ઘન પદાર્થોની જથ્થામાં હેરફેર

February, 2011

ઘન પદાર્થોની જથ્થામાં હેરફેર (bulk handling of solids) : પૅક નહિ કરેલાં, વિભાજિત દ્રવ્યોની મોટા જથ્થામાં હેરફેર માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ. પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. તે માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલ યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઘન પદાર્થના જથ્થાને નિશ્ચિત કરેલ દિશામાં સતત રીતે કે અમુક ચોક્કસ જથ્થામાં વહન કરવાનું કામ કરી શકે. ભીના અથવા ચોંટી જાય તેવા ઘન પદાર્થની પણ આ યંત્રો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સફળતાપૂર્વક હેરફેર કરી શકાય છે. ઘન પદાર્થની હેરફેર માટે વપરાતાં સાધનો પદાર્થના નીચેનાં લક્ષણો પર આધાર રાખે છે :

(1) પ્રવાહિતા (flowability), (2) અપઘર્ષકતા (abrasive- ness), (3) સંક્ષારકતા (corrosiveness), (4) કણોનું કદ, (5) સંદૂષણ-સંવેદનશીલતા (sensitivity to contamination) અને (6) આર્દ્રતા (dampness), વિશિષ્ટ બંધારણ અને તેમાં રજ અથવા ઝેરી વાયુની હાજરી, જેવાં સામાન્ય લક્ષણો. ઘન પદાર્થના કણો કાં તો અત્યંત બારીક હોય અથવા ખાણમાંથી મળે તેવા મોટા કદના પણ હોય. બારીક કણવાળા ઘન પદાર્થોના મેશ-આમાપ (mesh size) જાણવા જરૂરી છે; દા.ત., 100 મેશ જાળીમાં 1 રૈખિક ઇંચમાં 100 સરખાં છિદ્રો હોય છે. પદાર્થના કણો આવી જાળીમાંથી પસાર થઈ શકે ત્યારે તે 100 મેશ આમાપ ધરાવે છે તેમ કહેવામાં આવે છે. જથ્થામાં જુદા જુદા આમાપના કણો હોય તો તેમાં દરેક આમાપના ટકા આપવા જરૂરી છે.

પદાર્થની સંક્ષારકતા, અપઘર્ષકતા અને અન્ય ગુણધર્મો સાપેક્ષ હોય છે અને તે માટે ઓછા, વધારે, મધ્યમ વગેરે વિશેષણો વાપરવામાં આવે છે; દા. ત., ઓછું ‘સંક્ષારક’, વધારે ‘અપઘર્ષક’ વગેરે. કેટલાક પદાર્થો સંદૂષણ-સંવેદી હોય છે. તે કારણસર ઘન પદાર્થોની હેરફેર માટે વપરાતાં સાધનો વિશિષ્ટ પ્રકારનાં હોવા ઉપરાંત તે સાધનના નિર્માણ માટે વપરાતા પદાર્થની ઘન પદાર્થ પર અસર થવી જોઈએ નહિ. બાહ્ય સંદૂષણથી બચવા માટે ઘન પદાર્થની હેરફેર માટે બંધ વાહકો(closed conveyors)નો ઉપયોગ કરવામાં આવે છે. યંત્રના ભાગો એવા પદાર્થના બનેલા હોવા જોઈએ જેથી સંક્ષારક ઘન પદાર્થની તેના પર અસર ન થાય અથવા યંત્રને કાટ લાગે નહિ. ઉત્પાદકો પદાર્થના સંક્ષારક અને અન્ય ગુણધર્મો વિશે માહિતી આપે છે, જેથી તેની હેરફેર માટે જરૂરી યંત્રસામગ્રી નક્કી કરી શકાય. વ્યાપારી સંસ્થાઓ ટૅકનિકલ (technical) બુલેટિનો પ્રસિદ્ધ કરે છે જેમાં હેરફેર માટેનાં યંત્રો અને ઘન પદાર્થ વચ્ચેના સંબંધો વિશેની માહિતી આપવામાં આવેલી હોય છે. યુ.એસ.નું ડિપાર્ટમેન્ટ ઑવ્ કૉમર્સ આવી માહિતી વખતોવખત બહાર પાડે છે.

