસિક મહાનુભાવોનાં ચરિત્રોનું લેખન છે. ત્યારબાદ લખાયેલ ઐતિહાસિક ગ્રંથો ઉપર તેની શૈલીનો પ્રભાવ છે. તેના અનુગામી લેખક પાન-કૂ(ઈ. સ. 32–92)એ લખેલ ‘હિસ્ટરી ઑવ્ ધ હાન’ તેની સાહિત્યિક શૈલીને કારણે નોંધપાત્ર કૃતિ લેખી શકાય.

હાન યુગના પૂર્વાર્ધમાં અને તેની અગાઉના યુગમાં રચાયેલ કવિતાઓનો સંગ્રહ ‘સ્પ્રિંગ ઍન્ડ ઑટમ ઍનલ્સ ઑવ્ લૂ-પૂ-વેઈ’ મહત્વનો ગણાય છે. તેમાં મહદ્ અંશે તત્વજ્ઞાન કે રાજકારણના મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કરવા રૂપકકથા(allegory)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કાવ્યલેખન એ ચીની વિદ્વાનની સર્વોત્તમ સિદ્ધિ ગણાતી. ઈ. પૂ. 1000થી 600માં રચાયેલ કાવ્યો ‘ક્લાસિક બુક ઑવ્ સાગ્ઝ’માં સંગૃહીત થયેલાં છે. બીજો નોંધપાત્ર કાવ્યસંગ્રહ ‘ધ સાગ્ઝ ઑવ્ ધ સાઉથ’ છે, જેમાં કવિ ચૂ-યૂઆન અને તેના અનુગામી કવિઓની કૃતિઓ ગ્રંથસ્થ થયેલી છે.

હાન યુગમાં છંદોબદ્ધ શૈલી(ફૂ)નો વિકાસ થયો. આ શૈલીમાં લખાયેલ કૃતિઓ તે જમાનાના વિશ્વસાહિત્યમાં પ્રભાવશાળી ગણી શકાય. ‘ફૂ’ ઉપરાંત બીજા મહત્ત્વના કાવ્યપ્રકાર બૅલડ(યુ એહ ફૂ)નો પણ વિકાસ જોવા મળે છે.

હાન યુગ પછી ચીનમાં બૌદ્ધ ધર્મની અસરની શરૂઆત થઈ. બૌદ્ધ સાધુઓ દ્વારા ચીનમાં પ્રવેશેલા ભારતીય ધ્વનિશાસ્ત્રની અસર નીચે નવા પ્રકારની શૈલીમાં કાવ્યો લખાવા માંડ્યાં. છંદોબદ્ધ રચનાના નિયમો પણ ઘડાયા. બૌદ્ધ સૂત્રોના ચીની ભાષામાં અનુવાદ થતાં બૌદ્ધ દર્શનનો ચીનના ચિંતન ઉપર પ્રભાવ પડ્યો. તાંગ યુગમાં કવિતાની આ શૈલીપ્રણાલી તેની ચરમ સીમાએ જોવા મળે છે. આ પ્રણાલીમાં રચાયેલી આશરે 4800 જેટલી કાવ્યરચનાઓ ઉપલબ્ધ છે. આ યુગના પ્રબુદ્ધ કવિઓમાં તાઓવાદી લિ-પો અને કૉન્ફ્યૂશિયસના અનુયાયી વાંગ વેઈ મુખ્ય છે.

લિ-પો(701–762)ની એક રચના નમૂના રૂપે આપી છે.

મારા ઢોલિયાના પાયા ઉપર

શેનું પ્રતિબિંબ ચમકે છે ?

મને થયું, અત્યારે તે કંઈ ઝાકળ હોય ?

સહેજ બેઠો થયો, ને જોયું તો ચાંદની !

મારું હૃદય ભાંગી પડ્યું

મને એકાએક ઘરની યાદ આવી ગઈ.’

