ચીની તિથિપત્ર

January, 2012

ચીની તિથિપત્ર : વર્ષ, માસ અને દિવસની ગોઠવણ કરતી ચીની પદ્ધતિ. લગભગ બધાં જ તિથિપત્ર કે પંચાંગ એક કે એકથી વધુ અવકાશી પિંડની ક્રમબદ્ધ કે ચક્રીય ગતિ ઉપર આધારિત હોય છે. જેમ કે ગ્રેગરી પંચાંગ જે વ્યાવહારિક તેમજ વહીવટી કામ માટે આખી દુનિયામાં વપરાય છે તેના જેવા આંતરરાષ્ટ્રીય પંચાંગનો આધાર સૂર્ય છે. આમ, ગ્રેગરી પંચાંગ સૌર-પંચાંગ છે. મુસ્લિમ પંચાંગ જે મુસ્લિમ તહેવારોની તારીખ નિશ્ચિત કરવા માટે વપરાય છે તે સંપૂર્ણપણે ચંદ્રઆધારિત, ચાંદ્ર પંચાંગ છે. ભારતનાં જુદાં જુદાં રાજ્યમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન તહેવારો તથા પર્વ નિશ્ચિત કરવા માટે વપરાતાં ભારતીય પંચાંગ તેમજ અનેક સ્થળે વ્યાવહારિક કામ માટે ઉપયોગમાં લેવાતાં પંચાંગ, ચંદ્ર અને સૂર્ય એમ બંને પર આધારિત હોવાથી ચાંદ્ર-સૌર પ્રકારનાં પંચાંગ છે.

પ્રાચીન કાળથી સૂર્ય અને ચંદ્ર જેવા ખગોલીય પિંડ ઉપરાંત, વ્યાધ જેવા આકાશના સૌથી તેજસ્વી તારાનો તથા ગુરુ જેવા ગ્રહનો ઉપયોગ પણ, કાલગણના માટે થતો રહ્યો છે; જે પ્રાચીન મિસરવાસીઓના અને ચીની પંચાંગોમાં જોવા મળે છે. મિસરવાસીઓનું પંચાંગ આમ તો સૌરપંચાંગ હતું તેમ છતાં સૂર્યોદય સાથેના વ્યાધના સમયના માપ ઉપરથી તેમજ નાઇલ નદીનાં પૂરની સદીઓ સુધી કરેલી નોંધો પરથી, અને આ બધી બાબતો વચ્ચેનો સંબંધ સાધીને એમણે વર્ષની સાચી લંબાઈ શોધી કાઢી હતી. પ્રાચીન ચીનવાસીઓ પણ ચંદ્ર અને સૂર્ય ઉપરાંત પંચાંગ બનાવવા માટે અમુક સમયે ગુરુનો ઉપયોગ કરતા હતા.

અન્ય પ્રાચીન દેશોની જેમ ચીનમાં પહેલાં તો 30 દિવસનો મહિનો ગણાતો અને વર્ષની લંબાઈ 360 દિવસની લેવામાં આવી હતી; પરંતુ પાછળથી આ ભૂલ સુધારીને વર્ષમાનનું સાચું મૂલ્ય 365½ દિવસનું નક્કી કરવામાં આવ્યું હતું. તે જ પ્રમાણે પહેલાં વારની સંખ્યા 5 હતી, પરંતુ પાછળથી 1200માં અઠવાડિયાના 7 દિવસનો અમલ થવા લાગ્યો. ક્યારેક ચીનમાં દિવસ-રાત 100 ‘કે’નો ગણવામાં આવતો હતો અને 1 ‘કે’નું મૂલ્ય 36 પળ હતું. મોટે ભાગે રાજકાજમાં સૌર વર્ષનું, અને ધાર્મિક કાર્યમાં ચાંદ્ર વર્ષનું ચલણ હતું. 12 ચાંદ્ર માસના બનેલા ચીનના વર્ષમાં, સમયે સમયે અધિક માસનો ઉમેરો કરીને, એને સૌર વર્ષ સાથે મેળવી લેવામાં આવતું હતું. આમ, પ્રાચીન ચીનમાં ચાંદ્ર-સૌર પંચાંગ પ્રચલિત હતું.

આધુનિક ચીનમાં 1949થી સૂર્ય-આધારિત ગ્રેગરી પંચાંગનો ઉપયોગ અમલમાં આવ્યો છે છતાં આજે પણ આમપ્રજામાં તો પરંપરાગત ચાંદ્ર-સૌર પંચાંગનો જ ઉપયોગ થાય છે. આ પંચાંગને ‘ખેડૂત-પંચાંગ’ પણ કહે છે. તેમાં ચંદ્રની ક્રમબદ્ધ વધતી-ઘટતી કળાઓ ઉપરાંત, ઋતુ ચક્રનો પણ સમાવેશ છે.