આકૃતિ 1 : વિરામકોણ અને નમનકોણ

હેરફેર માટે ઘન પદાર્થના વિરામકોણ (angle of repose) અને નમનકોણ(angle of slide)ને પણ ગણતરીમાં લેવામાં આવે છે (જુઓ આકૃતિ 1). વિરામકોણ એટલે ઢગલો કરેલો પદાર્થ પોતાના સરક્યા વિના પોતાના ઉપર સ્થિર રહી શકે તેવો (અંશમાં દર્શાવેલો) મહત્તમ ઢાળ. સર્પણકોણ એ એવો કોણ છે કે જે કોણે ઢાળવાળી સપાટી કે પ્રણિકા (chute, ઢાળવાળું પાટિયું) પરથી પદાર્થ મુક્ત રીતે વહી શકે. આ ખૂણા પદાર્થના જથ્થાના ક્રાંતિક (critical) ખૂણાઓ ગણાય છે અને જથ્થાના વહનમાં ઉપયોગી છે.

ઘન પદાર્થની હેરફેર માટે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. તેને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય : (1) સતત કાર્યશીલ જથ્થાવાહકો(continuous bulk conveyors), (2) અવાંતર (અથવા અસતત) જથ્થાવાહકો (discontinuous bulk conveyors).

સતત જથ્થાવાહકો : ક્ષૈતિજ (horizontal), ઢળતી (inclined), અથવા શિરોલંબ (vertical) દિશામાં નક્કી કરેલા પથ પર સતત રીતે ઘન પદાર્થની હેરફેર માટે વપરાતા સાધનને વાહક (conveyor) કહેવામાં આવે છે. ઘન પદાર્થની હેરફેર માટે વપરાતી રીતોમાં, ગુરુત્વાકર્ષણ, પટ્ટા, એપ્રન (apron), ડોલ (bucket), ડોલ-ઉદ્ધારક (skip hoist), ઉયન (flight) અથવા સ્ક્રૂ (screw), સંકર્ષરેખા (dragline), કંપિત (vibrating) અથવા દોલાયમાન (oscillating) અને વાતિલ (pneumatic) વાહકો વપરાય છે. ચક્ર (wheel) અથવા રોલર વાહકો તે માટે વાપરી શકાતાં નથી.

ગુરુત્વ-વાહકોમાં શક્તિનો ઉપયોગ કરવાની જરૂર હોતી નથી. તેમાં પણ ઘન પદાર્થોનું વહન ઉપરથી નીચેની બાજુ જ કરી શકાય છે. પદાર્થના ધીમા વહન માટે સોપાન અથવા ડટ્ટા(cleats)વાળી પ્રણિકાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

ઘન પદાર્થના વહનમાં ઘણા પ્રકારના પટ્ટાવાહકો (belt conveyors) વપરાય છે. કાપડના પટ્ટાવાહકો અને પૅકેજ-કામ માટે વપરાતા વાહકોના સક્રિય ભાગો (operating components) એકસરખા હોય છે; પણ આ સક્રિય ભાગો વધુ ખડતલ હોય છે જેથી તે કોલસો, કપચી, રસાયણો અને અન્ય ભારે પદાર્થોનું જથ્થાબંધ વહન કરી શકે (જુઓ આકૃતિ 2).