શુંગ યુગમાં તેમના અનુયાયીઓમાં સૂ-તુંગ-પો અને લૂ-યુ (1125–1210) મુખ્ય છે. અગિયારમી સદીમાં ઊર્મિ કવિતા (ત્ઝુ) મુખ્ય કાવ્યપ્રણાલી રહી. આ પ્રણાલીના મુખ્ય પ્રણેતાઓમાં લિ-ચો-હુ આન્ગ, ટિંગ-ચિંયેન અને લિ-ચિંગ-ચાઓને ગણી શકાય. લિ-ચિંગ-ચાઓ ચીનનાં ખૂબ વિખ્યાત કવયિત્રી તરીકેનું સ્થાન ધરાવે છે. ત્યારબાદ કૅન્ટો (સાન-ચૂ) સ્વરૂપનો ઉદય થયો. મિંગ યુગ (1348–1644) અને ચિંગ યુગ(સત્તરમી સદી)માં કવિતામાં કોઈ નવીન શૈલી વિકસી નહિ. તે યુગના કવિઓએ મહદ્ અંશે તાંગ યુગના સાહિત્યસ્વામીઓની અસર નીચે લખવાનું વલણ દાખવ્યું.

ચીની ગદ્ય સાહિત્યના ઇતિહાસમાં હાન યુ (768–824) અને લીઉ-ત્સુંગ યુઆન (773–819) જેવા લેખકો સરળ નિરાડંબરી શૈલીના પુરસ્કર્તા રહ્યા. અગાઉના લેખકોમાં પ્રચલિત આલંકારિક અને દીર્ઘ શબ્દ-ગુચ્છોના ઉપયોગવાળી ક્લિષ્ટ શૈલી સામે આ પ્રત્યાઘાતી વલણ હતું. સરળ શૈલી અને આલંકારિક શૈલી વચ્ચેનો વિવાદ ચિંગ યુગમાં ચાલતો હતો.

ઈસવી સનની ચોથી સદીમાં સાહિત્યનું વર્ગીકરણ ચાર મુખ્ય વિભાગોમાં કરવામાં આવતું : (1) કૉન્ફ્યૂશિયન પ્રણાલી (ચિંગ), (2) ઐતિહાસિક અને ભૌગોલિક (શિહ), (3) તત્વજ્ઞાન અને ચિંતનશીલ ગદ્ય/કાવ્ય (ત્ઝુ) અને (4) કવિતા તથા નિબંધ (ચિ). તેમાં નાટક અને કથાસાહિત્ય(નવલકથા)નો ઉલ્લેખ નથી. બૌદ્ધ ધર્મના ગ્રંથોની અસર ચીનમાં પહોંચી તે પહેલાંના યુગમાં કથાસાહિત્યમાં મુખ્યત્વે જાણીતી વ્યક્તિઓનાં જીવનપ્રસંગો, ઐતિહાસિક ઘટનાઓનાં વર્ણનો અને વિશિષ્ટ ઘટનાઓનો ચિતાર જોવા મળે છે; પરંતુ બૌદ્ધ ધર્મગ્રંથોની અસર નીચે નવીન નિરૂપણશૈલી અસ્તિત્વમાં આવી. આ શૈલીની અસર 1582થી 1596 દરમિયાન કોઈ અજ્ઞાત લેખક દ્વારા સર્જવામાં આવેલી કૃતિ ‘ચિન-પિંગ-જોઈ’ જેનો 1939માં અંગ્રેજી અનુવાદ ‘ધ ગોલ્ડન લોટસ’ પ્રસિદ્ધ થયો તેમાં તથા ત્સાઓ-શૂએન-ચીન નામના લેખકની નવલકથા ‘હુન્ગ-લાઉ-મેન્ગ’ (1791), જેનો અંગ્રેજી અનુવાદ ‘ડ્રીમ ઑવ્ ધ રેડ ચેમ્બર’ 1929માં પ્રસિદ્ધ થયો, તેમાં જોવા મળે છે.

ટૂંકી વાર્તાનો વિકાસ ચિંગ સમયમાં થયો. ફેંગ-મેંગ-લુંગ- (1574–1646)નો પ્રાદેશિક ટૂંકી વાર્તાઓનો સંગ્રહ જાણીતો છે. આ કૃતિઓ પ્રાદેશિક ભાષામાં છે પણ સાહિત્યિક શૈલીમાં આ સ્વરૂપ વિકાસ પામતું રહ્યું તેનાં ઉત્તમ ઉદાહરણ પૂ-શુંગ-લિંગ (1640–1716) લિખિત ‘તાંગ ક્લાસિકલ ટેલ્સ’ અને લીઆઓ-ચાઈ-ચી-હી લિખિત ‘સ્ટ્રેન્જ સ્ટોરીઝ ફ્રૉમ ચાઇનીઝ સ્ટુડિયો’ ગણી શકાય. કથાસાહિત્ય મિંગ યુગ અને ચિંગ યુગ દરમિયાન શિક્ષિત લોકોના આદરનું અધિકારી રહ્યું.

