ચંપૂ : ગદ્ય-પદ્યાત્મક મિશ્ર કાવ્યનો એક પ્રકાર. ‘ચમ્પૂ’ અને ‘ચંપુ’ બંને સ્ત્રીલિંગી શબ્દો આ કાવ્યસ્વરૂપ માટે પ્રયોજાય છે. चमत् + कृ + पू ધાતુ ઉપરથી થતી વ્યુત્પત્તિ અનુસાર ચમત્કૃતિ તેનું પ્રધાન તત્વ છે. ગત્યર્થક चप् ધાતુ ઉપરથી ગતિને તેની વિશેષતા માનવામાં આવે છે. શ્રી નંદકિશોર શર્માએ આપેલી આ બંને વ્યુત્પત્તિઓને ડૉ. સી. આર. દેશપાંડે સ્વીકારતા નથી. શ્રી ડોલરરાય માંકડ ચંપૂને કથા કહી મહારાષ્ટ્રની હરિદાસી કથા સાથે સરખાવે છે. चप सान्तवने કે चह परिकल्पने ઉપરથી પણ તેની વ્યુત્પત્તિ માનવામાં આવે છે. પ્રા. ઋષિરાજ અગ્નિહોત્રી તેને અગદ્યાપદ્ય ગીત ગણે છે. चिम् — આનંદ કરવો, શાંત થવું, આશ્ચર્ય પામવું વગેરે અર્થો પણ તેમાં અભિપ્રેત છે. ડૉ. એમ. કે. સત્યનારાયણ चप् —  ગતિ કરવી કે चह परिकल्पते ને ઉચિત સ્રોત ગણે છે.

ચંપૂનું ઉદભવસ્થાન દક્ષિણ ભારતનું કેરળ છે. ચાત્યારોના પ્રયોગોમાં તેનો ઉદભવ પ્રબન્ધ અને પાઠક તરીકે પ્રયોજાતા કુટ્ટુ અને કુડિયાટ્ટમ્માં હોવાનું ડૉ. કુજ્જુની રાજાએ તારવ્યું છે. ‘ચમ્પૂ’ શબ્દ મૂળે કન્નડ હોવાનું ડૉ. મલગીએ દર્શાવ્યું છે.

પ્રો. સી. કુન્હન રાજા દંડીને અનુસરી ગદ્ય-પદ્યના સંમિશ્રણથી ચમ્પૂનો ઉદભવ થયો હોવાનું માને છે.

ચમ્પૂ કવિઓ બાલ્યતારુણ્યવતી કન્યા, વાદ્ય અને ગીતિના સંયોગ, માધ્વીક અને મૃદ્વીક, મણિમાલા, સુવર્ણ અને પદ્મરાગ, તુલસી અને પ્રવાલની માળા કે સુધામાધ્વીકના સંયોગ જેવું સંમિશ્રણ આ ગદ્યપદ્યમયતામાં સ્વીકારે છે.

અલંકારશાસ્ત્રીઓમાં દંડી गद्यपद्यमयी काचिच्चम्पूरित्यपि विद्यते કહી તેની સૌપ્રથમ નોંધ છે. ‘નલ ચમ્પૂ’માં શ્રી ત્રિવિક્રમ ભટ્ટ ઉદલી, નાયક, ગુણવદ્ વૃત્ત અને પ્રતીક ને હાર યષ્ટિ સાથે સરખાવે છે (1/27). હેમચંદ્રાચાર્ય ‘સાંકા, સોચ્છવાસા’ કહી અંક કે ઉચ્છવાસ પ્રકરણાભિધાન આપે છે. ચમ્પૂસાહિત્યના અધ્યયન ઉપરથી ગદ્યપદ્યમયતા, અંક-ઉચ્છવાસમાં વિભાજન, કવિ દ્વારા ચમત્કૃતિપૂર્ણ ગુંફન, ઉક્તિ-પ્રત્યુક્તિ-વિષ્કંભક આદિ અર્થોપક્ષેપકોનો અભાવ, ચમ્પૂનું લક્ષણ હોવાનું ડૉ. છવિનાથ ત્રિપાઠી બતાવે છે. સંવાદપ્રધાન ચમ્પૂઓ જોતાં ર્દશ્ય-શ્રવ્યત્વની ભેદરેખા પણ બારીક બની જાય છે. પ્રકરણાભિધાન, ગદ્યપદ્યના પ્રમાણ, સંવાદ, પ્રખ્યાત કે કલ્પિ વસ્તુ, નાટ્યમાં જણાતા વિષ્કંભક આદિ અર્થોપક્ષેપકોનો અભાવ, નાયક-નાયિકાની પસંદગી આદિમાં ચમ્પૂ કવિઓએ માણેલું સ્વાતંત્ર્ય જોતાં ચમ્પૂમાં ગદ્યપદ્યનું સંમિશ્રણ, વસ્તુની ગતિશીલતા, કોઈ એક સ્વરૂપમાં બંધાઈ ન થતું સ્વરૂપ, ઓજસની વચ્ચે વચ્ચે, પ્રસાદ, સમતા, અર્થભક્તિ જેવા ગુણો આ મિશ્રકાવ્યને કાવ્યસ્વરૂપ કરતાં મુક્ત શૈલી માનવા પ્રેરે છે.