આકૃતિ 2 : પટ્ટાવાહકોના સક્રિય ભાગો

મજબૂત કાપડના પટ્ટા ઉપરાંત રબર, ધાતુ અથવા ખુલ્લા તારના પટ્ટાઓ પટ્ટાવાહકમાં વપરાય છે. ક્ષૈતિજ સપાટીથી 28°ના ખૂણા સુધી પટ્ટાવાહકો વાપરી શકાય છે. વાહકો ઉપર રાખેલ હોપર (ઓરણી) અથવા સંગ્રહ માટેના સાધનમાંથી ઘન પદાર્થને પટ્ટા પર પડવા દેવામાં આવે છે અને તેનું વહન થયા પછી પટ્ટાને બીજે છેડે અથવા બીજી કોઈ જગ્યાએ લઈ જવું હોય તો ત્યાં લઈ જઈ શકાય છે. પટ્ટાવાહકો વધુમાં વધુ જથ્થામાં ઘન પદાર્થનું દૂર સુધી અને ઢાળ ઉપર કે નીચે સહેલાઈથી વહન કરી શકે છે.

એપ્રન-વાહક : તે એક પ્રકારનો પટ્ટાવાહક છે પણ તેમાં વાહક પટ્ટાની સપાટી પર ધાતુના એપ્રન અથવા તવા ખીલડા(pivot)થી જોડેલા હોય છે, જેથી તે એક સતત પાશ (loop) બનાવી શકે છે. એપ્રન-વાહક આકૃતિ 3bમાં બતાવેલા છે. એકબીજા પર દોઢવાતા (overlap) તવા દરેક છેડે બે રોલર-સાંકળ સાથે લાગેલા હોય છે. રોલર-સાંકળ સ્ટીલના પથ પર ખસે છે, જેને સાંકળમાંની કડીઓ અને દાંતા(sprockets)વાળાં પૈડાં વડે ગતિ પ્રાપ્ત થાય છે. પટ્ટાવાળાં વાહકની માફક એપ્રન-વાહકની ઉપલી સેર (top strand) માલનું વહન કરે છે. આ વાહક મોટા જથ્થામાં ઘન પદાર્થના વહન માટે વપરાય છે અને તે મિનિટના 20થી 40 મીટરની ગતિથી સરકતા હોય છે અને દર કલાકે 250 મેટ્રિક ટન કે જરૂરિયાત હોય તો, તેથી વધુ વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે. ડટ્ટાની મદદથી એપ્રન-વાહક 60°ના ખૂણે પણ કાર્ય કરી શકે છે. આ પ્રકારના વાહકો ભારે, અપઘર્ષકીય અને ગાંગડાવાળા (lumpy) પદાર્થના વહન માટે ઉપયોગી છે.

ડોલવાહકો (bucket conveyors) : તેમાં વાહકપટ્ટાની સાથે અથવા સાંકળની એક અથવા બે સેર સાથે ડોલો લગાડેલી હોય છે. તેને ઉન્નતકારી (elevating) વાહક પણ કહેવામાં આવે છે કારણ કે તે એકદમ નત (inclined) અથવા શિરોલંબ દિશામાં ભારે ઘન પદાર્થના વહન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. રેતી તેમજ કોલસાના વહન માટે આ પ્રકારના વાહક ઉપયોગી છે. ડોલ જુદા જુદા આકારની અને સ્ટીલની બનાવેલી હોય છે.

આકૃતિ 3a : પટ્ટાવાહક, 3b : એપ્રનવાહક

ઉડ્ડયનવાહકો (flight conveyors) : વાહકપટ્ટા પર એકવડી કે બે આમળાવાળી (stranded) સાંકળ સાથે આડા સળિયા અથવા ઉડ્ડયનો લગાડેલાં હોય છે. સળિયા બંધ નળી અથવા દ્રોણી(trough)માં પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ હડસેલે અથવા ખેંચે છે. તેમને સંકર્ષણ(drag)-વાહકો પણ કહેવામાં આવે છે. આ વાહકો કોલસો અથવા ધાતુની ચીપો (chips) સમાંતર દિશામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ઉપયોગી છે (જુઓ આકૃતિ 4). અપઘર્ષકીય ઘન પદાર્થોનું આમાં વહન થઈ શકે નહિ. આવા વાહકો વડે ઘન પદાર્થનું વચ્ચેની કોઈ પણ જગ્યાએથી ભરણ અથવા વિભાર કરી શકાય છે.