ચીનમાં નાટક પણ કથાસાહિત્યની જેમ ભારતીય પરંપરાની અસર નીચે પાંગર્યું. અગાઉના સમયમાં ચીની નાટકમાં મુખ્યત્વે મૂક અભિનય, પટ્ટાબાજી અને વ્યાયામકૌશલનાં ર્દશ્યો ર્દષ્ટિગોચર થતાં. પણ ભારતીય પરંપરાની અસર નીચે નાટકમાં ગીત અને સંવાદનું મિશ્રણ તથા કેટલાંક બીબાંઢાળ પાત્રો (set roles) દાખલ થયાં. વિકાસના આ તબક્કામાં યુઆન ડ્રામા સીમાચિહનરૂપ છે. દક્ષિણનાં નાટકોમાં તાન્ગ શિયેન-ત્સુ (1550–1616)નું ‘ધ પ્યુની પેવિલિયન’ અને કુંગ-શેંગ-જેન(1684–1718)નું ‘ધ પીચ બ્લોઝમ ફૅન’ મોખરે રહ્યાં છે.

અર્વાચીન ચીની સાહિત્ય : વીસમી સદીના પ્રથમ બે દાયકામાં ચીની સાહિત્યમાં નવા યુગનાં એંધાણ વરતાય છે. 1911માં ચીનમાં થયેલી રાજકીય ઊથલપાથલને પરિણામે પરિવર્તનનો પવન ફૂંકાવો શરૂ થયો. ચીનમાં આમજનતાની ભાષા અને સાહિત્યની ભાષા વચ્ચે ખાસ્સું અંતર હતું. 1900થી 1917 દરમિયાન પ્રાદેશિક ભાષામાં ગંભીર પ્રકારનું સાહિત્ય સર્જાવાની શરૂઆત થતાં સાહિત્યક્ષેત્રે એક નવા અભિગમનો પ્રારંભ થયો. ત્રીજા વિશ્વના અન્ય દેશોની જેમ જ ચીનમાં પણ આધુનિકીકરણની પ્રક્રિયા સાથે પાશ્ચાત્ય અસર વરતાવા લાગી હતી.

1919ના મેની ચોથી તારીખ ચીની તવારીખમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તે દિવસે ચીની વિદ્યાર્થીઓ અન્ય બુદ્ધિજીવીઓના ટેકાથી વર્સાઈ કરાર સામે જંગે ચડ્યા અને રાજકીય ઊથલપાથલના યુગનો પ્રારંભ થયો. રાજકીય અને આર્થિક સુધારણાની આ ચળવળની સમાંતર સાહિત્યિક ક્રાંતિનાં પણ પગરણ થયાં, જેના નેતા હતા હુ-શિહ. તેમણે અને અન્ય સાથીઓએ વિદ્યાર્થી આંદોલનના એક ભાગ રૂપે સાહિત્યમાં પ્રશિષ્ટ ભાષા(વેન યેન)ને બદલે આમજનતાની ભાષા મંદારીન(પાઇહુઓ)નો છૂટથી ઉપયોગ કરવા માંડ્યો. 1919થી 1949નો સમય ચીન માટે જાપાન સાથેનું યુદ્ધ (1937), આંતરવિગ્રહ અને રાજકીય ઊથલપાથલનો યુગ રહ્યો. 1949માં ચીનમાં સામ્યવાદીઓએ સત્તા કબજે કરી અને ઇતિહાસનો એક નવો યુગ પ્રગટ્યો.