ચમ્પૂ એટલે ગદ્યપદ્ય મિશ્રકાવ્ય કહેવું એ અતિવ્યાપ્તિ છે. બિરુદ, ઘોષણા, કરંભક, ઉદાહરણ વગેરે પણ મિશ્રકાવ્યના પ્રકારો છે.

ચમ્પૂ એક ગદ્યપદ્યની મિશ્ર શૈલી છે તેનો ઉદગમ વૈદિક ઉપાખ્યાનો, ઉપનિષદો, પશુપક્ષીની કથાઓ, પ્રશસ્તિઓ, શિલાલેખો આદિમાં જોવા મળે છે. દક્ષિણની મણિપ્રવાલશૈલી પણ આવી જ મનાય છે. ગદ્યપદ્ય મિશ્ર કાવ્ય તરીકે ચંપૂનું પ્રથમ ઉદાહરણ શ્રી ત્રિવિક્રમ ભટ્ટનું ‘नलचंपू’ છે. ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતમાં ઘણાં ચમ્પૂકાવ્યો રચાયાં છે. રામાયણ, મહાભારત, ભાગવત, શિવપુરાણ અને અન્ય પુરાણો, જૈન પુરાણો, મહાપુરુષોનાં ચરિત્રો, ઐતિહાસિક વ્યક્તિઓ અને ઘટનાઓ, યાત્રા કે પ્રવાસ, સ્થાનિક દેવી-દેવતાના ઉત્સવો, કાલ્પનિક કથાઓ ઉપર અનેક ચમ્પૂઓ લખાયાં છે. ગુજરાતમાં ‘સૈરન્ધ્રી’, ‘ઉદયસુંદરીકથા’, ‘પારિજાતહરણ’ વગેરે પાંચેક ચમ્પૂ લખાયાં છે. પ્રો. ઋષિરાજ અગ્નિહોત્રીનું ‘સેક્યુલર ચમ્પૂ’ ભારતના સેક્યુલરિઝમ ઉપર વ્યંગ્ય કરતું ચમ્પૂ કાવ્ય છે.

સંસ્કૃતમાં કાવ્યના શ્રવ્ય પ્રકારમાં ગદ્ય અને પદ્યના ઉચિત મિશ્રણવાળી રચના. चपि ધાતુને સ્ત્રીવાચી उन પ્રત્યય લાગી चंपू શબ્દ સિદ્ધ થયો છે. चंपू એટલે આહલાદક કાવ્ય. વર્ણનાત્મક પ્રસંગોમાં ગદ્ય અને ભાવાત્મક પ્રસંગે પદ્ય એવા મનોરમ મિશ્રણવાળા આ કાવ્યપ્રકારનું चंपू એ નામ સાર્થક છે. આચાર્ય દંડી ‘કાવ્યાદર્શ’માં ચંપૂકાવ્યની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે : ‘गद्यपद्यमयी काचिच्चम्पूरित्यलिधीयते ।’ (1.31)

ચંપૂકાવ્યનાં લક્ષણો નીચે મુજબ તારવી શકાય : (1) એમાં આવતાં ગદ્ય અને પદ્યનો સંબંધ ગીત અને વાદ્યના સંબંધ જેવો છે, (2) તેનાં પ્રકરણોને ઉચ્છવાસ, સ્તબક, કાંડ, આશ્વાસ, ઉલ્લાસ, તરંગ અથવા સર્ગ પણ કહેવામાં આવે છે, (3) આ પ્રકારના કથાકાવ્યનો નાયક ધીરોદાત્ત હોય છે. ચંપૂકાવ્યમાં મહદંશે રામાયણ, મહાભારત અને પુરાણોની કથાઓ, ખ્યાતનામ રાજવી કે મહાન સત્પુરુષોનું ચરિત્ર અને પ્રસિદ્ધ સ્થળોનું માહાત્મ્ય ઉપલબ્ધ થાય છે. ત્રિવિક્રમ ભટ્ટ (ઈ. સ. 915) લિખિત ‘નલચંપૂ’ અને ‘મદાલસાચંપૂ’ સૌથી પ્રાચીન ચંપૂકાવ્યો છે. ત્રિવિક્રમ રાષ્ટ્રકૂટ વંશના રાજા ઇન્દ્રરાજ ત્રીજાની સભામાં રાજપંડિત હતા.

