ચિંતાવિષ્ટા યા સીતા (1919)

January, 2012

ચિંતાવિષ્ટા યા સીતા (1919) : મલયાલમમાં કુમારન્ અસને (જ. 1873; અ. 1924) રચેલું કાવ્ય; કેટલાકને મતે કવિની ઉત્તમ કૃતિ. કાવ્યમાં સીતાની પરિકલ્પના ‘સ્વ’ને અતિક્રમી જતા પ્રેમના પ્રતીક રૂપે કરવામાં આવી છે. સીતાની વેદનાના અને ચિંતનના આલેખન સાથે કાવ્યના કેન્દ્રમાં સીતાની શૂન્યમનસ્કતા છે. સીતાના અચેતન મનમાં રહેલા વિચારો અને લાગણીઓને કવિ ચેતનસ્તર પર પ્રકટ કરે છે. રામ પ્રત્યેનો આક્રોશ ઠાલવે છે, અને રામની મર્યાદાઓને ખુલ્લી પાડે છે. વાસ્તવમાં ક્ષણિક તંદ્રામાં તેનું માણસો અને વસ્તુઓના દયાહીન ન્યાયાધીશમાં રૂપાંતર થયેલું જોવા મળે છે. તે સત્યની દેવી બનીને આવે છે. પણ ક્રોધનો ઊભરો શમ્યા પછી તે સ્વસ્થ થાય છે અને ગૌરવભર્યા ઉચ્ચ સ્થાને સ્થિત રામ સાથેના પુનર્મિલનને મનશ્ચક્ષુ દ્વારા નિહાળે છે. શાંતિ પામે છે. કાવ્યને અંતે અદ્વૈતવાદના ‘અદ્વૈત’નું સૂચન છે. પાત્રો રામ-સીતા જાણે કે તેમના દુન્યવી અંચળાને ફગાવી દઈ, વ્યક્તિઓ મટી જઈ, પુરુષ-પ્રકૃતિ અથવા પરમાત્મા-જીવાત્માનાં આધિભૌતિક પ્રતીકમાં ફેરવાય છે. સીતા પોતે ‘શાશ્વત માતા’ રૂપે પ્રકટે છે. કાવ્યની કાવ્ય તરીકેની સફળતા આત્મનિરીક્ષણની સાચી ક્ષણને ઉપસાવવામાં રહેલી છે. કવિ કુમારન્ અસનના વિશ્વનું અને જીવનનું અખંડ દર્શન આલેખાય છે. વાલ્મીકિ સીતાના બંને પુત્રોને લઈને અયોધ્યા અશ્વમેધ યજ્ઞમાં ગયા છે. તે વખતે તદ્દન એકલતાની ક્ષણે વિચારો વહી આવે છે. કવિએ આના નિરૂપણ માટેની બ્રાઉનિંગની નાટ્યાત્મક અભિવ્યક્તિની પદ્ધતિ અપનાવી નથી; અહીં કોઈ ક્રિયાશીલતા સૂચવાતી નથી; કેવળ વ્યથિત મનનાં સ્પંદનોનું સરળ ચિત્રણ છે. કવિ અસન ભરતના રસસિદ્ધાંતને કુશળતાપૂર્વક અનુસરે છે. ભાવ, અનુભાવ વગેરે ભિન્ન ભિન્ન માનસિક સ્થિતિઓ ઉદઘાટિત થઈને છેવટે શાંત રસમાં પરિણતિ પામે છે. અંતે, રામ અને સમગ્ર દરબાર વિસ્મયપૂર્વક સીતાને ધરતી માતામાં સમાઈ જતી જુએ છે.

તંદ્રા દરમિયાન સીતાએ કરેલા રામ પરના આક્ષેપો અને આક્રોશમાં કેટલાક રૂઢિચુસ્ત વિવેચકોએ સીતાના પાત્રની વિસંવાદિતા જોઈ છે. પણ આધુનિક કવિ, તેણે પ્રાચીન ગ્રંથનું વસ્તુ લીધું હોય તોપણ પોતાની કૃતિમાં પાત્રોનું સ્વતંત્રપણે પુન:ચિત્રણ કરી શકે છે. છેવટે તો કવિ અસનની સીતા રામના શાસક તરીકેના કાર્યને જ બિરદાવે છે અને પોતાની વ્યથાને અતિક્રમી જાય છે. પ્રેમ અને કરુણા અસ્તિત્વની નિરાશાજનક સ્થિતિને પરિવર્તિત કરી શકે છે. એવી એક પ્રચંડ શક્તિની અહીં વાત છે. મલયાલમના આ આધુનિક કવિને માટે આત્મસ્થ સ્થિતિમાં સીતા એટલે બધાં સંઘર્ષો, સંવેદનો, વ્યથાઓનું વિગલન. કવિની ભાષા પણ એમની પરિકલ્પના જેટલી ઉચ્ચ, ગંભીર, ભવ્ય છે.

અનિલા દલાલ