આધુનિક ચીની સાહિત્યના ઇતિહાસમાં બે ઘટનાઓ ધ્યાન ખેંચે તેવી છે : એક તે 1921માં ક્રિયેશનિસ્ટ સોસાયટીની સ્થાપના. ક્રિયેશનિસ્ટ સોસાયટી શરૂઆતમાં ‘કલા ખાતર કલા’ના સિદ્ધાંતને વરેલી હતી. આ સોસાયટીના સ્થાપકો પૈકી ચેંગ-ફાન્ગ-વુ, યુ-દાફુ, અને ઝૂઓ-મોરુઓએ ક્રાંતિ તરફ પીઠ ફેરવી લેતાં ક્રાંતિકારી સાહિત્યનો તબક્કો શરૂ થયો. ક્રિયેશનિસ્ટ સોસાયટીના લેખકો યુરોપિયન સાહિત્યમાં પ્રચલિત રોમૅન્ટિસિઝમથી પ્રભાવિત હતા પણ ઓછાવત્તા અંશે સૌ સામાજિક ક્રાંતિના વાહકો હતા. 1929માં ચાંગ કાઇ-શેકની સરકારે તેમનાં પ્રકાશનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો અને ધીરે ધીરે આ લેખકો જાપાન ચાલ્યા ગયા. બીજી ઘટના તે 1930માં શાંગહાઈમાં સ્થપાયેલ ‘ધ લીગ ઑવ્ લેફ્ટિસ્ટ રાઇટિંગ’. તે ‘જનતા માટેના’ સાહિત્યની હિમાયત કરતી રહી. જીવન માટેનું સાહિત્ય એ હવે મુખ્ય વિચારધારા બની.

આધુનિક ચીની સાહિત્યમાં નોંધપાત્ર સાહિત્યકાર લૂ શીન (લુ-ઝુ) (1881–1936) યુરોપના સાહિત્યથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે અનેક વિદેશી લેખકોને ચીનમાં અનુવાદો દ્વારા જાણીતા કર્યા, જેમાં મુખ્યત્વે ઇબ્સન, નિત્શે, કિર્કગાર્ડ, શૉપનહાવર જેવા વિચારકો હતા. 1914માં બર્ગસાં ચીનના વાચકોને સુલભ થયા. અને સાથે જ અન્ય પાશ્ચાત્ય સાહિત્યકારો જેવા કે સ્ટ્રિન્ડબર્ગ, ઑસ્કર વાઇલ્ડ, દૉસ્તૉયેવ્સ્કી, ટૉલ્સ્ટૉય અને તુર્ગનેવ પણ ચીનમાં જાણીતા થયા.

લુ-ઝુએ ફ્રૉઇડ અને બૉદલેર જેવા ચિંતકોને પણ ચીની ભાષામાં ઉતાર્યા અને સાહિત્યકારો તેમના વિચારોના પ્રભાવ નીચે આવ્યા.

હુ-ફેંગે સાહિત્યમાં યથાર્થવાદ અને માનવતાને અગ્રસ્થાન આપવાની હાકલ કરી ત્યારે સાહિત્યનો એક નવો તબક્કો જોવા મળે છે. એક તરફ આધુનિક છાવણી રશિયા અને જાપાનની અસર નીચે હતી તો બીજી તરફ પાશ્ચાત્ય રોમૅન્ટિસિઝમથી પ્રભાવિત લેખકોની છાવણી હતી. માર્કસની વિચારધારા પાયામાં હોય તેવું સાહિત્ય જ સાચું સાહિત્ય તેવા વિચારની સાથે અનેક લેખકોની સફાઈ ચીનમાં થવા માંડી. સાહિત્ય ખેડૂતો અને કામદારોના ભલા માટે જ હોઈ શકે તેવા રાજકીય હેતુઓવાળું સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. 1950માં હુ-ફેંગ અને અન્ય અનેક લેખકોની સફાઈ થઈ ગઈ. ઘણાં વર્ષો સુધી ચીનના સાહિત્યજગતની ઘટનાઓ વિશે બહારનું વિશ્વ અજાણ રહ્યું.