આકૃતિ 4 : ઉડ્ડયન-વાહકો

સંકર્ષરેખાવાહકો (drag-line conveyors) : આ વાહકો પણ ઉડ્ડયન-વાહકોની જેમ જ કાર્ય કરે છે. આમાં વપરાતી વાહક સાંકળ મજબૂત હોય છે. તે સ્લૅગ અને ક્લિંકરના વહન માટે વપરાય છે.

સર્પિલ અથવા સ્ક્રૂવાહકો (spiral or screw conveyors) : આમાં એક જ શાફ્ટ ગોળ ઘૂર્ણન કરે છે તેના પર કુંડળાકાર (helical) ઉયનો લગાડેલાં હોય છે. સ્ક્રૂ ફરે છે ત્યારે સ્થિર દ્રોણી કે આવરણ-(casing)માં ઘન પદાર્થ આગળ વધે છે. (જુઓ આકૃતિ 5-બ)

આકૃતિ 5 : (અ) કંપિત વાહકો, (બ) સર્પિલ અથવા સ્ક્રૂ-વાહકો

આ વાહકો બારીક અથવા મધ્યમ કદના ઘન પદાર્થોની સમાંતર, નત અથવા શિરોલંબ દિશાના વહન માટે વાપરી શકાય છે. તેમાં ઉયન-વાહકમાંના શાફ્ટને સળિયા અથવા પૅડલ લગાડવામાં આવે ત્યારે વહનની ક્રિયા સાથે પદાર્થોનું સારું મિશ્રણ (blending) પણ થઈ શકે છે. આ ઉપરાંત બંધ પાત્રમાં પદાર્થને ઠંડો કે ગરમ રાખી શકાય છે અથવા સૂકવી પણ શકાય છે.

કંપિત અથવા દોલાયમાન વાહકો (vibrating or oscillating conveyors) : આવા વાહકોમાં તવા (pan) અથવા દ્રોણીતલને કંપિત અથવા એવી દોલાયમાન યંત્રવિધિ (mechanism) સાથે જોડેલાં હોય છે કે જે આગળની તરફ ધીમેથી જાય અને ઝડપથી પાછી ખેંચાય. પદાર્થનું જડત્વ (inertia) ભાર(load)ને પાછો આવવા દેતું નથી અને આમ તે વહન કરનારી સપાટી પર આપોઆપ આગળ જાય છે. (જુઓ આકૃતિ 5-અ)

દોલન માટે યાંત્રિક (સ્પ્રિંગ), વાતિલ (આંદોલક) અને વિદ્યુતીય (આંદોલક) પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાહકો ગરમ પદાર્થો, અપઘર્ષકો અને સખત તેમજ અવ્યવસ્થિત આકારના પદાર્થોના વહન માટે ઉપયોગમાં લઈ શકાય છે.

