ઘેરાવ : પોતાની માગણીઓનો સ્વીકાર કરાવવા અને તેનીં પાછળની પ્રબળ લાગણી વ્યક્ત કરવા માટે સામુદાયિક ધોરણે જેની પાસે માગણીઓ સ્વીકારાવવાની હોય તેની આજુબાજુ વીંટળાઈ વળી તેના હલનચલન ઉપર અંકુશ રાખી તેને થકવી નાખવાની પ્રક્રિયા.

ઘેરાવ લાંબા સમય સુધી ચાલી શકે અને જે વ્યક્તિ કે વ્યક્તિઓ ઘેરાવનો ભોગ બની હોય તે થાકીને કે કંટાળીને જે માગણીઓ કરવામાં આવી હોય તે બધી કે તેમાંની મુખ્યનો સ્વીકાર કરે અગર તેમ કરવાનું વચન આપે ત્યારે જ તેનો છુટકારો થાય છે. ઘેરાવ અહિંસક હોય; પરંતુ હિંસક બની શકે. ઘેરાવ પાછળનો મુખ્ય વ્યૂહ ઘેરાયેલી વ્યક્તિના બધા સંપર્ક તોડી નાખવાનો હોય છે જેથી તે નિ:સહાય બની જાય છે; પરંતુ ઘેરાયેલી વ્યક્તિ તેમ ઘેરાવ કરનારાઓ માટે પણ આ પ્રક્રિયા લાંબી ચલાવવી મુશ્કેલ છે કારણ કે તે અંગેની જાણ થતાં ઘેરાવને વિખેરી નાખવાની પ્રક્રિયાનો પણ આરંભ થાય છે. દરમિયાન થોડી માગણીઓ અંગેની અપાયેલી બાંયધરી ઘેરાવ ઉઠાવી લેવા માટે પૂરતું કારણ બને છે.

રાજકારણમાં, શિક્ષણક્ષેત્રે તેમજ ઉદ્યોગોમાં મજૂરમંડળો દ્વારા આ પદ્ધતિનો અવારનવાર ઉપયોગ થતો જોવામાં આવે છે.

દેવવ્રત પાઠક