1919ની સાહિત્યિક ક્રાંતિના પ્રણેતા હુ-શિહ વિદ્વાન વિવેચક અને કવિ હતા. કોલમ્બિયાની યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કર્યો હતો અને ટી. એચ. હક્સ્લી જેવા ખ્યાતનામ લેખકના તે ગાઢ સંપર્કમાં હતા. તેમણે ક્રાંતિની હાકલ કરતાં જાહેર કરેલું કે ‘સાહિત્યની પ્રશિષ્ટ ભાષા(વેન યેન)નો હજાર વર્ષથી લોપ થઈ ગયો છે.’ તેના વિકલ્પે દેશની આમજનતાની ભાષા(પાઇ હુઓ)નો ઉપયોગ તેમણે ભારપૂર્વક સૂચવ્યો. વિદ્વાન વિવેચકો આ ભાષાને ગ્રામીણ ગણતા પણ બેજિંગ યુનિવર્સિટીના પ્રાધ્યાપક તરીકે (1917–26) તેમણે આ વિચાર અમલમાં મૂકી બતાવ્યો. તેમના અનુયાયી ચેન-તૂ-શી (1879–1942) સામ્યવાદી પક્ષના સ્થાપકોમાંના એક હતા. તેમણે ‘આમજનતાની ભાષામાં જ સાહિત્ય’ એ વિચારને વેગ આપ્યો. વિદ્વદવર્ગની ઉચ્ચતા તોડી પાડવાની પ્રક્રિયાના ભાગ રૂપે આ ચળવળ પાંગરી. આલંકારિક આડંબરી શૈલીના ભદ્ર સમાજના સાહિત્યને બદલે સરળ શૈલીવાળું યથાર્થવાદી સાહિત્ય જે લોકભોગ્ય હોય તે રચાવાની શરૂઆત થઈ.

આમજનતાની ભાષાને રાષ્ટ્રભાષા(કૂ ઓ યૂ)નો મોભો અપાઈ ચૂક્યો હતો અને નાટક તથા ટૂંકી વાર્તામાં સામાજિક યથાર્થવાદ દેખા દેવા માંડ્યો હતો. સાહિત્યકાર લૂ શીન(લુ-ઝુ)એ ઘણી રશિયન વાર્તાઓનો અનુવાદ આપ્યો છે. તેમની પ્રથમ ટૂંકી વાર્તા ‘ડાયરી ઑવ્ અ મૅડ મૅન’ (1918) સાહિત્યિક ક્રાંતિના પુરસ્કર્તાઓ માટે સીમાસ્તંભરૂપ મનાય છે. વાર્તાનો નાયક છિન્ન મનોદશામાં હરહંમેશ ફાંસીએ દેવાઈ જવાની ધાકના ઓળા નીચે જીવે છે. આ લેખકની પચીસેક વાર્તાઓ ત્યારપછી પ્રસિદ્ધ થઈ જેમાં ‘ધ ટ્રૂ સ્ટોરી ઑવ્ આહ ક્યૂ’ ખૂબ જાણીતી છે. તેમનો ગ્રંથ ‘બ્રીફ હિસ્ટરી ઑવ્ ચાઇનીઝ ફિક્શન’ આ સદીના ચીની સાહિત્ય ઉપરનો શ્રેષ્ઠ ગ્રંથ ગણાય છે. લુ-ઝુ રાષ્ટ્રીય સરકારના કટ્ટર વિરોધી હતા. શાંગહાઈમાં રહી સરકારની વિરુદ્ધ અનેક લેખો જુદા જુદા નામે લખતા રહ્યા અને ચાંગ કાઈ-શેકના માણસો દ્વારા ખૂનના ભય સામે તે ઝઝૂમતા રહ્યા. તેમની વાર્તાઓમાં જે સંક્ષિપ્તતાથી માનવીના મનોભાવોનું નિરૂપણ થયું છે અને જે કસબથી કૃતિઓ સર્જાઈ છે તેને બીજો કોઈ લેખક આંબી શકે તેમ નથી.

ત્રીસીના દાયકામાં જાણીતા લેખક માઓ તુને કેટલીક ક્ષમતાવાળી વાસ્તવવાદી નવલકથાઓનું સર્જન કર્યું. 1933માં લખાયેલી તેમની કૃતિ ‘મિડનાઇટ’નો 1957માં અંગ્રેજી અનુવાદ થયો. તેમની બીજી કૃતિ ‘ધ લીન ફૅમિલી શૉપ’ ક્રાંતિ પહેલાં લખાયેલી પણ 1957માં પેકિન બોલીમાં અનૂદિત થયા પછી પ્રકાશમાં આવી. તેમાં ખાનગી માલિકીના પુરસ્કર્તા હોવાના આક્ષેપસર તેમની કડક ટીકા થયેલી.

