ઘૈણ (ઢાલિયા) : ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીમાં મેલોલોન્થિડી કુળની એક બહુભોજી કીટક. ભારતમાં આ કીટક સૌપ્રથમ 1952માં ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં નોંધાયેલ. આ કીટક 1958માં રાજસ્થાનમાં મકાઈ અને જુવાર ઉપર ઉપદ્રવ કરતો નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાત અને ખેડા જિલ્લામાં આ કીટક–હોલોટ્રિકિયા કોન્સેંગીની (Holotrichia consanguinea) મગફળી, બાજરી, મકાઈ, જુવાર, મરચી, ડાંગર અને શેરડીમાં નુકસાન કરતો જણાયો છે. આ કીટકનો ઉપદ્રવ 1991માં ખરીફ ઋતુ દરમિયાન સૌરાષ્ટ્રમાં મગફળીમાં પણ જણાયો હતો. ત્યારબાદ તેનો ઉપદ્રવ દર વર્ષે થતો જોવા મળે છે. ઘૈણના પુખ્ત કીટક 20 મિમી. જેટલા લાંબા અને 8 મિમી. જેટલા પહોળા અને બદામી રંગના હોય છે. આ કીટકની પાંખની પહેલી જોડ ઢાલના જેવી મજબૂત હોઈ શરીરનું કવચ બનાવે છે, જેથી તેને ઢાલિયા પણ કહેવામાં આવે છે. પાંખની બીજી પાતળી, પારદર્શક અને ગડીવાળી જોડ પહેલી પાંખની નીચે તે છુપાવી રાખે છે. આ પાંખ ઊડતી વખતે ફેલાય છે અને ઊડવામાં મદદરૂપ બને છે.

ચોમાસાનો પ્રથમ સારો વરસાદ થતાં જ ઘૈણનો ઉપદ્રવ શરૂ થઈ જાય છે. વર્ષ દરમિયાન આ જીવાતની એક જ પેઢી જોવા મળે છે. ચોમાસા સિવાયના દિવસોમાં પુખ્ત ઘૈણ સુષુપ્ત અવસ્થામાં જમીનમાં રહે છે. પુખ્ત ઘૈણ દિવસ દરમિયાન જમીનમાં ભરાઈ રહે છે. સંધ્યાકાળ થતાં અંધારામાં તે જમીનમાંથી બહાર નીકળી ખેતરના શેઢા પરના લીમડા, સરગવા, બોરડી, બાવળ, મહુડા કે ગોરસ આમલી પર રાતવાસો કરી પાન કાપી ખાઈને નુકસાન કરે છે. વહેલી સવારે પાછા જમીનમાં ભરાઈ જાય છે. માદા ઢાલિયા, સાબુદાણાનાં આકાર, રંગ તથા કદનાં 45થી 70 જેટલાં ઈંડાં જમીનમાં છૂટાંછવાયાં મૂકે છે જે લગભગ 7થી 13 દિવસમાં સેવાતાં તેમાંથી નીકળતી સફેદ રંગની પીળા માથાવાળી ઇયળો જમીનમાંથી સેન્દ્રિય તત્વ તથા પાકનાં બારીક મૂળ ખાય છે. તેને પરિણામે છોડ ધીમે ધીમે સુકાઈને મરવા લાગે છે. એક છોડ મરી ગયા પછી ઇયળ ચાસમાં આગળ વધીને બીજા છોડનાં મૂળ ખાવાનું શરૂ કરે છે. આ રીતે તેનું નુકસાન ચાસમાં વધતું જાય છે અને ખેતરમાં મોટા ખાલા પડતા હોય છે. ઇયળ-અવસ્થા આશરે અઢીથી ત્રણ માસમાં પૂર્ણ થતાં જમીનમાં 30થી 75 સેમી. સુધી ઊંડે જઈ કોશેટા બનાવે છે. કોશેટા-અવસ્થા લગભગ 12–15 દિવસની હોય છે. ત્યારબાદ તેમાંથી નીકળેલ પુખ્ત ઘૈણ ટૂંટિયું વાળીને જમીનમાં બીજા ચોમાસાના પ્રથમ વરસાદ સુધી પડી રહે છે. આ જીવાતના નિયંત્રણ માટે ઉપદ્રવવાળા વિસ્તારમાં સાંજના સમયે યજમાન વૃક્ષોની ડાળીઓ હલાવી ઢાલિયાંને સામૂહિક રીતે નીચે પાડી વિણાવી લઈ તેનો નાશ કરવામાં આવે છે. પ્રકાશ-પિંજરનો ઉપયોગ કરવામાં આવે છે. યજમાન વૃક્ષો પર ક્વિનાલફૉસ 0.05 ટકા અથવા કાર્બારિલ 0.2 % પ્રવાહી મિશ્રણ છાંટવામાં આવે છે. જમીનમાં રહેતી ઇયળોના નાશ માટે પાક વાવતાં પહેલાં ચાસમાં લિન્ડેન 0.65 ટકા ભૂકી હેક્ટરે 125 કિગ્રા. પ્રમાણે અથવા ફોરેટ 10 % દાણાદાર દવા હેક્ટરે 25 કિગ્રા. પ્રમાણે 10 સેમી.ની ઊંડાઈએ આપવામાં આવે છે. સોટી મૂળવાળા પાક જેવા કે તુવેર, દિવેલાનું વાવેતર કરવું હિતાવહ છે. કેરાબીડ ઢાલપક્ષી કીટક ઘૈણનું નિયંત્રણ કરે છે. ઘૈણ, ઘુણ કે વ્હાઇટ ગ્રબ એ બીટલ્સ(ઢાલિયા)ની ખાસ પ્રકારની ઇયળ (ડિંભ) માટે વપરાતો શબ્દપ્રયોગ પણ છે. આ ઇયળ માંસલ ‘C’ આકારની, સ્પષ્ટ શીર્ષ અને ઉરસના ભાગમાં ત્રણ જોડ પગ ધરાવતી ઇયળનો પ્રકાર છે. કીટકશાસ્રમાં તેનું સ્થાન સામાન્ય ઇયળ અને કોશેટો (pupa) વચ્ચેનું છે. તે જમીનમાં (ખાતરવાળી જમીનમાં) લગભગ સુષુપ્ત અવસ્થામાં એકાદ વર્ષ સુધી પડી રહે છે. ડોળ કે વ્હાઇટ ગ્રબ તરીકેનો તબક્કો એ મૂળ કોરી ખાનાર ઇયળનો તબક્કો છે. ઢાલિયા – ‘coleoptera’ શ્રેણીની ઉપશ્રેણી ‘polyphaga’માં આ ડોળ કે ઘૈણ પ્રકારની અવસ્થાઓ ખાસ જોવા મળે છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