જેમ માનવના પિતા મનુ ગણાય છે અને સૂર્યવંશી રાજાઓની સ્થાપના તેમનાથી થયેલી મનાય છે, તેમ ચીનમાં પણ એક પુરાણકથા અનુસાર, સંવત્સરનો આરંભ આવા કોઈ દેવના નામ ઉપરથી થયો હોવાનું માનવામાં આવે છે. આવી એક ગણતરી અનુસાર 1962ની સાલમાં પ્રાચીન ચીની સંવત્સર 9,60,02,461 ચાલતો હતો !

કાલગણનાની આવી પુરાણકથાને ન સ્વીકારીએ તોપણ એટલું તો સ્વીકારવું જ રહ્યું કે ચીનમાં પંચાંગનો આરંભ બહુ પ્રાચીન કાળથી થયો હતો અને વિભિન્ન કાળમાં વિભિન્ન સંવત પ્રચલિત હતા. પ્રાચીન કાળથી અનેક દેશોમાં શાસકો, પોતાના રાજ્યાભિષેકની તિથિથી પોતાનું રાજ્ય-વર્ષ શરૂ કરતા હતા. સમ્રાટ અશોકના એક શિલાલેખ ઉપરથી આનું સમર્થન મળે છે. મોગલ બાદશાહ અકબરે પણ આવી પદ્ધતિ અખત્યાર કરેલી. કાલગણનાની આવી પદ્ધતિ ‘જુલૂસી સંવત્સર’ કહેવાતી. પ્રાચીન ચીનમાં પણ રાજ્યાભિષેકના વર્ષથી વર્ષારંભ ગણવાની પ્રથા હતી, જેને ‘નિન્હો’ નામ આપવામાં આવ્યું હતું.

શાંગ (કે ચીન) રાજવંશનો ક્રમ, ચીની રાજવંશોના કાલક્રમની યાદીમાં આરંભે આવે છે જેની ઐતિહાસિકતા પુરાતત્વ-સિદ્ધ છે, અને તેનો સમયગાળો ઈસવી સન પૂર્વે આશરે 1500થી 1066 વચ્ચેનો અંદાજવામાં આવેલો છે. શાંગ વંશની રાજધાની બની ચૂકેલા શહેર નજીકના એક સ્થળેથી ખોદકામ દરમિયાન મળી આવેલાં પ્રાણીઓનાં અસ્થિઓ ઉપર કોતરેલાં લખાણ ઉપરથી જાણવા મળે છે કે શાંગ વંશના મધ્યકાળમાં (ઈ. પૂ. 1300ની આસપાસ) ચીનમાં દિવસની ગણતરી માટે એક આવર્તી પદ્ધતિ(cyclical system)નો આરંભ થયો હતો, જે પ્રતીકાત્મક (ideographic) હતી અને એમાં બે જૂથનો સમાવેશ થતો હતો – (1) સ્વર્ગીય ઝાડનાં થડ કે સ્વર્ગીય સ્કંધો (heavenly stems) અને (2) પાર્થિવ શાખાઓ (earthly branches) જેમાં અનુક્રમે 10 અને 12 સંજ્ઞા કે લાક્ષણિક ચિહનોનો સમાવેશ થતો હતો. આ પ્રત્યેક જૂથમાંની સંજ્ઞા એક નિશ્ચિત ક્રમમાં મૂકવામાં આવી હતી. આ સંજ્ઞા વિવિધ રીતે સંયોજાઈને કે અરસપરસ ક્રમ બદલીને, એકમેક સાથે જોડકાં બનાવીને, અનંતકાળ સુધી પુનરાવર્તન પામી શકે એવા 60 વર્ષના બનેલા એક, એવા પાર વિનાના ઘટક(unit)નું નિર્માણ કરતી હતી. આવા પ્રાચીન ચીની તિથિપત્રમાં એક ચક્ર 60 વર્ષનું હતું, જેમાં 10 વર્ષીય ‘સ્વર્ગીય સ્કંધ’ અને 12 વર્ષીય ‘પાર્થિવ શાખા’ એમ બે ચક્રનો સમાવેશ, ક્રમચય (permutation) દ્વારા કરવામાં આવતો હતો. ઈ.સ.ની પહેલી સદીની આસપાસ આ પદ્ધતિમાં વર્ષોની પણ ગણના થવા લાગી. આ બંને ચક્રમાંની ક્રમાનુસાર એક એક સંજ્ઞાના જોડકાથી, ચીની વર્ષનું નામ બનતું. 10 અને 12નો લઘુતમ સામાન્ય ગુણક 60 છે એટલે આ બંને ચક્રની પ્રથમ સંજ્ઞાથી બનેલું વર્ષ-નામ 60 વર્ષે પુનરાવર્તન પામતું હતું. આજે જેમ આપણે વાર અને તારીખનાં બે ચક્ર (cycle) બનાવ્યાં છે અને આ બે ચક્રમાંની એક એક સંજ્ઞા લઈને આપણે દિવસની ઓળખ નક્કી કરીએ છીએ તેમ કાંઈક અંશે એને મળતી આવતી આ પદ્ધતિ કહી શકાય. દા. ત., 1924ના વર્ષનું નામ ‘જિઆ-ઝિ’ છે જેમાં બંને જૂથની પ્રથમ સંજ્ઞાઓ સંયોજાઈ છે. આ રીતે 1984નું વર્ષ-નામ પણ ‘જિઆ-ઝિ’ આવે. અહીં 60 વર્ષમાં સ્વર્ગીય સ્કંધનાં 6 ચક્ર પૂરાં થયાં. (10 × 6 = 60), જ્યારે પાર્થિવ શાખાનાં 5 ચક્ર પૂરાં થયાં (12 × 5 = 60).