ચીનનાં જાણીતાં લેખિકા ટિંગ લિંગ (ચિયાંગ-પિંગ-ચિહ) (1907–1985) તેમની જમણેરી વિચારધારા માટે વિવાદાસ્પદ બનેલાં. તેમણે કેટલીક સુંદર ચીની વાર્તાઓ લખી અને 1937ના જાપાની આક્રમણ પછી પ્રસિદ્ધ કરી. તેમની વાર્તાઓમાં સામ્યવાદી અને બિનસામ્યવાદી જીવનશૈલી વચ્ચેનો તફાવત તથા રાજકીય રીતે ક્ષુબ્ધ બનેલા ચીનમાં રહેતા લોકોની સમસ્યાઓનો પ્રામાણિક ચિતાર જોવા મળે છે. તેમની કૃતિ ‘ધ સન શાઇન્સ ઑન ધ સાંગકાન રિવર’(1948)નો વિષય જમીનસુધારણા છે. તેને સ્ટાલિન પ્રાઇઝથી નવાજવામાં આવેલી.

એક જમાનાના આતંકવાદી સાહિત્યકાર પા-ચીન (લી ફેઈ-કાન) તેમની નવલકથાત્રયી ‘ટોરેન્ટ’ (1933–40) માટે પ્રશંસા પામ્યા છે. તેમના પહેલા ગ્રંથ ‘ફૅમિલી’(1933)નો 1958માં અંગ્રેજી અનુવાદ થયો તેમાં પોતાનો રૂઢિચુસ્ત શ્રીમંત કુટુંબમાં જન્મ તથા ઉછેર અને તેમાંથી છુટકારો પામવાના પ્રયત્નોનો સંઘર્ષ અસરકારક રીતે નિરૂપાયો છે.

પેકિન બોલીનો નવલકથામાં ઉપયોગ કરનાર લેખિકા લાઓ શી (શૂ-ચિંગ-ચૂન, 1898–1966) લંડનમાં રહેતાં હોવાથી પશ્ચિમમાં જાણીતાં બન્યાં. તેમની નવલકથાઓ, ‘સિટી ઑવ્ કૅટ્સ’ (1933), ‘ધ ક્વેસ્ટ ફૉર લવ ઑવ્ લાઓ લી’, ‘રિક્ષાબૉય’, (1937) અને ‘ધ યલો સ્ટૉર્મ’ (1950) જાણીતી થઈ છે.

ક્રાંતિ પછી કોઈ નોંધપાત્ર કૃતિનું સર્જન ચીનમાં થયું નહિ. 1965થી 1968 વચ્ચે થયેલી સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન માઓવાદનું પ્રતિપાદન કરવાની ખટપટને કારણે ઘણા લેખકોની કલમ ઝૂંટવાઈ ગઈ. માઓએ ‘લેટ હન્ડ્રેડ ફ્લાવર્સ બ્લોઝમ’ વાળી નીતિ અમલમાં મૂકેલી પણ કોઈ પરિણામ ન આવ્યું.

ચીનમાં આધુનિક કવિતાની કેડી કંડારનાર કવિ તરીકેનું માન કૂઓ-મા-જો મેળવે છે. 1921માં સ્થપાયેલ ક્રિયેશનિસ્ટ સોસાયટીના મુખ્ય સ્થાપક તરીકે તેમણે કલા માટે કલાના ઉદ્દેશોનો પ્રચાર કરવા માંડેલો પણ સામ્યવાદી અને રાષ્ટ્રીય એવા ભેદ પડ્યા પછી ચીનમાં થયેલી સાફસૂફી દરમિયાન તે જાપાન ભાગી ગયેલા. હૃદયથી રોમૅન્ટિક અને કાવ્યપ્રણાલીના નિષ્ણાત એવા આ કવિએ અનેક સુધારાવાદી કાવ્યો લખ્યાં છે જેમાં યુરોપિયન સ્વપ્નો ભારોભાર ભરેલાં છે. તેમની કવિતાઓનો અનુવાદ ‘સિલેક્ટેડ પોએમ્સ ફ્રૉમ ધ ગૉડેસ’ (1958) એ શીર્ષક નીચે પ્રકાશિત થયો છે.

1935–41ના ગાળામાં લખાયેલી આઈ ચિંગ (ચિયાંગ-હાઈ-ચેંગ)ની કવિતાઓમાં ચિંતાતુરતા સ્પષ્ટપણે દેખાય છે. તેના ઉપર ફ્રેંચ પ્રતીકવાદની અસર છે. ક્રાંતિકારીઓ દ્વારા ઝીંકવામાં આવેલી યાતનાઓનો ઉલ્લેખ તેમની કવિતાઓમાં છે. ગામડાંના લોકો વિશે તેમણે લખ્યું છે :

તેમની આંખો,

અનંત હતાશા અને વેદનાથી

બની ગઈ શુષ્ક અને શૂન્ય !