જૈન કવિ સોમદેવ (ઈ. સ. 956) વિરચિત ‘યશસ્તિલકચંપૂ’ના 7 આશ્વાસોમાં અવંતિના રાજા યશોધરનું ચરિત્ર વર્ણવેલું છે. આ ચંપૂમાં કવિનો આશય જૈન ધર્મનું પાલન કરીને જીવ પોતાનું કલ્યાણ કરી શકે છે એમ દર્શાવવાનો છે.

અભિનવ કાલિદાસ(અગિયારમી સદી)નું ‘ભાગવતચંપૂ’ પણ રસપ્રદ શૈલીમાં લખાયેલું છે. ‘રામાયણચંપૂ’ અને ‘ભારતચંપૂ’ના લેખક ભોજદેવ (ઈ. સ. 1018–1063) ધારાના પરમાર વંશના પ્રસિદ્ધ રાજા હતા. કવિ કર્ણપૂર તથા શ્રીકૃષ્ણે (સોળમી સદી) અનુક્રમે ‘આનંદવૃંદાવન-ચંપૂ’ તથા ‘પારિજાતહરણચંપૂ’માં ભગવાન શ્રીકૃષ્ણની લીલાનું સરસ વર્ણન કર્યું છે.

મહારાજા અચ્યુતરાયની વિદુષી પત્ની તિરુમલામ્બા(સોળમી સદી)એ ‘વરદામ્બિકાપરિણયચંપૂ’ની રચના કરી છે. કૃષ્ણ કવિ (સોળમી સદીનો ઉત્તરાર્ધ) લિખિત ‘આનંદમકરંદચંપૂ’ લક્ષણગ્રંથ છે; તેમાં છંદ, નાટક, નાયક, અલંકાર ઇત્યાદિનું સવિસ્તર વિવેચન જોવા મળે છે.

જીવ ગોસ્વામીએ ‘ગોપાલચંપૂ’નું આલેખન કર્યું છે. રામાનુજાચાર્યના અનુયાયી વેંકટાધ્વરિ (સત્તરમી સદી) ‘વિશ્વગુણાદર્શચંપૂ’ અને ‘હસ્તિગિરિચંપૂ’ના લેખક છે. પ્રથમ ચંપૂકાવ્યમાં વિમાન દ્વારા જતા બે ગંધર્વો વિશ્ર્વાવસુ અને કૃશાનુ ભારતનાં પ્રસિદ્ધ દર્શનીય સ્થળોનું વર્ણન કરે છે.

નારાયણ કવિ(સત્તરમી સદી)એ ‘સ્વાહાસુધાકરચંપૂ’માં અગ્નિદેવની પત્ની સ્વાહા અને ચંદ્રમાના પ્રણયપ્રસંગનું સુંદર આલેખન કર્યું છે.

ઉપરાંત મિત્રમિશ્રરચિત ‘આનંદકંદચંપૂ’ તથા નીલકંઠ દીક્ષિત લિખિત ‘નીલકંઠવિજયચંપૂ’ (સત્તરમી સદી) પણ સંસ્કૃત સાહિત્યમાં વિખ્યાત છે.

આ પછીના સમયમાં ઉપલબ્ધ થતાં ચંપૂકાવ્યોમાં હરિશ્ચન્દ્રનું ‘જીવન્ધરચંપૂ’, અનંતનું ‘ભારતચંપૂ’, શંકરનું ‘શંકરચેતોવિલાસચંપૂ’, રાજચૂડામણિ દીક્ષિતનું ‘ભારતચંપૂ’, ચક્રકવિનું ‘દ્રૌપદીપરિણયચંપૂ’, બાણેશ્વરનું ‘મિત્રચંપૂ’, કૃષ્ણ કવિનું ‘મંદારમકરંદચંપૂ’ ઇત્યાદિ સર્જનો કાવ્યરસિકોના ચિત્તને આનંદ આપનારાં છે. અર્વાચીન યુગમાં ગરુડેશ્વરના વાસુદેવાનંદ સરસ્વતીએ શ્રીદત્તચંપૂની રચના કરેલી છે.

ઘણાંખરાં ચંપૂકાવ્યોમાં સમાસયુક્ત વાક્યરચના તથા સંશ્લિષ્ટ ગૌડી રીતિની યોજના જોવા મળે છે.

ઉમા દેશપાંડે

દશરથલાલ ગૌરીશંકર વેદિયા