ચીની પંચાંગમાં બીજો મહત્વનો તબક્કો હાન-રાજવંશ દરમિયાન આવ્યો. આ વંશ ઈશુના જન્મપૂર્વે લગભગ 200થી તે ઈશુના જન્મ પછી 221 વર્ષ સુધી એટલે કુલ્લે 421 વર્ષ ચાલ્યો. આ રાજવંશના આખરી તબક્કામાં ઈ. સ. 25થી 220ના ગાળા વચ્ચે અને એ પછીનાં આશરે હજારેક વર્ષો દરમિયાન ચીનમાં ખગોળનો જે કાંઈ વિકાસ થયો એમાં કાલગણના પદ્ધતિ(પંચાંગ)નો ફાળો ઘણો જ મોટો છે. આ કાળમાં થયેલા કેટલાક પ્રખર ચીની ખગોળશાસ્ત્રીઓએ વિવિધ વલય-યંત્રો (armillary sphere) તથા અન્ય ખગોલીય ઉપકરણો બનાવ્યાં. તેમના પાયામાં પંચાંગ સંશોધનનો જ ઉદ્દેશ રહેલો હતો.

વર્ષના નામકરણની એક બીજી પદ્ધતિ પણ હાન-રાજવંશમાં વિકસી; તેમાં વર્ષને પ્રાણીઓનાં પ્રતીકાત્મક નામ આપવામાં આવ્યાં હતાં. પહેલાંની પાર્થિવ શાખાઓની પ્રત્યેક 12 સંજ્ઞાઓ સાથે એક એક પ્રાણીને સાંકળવામાં આવ્યું; જેમ કે ‘ઝિ’ સાથે ‘ઉંદર’. આમ 12 પ્રાણીઓનો ક્રમ આ પ્રમાણે હતો : ઉંદર, બળદ, વાઘ, સસલું, ડ્રૅગન, સર્પ, ઘોડો, ઘેટું, વાંદરું, કૂકડો, કૂતરો અને ભૂંડ. તેને અનુરૂપ પાર્થિવ શાખાની 12 સંજ્ઞાઓ તે આ : ઝી, ચોઉ, યિન, માઓ, ચેન, સિ, વુ, વેઈ, શેન, યુ, ક્સુ અને હૅઈ. અગાઉની 60 વર્ષીય પદ્ધતિમાં 1984 એટલે ‘જિઆ-ઝિ’ થાય અને આ નવી પદ્ધતિમાં ‘ઝિ’ એટલે ‘ઉંદર’ એટલે 1984નું પ્રતીકાત્મક પ્રાણી તે ‘ઉંદર’. તે જ પ્રમાણે પાર્થિવ ચક્રમાંની સંજ્ઞાઓનો ઉપયોગ દિવસનો કયો સમય ચાલે છે તે જાણવામાં પણ થવા લાગ્યો. પાછળથી ઘડિયાળો આવતાં આ પદ્ધતિ નામશેષ થઈ.

વર્ષોના આ ચક્કરમાં 2000મું વર્ષ મહત્વનું રહેતું અને તે ‘ડ્રૅગનનું વર્ષ’ કહેવાતું. (પાર્થિવ શાખાની 5મી સંજ્ઞા ચેન = ડ્રૅગન). ચીનાઓના વર્ષનો આરંભ ઉત્તરાયણ પછીની બીજી અમાસથી થતો, જે લગભગ 21 જાન્યુઆરી અને 19 ફેબ્રુઆરી વચ્ચે આવે. અન્ય દેશોની જેમ ચીનમાં પણ નવા વર્ષના દિવસનો ઉત્સવ મનાતો.

સુશ્રુત પટેલ

પ્ર. દી. અંગ્રેજી