1957માં આ કવિની સફાઈ થઈ ગઈ. 1977 સુધી તેમની કવિતાઓ ક્યાંય દેખાઈ નહિ. 1977 પછી તેમનો ચીનમાં પુનર્વસવાટ થયો.

ક્રિયેશનિસ્ટ પ્રણાલીના પ્રણેતાઓ અને આ સદીના મૂર્ધન્ય કવિઓ છે શૂ-ચિહ-મો (1895–1931) અને વેન-આઈ-ટો (1898–1946). આ બંને કવિઓ દેશની ભૂમિગત પ્રણાલીઓ અને પરદેશી રોમૅન્ટિક અસરનું સંમિશ્રણ કરવાની મથામણ કરતા રહ્યા. શૂ કવિતાપ્રણાલીની પ્રયુક્તિમાં નિષ્ણાત છે જ્યારે વેનમાં કવિતાનો આત્મા દેખાય છે. વેન કીટ્સનો અનુયાયી હતો અને સાથે ચીનના ઓગણીસમી સદીના કવિ લી-શાન્ગ-યીનને પણ અનુસરતો. તેના જમાનાના બીજા કવિઓ કરતાં તેની શ્રેષ્ઠતા કવિતામાં દેખાય છે. ચાંગ કાઈ-શેકની સરકારનો તે કડક ટીકાકાર હતો. પોતાના નિરાશાવાદથી ડરીને તેણે કાવ્યલેખનનો ત્યાગ કર્યો અને સાહિત્યમાં પ્રતિબદ્ધતાના સિદ્ધાંતને ગતિ આપવાના કામમાં લાગી ગયો. શૂનું વિમાની દુર્ઘટનામાં અવસાન થયું. રવીન્દ્રનાથ ટાગોર જ્યારે ચીન ગયેલા ત્યારે તેમના દુભાષિયા તરીકે તેણે સેવા આપેલી. શૂનાં પ્રણયકાવ્યો રોમૅન્ટિક છે.

વેનમાં મૌલિકતા વધુ જોવા મળે છે. તે ચીનના શેલી તરીકે લેખાય છે. તેણે એક કવિતામાં લખ્યું છે :

‘કેટલાક લોકો મને દૂરના ડુંગરો સાથે સરખાવે છે.

પણ દૂરથી તે મારા રંગો નિહાળવાનું રાખે છે.

એમને ગળે કોઈ રીતે ઊતરતું નથી

કે દૂર ધોળાં વાદળોના ગર્ભમાં

એક અન્ય દુનિયા છે

એક સ્વર્ગીય દુનિયા !’

 

તમારી ધાંધલધમાલમાં ગૂંગળાઈ, અકળાઈ

પસીને રેબઝેબ થાઓ, અને એક લહેરખી આવે,

તો કશો વિચાર કર્યા વિના તેને માણી લેજો.

ક્યાંથી આવી, કોણે મોકલી, તે પૂછવાની જરૂર છે ?

એવી હળવાશ અનુભવજો

કે અરે વાહ, એનું આગમન સમયસર છે.’

દેશનિકાલ થયેલા લેખકોનું ચીની સાહિત્ય અથવા તાઇવાનનું સાહિત્ય ખાસ નોંધપાત્ર નથી. ત્યાંનાં લેખિકા ઇ-લીન-ચાંગ (ચાંગ-આઈ-લિંગ) તેમની નવલકથાઓ ‘ધ રાઇસ સ્પ્રાઉટ સાગ’, ‘ધ નેકેડ અર્થ’ (1954) અને ‘ધ રાઇઝ ઑવ્ ધ નૉર્થ’ (1967) માટે જાણીતાં છે. બીજાં લેખિકા ચેન-જો-શીની કૃતિ ‘ધ એક્ઝિક્યૂશન ઑવ્ મેયર ચિન’ (1976) નવલકથાના સાહિત્યિક મૂલ્યની ર્દષ્ટિએ નોંધપાત્ર છે.

ચીનમાં 1949થી થિયેટરની મુખ્ય પ્રવૃત્તિમાં બેજિંગ ઑપેરા મોખરે રહ્યું છે. 1919 પછીના ગાળામાં ઇબ્સન, શૉ અને ગૉલ્ઝવર્ધીનાં નાટકો ત્યાં ભજવાવા માંડ્યાં. ત્રીસીના દાયકામાં ત્યાં શેરી નાટકો પ્રચલિત થયાં પણ 1949 પછી તેમાં ઓટ આવી કારણ કે તેમાં આવતા સ્વયંસ્ફુરિત સંવાદો ક્યારેક મુશ્કેલી નોતરી શકે તેવી ભીતિ રહેતી.

ચીનનો મોખરાનો નાટ્યકાર ટી-એન હાન (1898–1968) ક્રિયેશનિસ્ટ સોસાયટીનો પ્રારંભનો સભ્ય હતો. ઑપેરામાં કામ કરવા ઉપરાંત અનેક નાટકો અને ફિલ્મોનું તેણે નિર્માણ કર્યું છે. તેનું નાટક ‘શિએહ યાઓ-હુઆન’ (1961) પ્રસિદ્ધ થયા પછી તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો. આ નાટકમાં તાંગ નાયક મહારાણી આગળ રાજકીય સુધારણાની માગણી મૂકે છે. અંતે તેને ફાંસી દેવામાં આવે છે.

1934માં ત્સા ઓ યુ(વાન-ચિયા-પાઓ)એ આમજનતાની ભાષામાં નાટકો લખવાની શરૂઆત કરી. તેનાં ત્રણ નાટકો ‘થન્ડરસ્ટૉર્મ’, ‘સનરાઇઝ’ અને ‘ધ વિલ્ડરનેસ’માં પાશ્ચાત્ય નાટ્યપ્રણાલી ચીની તખ્તા ઉપર ઊતરેલી દેખાય છે,

હુંગ શેન (1894–1955) નામના નાટ્યકારે ગ્રામજીવનને સાંકળી લેતાં નાટકો રચ્યાં. તેના અનુગામી હો-ચિંગ-ચીનાં નાટકોમાં ‘ધ વ્હાઇટ હૅર્ડ ગર્લ’ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. 1950ના દસકામાં ત્સાઓ યુનાં નાટકો ‘બ્રાઇટ સ્કાઇઝ’ (1956) અને ‘ગૉલ ઍન્ડ સ્વૉર્ડ’(1962)માં મૌલિકતા જોવા મળે છે. આ જ અરસામાં લા ઓ શીનાં નાટકો પણ લોકપ્રિય રહ્યાં.

સાંસ્કૃતિક ક્રાંતિના આગમન સાથે બેજિંગ ઑપેરાની પરંપરા તદ્દન ભૂંસાઈ ગઈ. નાટક ઉપર ચાંપતી નજર રાખવામાં આવતી અને પ્રતિક્રિયાવાદ(reactionism)નો અણસાર પણ હોય તો ચલાવી લેવાતું નહિ. 1970માં પ્રગટ થયેલ ‘મૉડર્ન ડ્રામા ફ્રૉમ કમ્યુનિસ્ટ ચાઇના’ ચીની નાટ્યપ્રવૃત્તિ વિશે વિશદ માહિતી આપે છે.

1976થી ચીની સાહિત્યમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળે છે. મૌલિકતા અને વ્યક્તિવાદી અભિવ્યક્તિ પણ હવે દેખા દેવા માંડી. વિદેશી અસરો ફરી વાર ચીનમાં વરતાવા માંડી. આશરે ચારેક દાયકાના એકાંતવાસ પછી ચીન ફરી વાર બહારની દુનિયાના સક્રિય સંપર્કમાં આવ્યું. અદ્યતન ચીની સાહિત્યમાં ચીનની ભૂમિગત પરંપરા અને વિદેશી અસરનું સંમિશ્રણ દેખાય છે. અદ્યતન સાહિત્યકારો મો યાન, હાન શાઓ ગોંગ અને ઝી યા પિંગાઉની કૃતિઓમાં આ સંમિશ્રણ દેખાય છે. આધુનિક ચીની સાહિત્યનો ઇતિહાસ એટલે વિદેશી અસરો નીચે પાંગરતા ભૂમિગત સાહિત્યનો વિકાસ એમ કહી શકાય. 1980 પછીનું ચીની સાહિત્ય વૈશ્વિક આધુનિકતા સાથે કદમ મિલાવતું સાહિત્ય છે.

પંકજ જ. સોની