વાતિલ (pneumatic) અથવા હવાવાહકો : આ વાહકોમાં હવાની મદદથી પદાર્થનું વહન કરવામાં આવે છે. નળાકાર વાહકોમાં હવાની પહોળી નળી(air duct)માં પદાર્થો મૂકીને તેમાં કૉમ્પ્રેસર દ્વારા હવાને ભારે દબાણે પસાર કરવામાં આવે છે અથવા વાહકના બીજે છેડેથી શૂન્યાવકાશ કરવામાં આવે છે. વજનમાં હલકા પદાર્થો જેવા કે ચલણી નોટો, ટપાલના કાગળો, નાની વસ્તુઓ ઉપરાંત ઉદ્યોગમાં દાણાદાર (granular) અથવા ઝીણા કણયુક્ત પદાર્થોનું વહન કરવા માટે તે વપરાય છે. પરિભ્રામી (rotary) અથવા સરકણ (slide) પ્રકારના હવાબંધ (air lock) વડે પદાર્થોને પ્રણાલીમાં દાખલ કરવામાં આવે છે. હવાબંધોની ડિઝાઇન એવી હોય છે કે જેથી પદાર્થ દાખલ થાય ત્યારે હવાનો ઘટાડો નહિ જેવો થાય. જે જગ્યાએ પદાર્થને કાઢી લેવાનો હોય તે જગ્યાએ વાલ્વ રાખેલા હોય છે. આ વાહકમાં ગતિમાન ભાગો ઓછા હોય છે. પદાર્થને જે દિશામાં લઈ જવો હોય તે દિશામાં લઈ જઈ શકાય છે અને યંત્ર બહુ જ ઓછી જગ્યા રોકે છે.

વાતિલ વાહક અન્ય વાહકોની પ્રણાલીના એક ભાગ રૂપે પણ વપરાય છે. વાતિલ વાહક ગુરુત્વવાહકને કાર્યરત કરવામાં પણ વપરાય છે.

આકાશી (aerial) ટ્રામ-વે અને કેબલ-વે(cableway)માં શિરોપરિ (overhead) કેબલ પર ખાંચાવાળા (grooved) ચક્ર વડે લટકાવેલ કૅબ અથવા વાહકનો ઉપયોગ થાય છે. આ પ્રણાલીથી ઘન પદાર્થનું વહન ઘણા લાંબા અંતર સુધી કરી શકાય છે; અને તે પદ્ધતિ જ્યાં મોટર અથવા રેલવે જેવાં વાહનો મુશ્કેલીથી જઈ શકે અથવા જઈ જ ના શકે ત્યાં ઉપયોગમાં લેવામાં આવે છે. બંધના બાંધકામ માટે માલવાહક જહાજમાં ઘન પદાર્થો ચઢાવવા અને ઉતારવા અને પાવરહાઉસ માટેનો કોલસો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તે વપરાય છે તેમજ દરેક પ્રકારની ખાણોમાં અને સિમેન્ટ-ફૅક્ટરીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

અસતત જથ્થાવાહકો (discontinuous bulk conveyors) : ઊર્જાથી ચાલતી ક્રેનો અને પાવડા અલગ અલગ વજનના જથ્થાની હેરફેર કરવામાં ઉપયોગી છે. ક્રેનમાં હૂકની નીચે જ્યારે અન્ય પકડ માટેનાં સાધનો લગાડ્યાં હોય ત્યારે ઔદ્યોગિક સંયંત્રો અને ગૃહનિર્માણ અથવા અન્ય નિર્માણના કામમાં ઉપયોગમાં લઈ શકાય છે. ક્રેનમાં હૂકના છેડે લોહચુંબકો, મોટી ડોલ, પકડ (grabs), સ્કલક્રૅકર્સ (skullcrackers), પુંજ-ઉચ્ચાલકો (pile drivers) વગેરે વધારાની પ્રયુક્તિઓ લગાડવાથી જુદા જુદા પદાર્થની હેરફેર કરી શકાય છે (જુઓ આકૃતિ 6). ક્રેનમાં પરિવર્તનીય (convertible), પૂર્ણ પરિક્રામી (full revolving) પ્રકારનાં યંત્રો ક્રાઉલર, ટ્રક અથવા પૈડાં પર લગાડેલાં હોય છે. ક્લૅમશેલ (clamshell), સંકર્ષરેખા (drag-line), ઉત્થાપન-ક્રેન (lifting crane), પુંજ-ઉચ્ચાલકો, પાવડા અને હો (લાંબા હાથાવાળી ખરપડી, hoe) – એમ છ પ્રકારનાં પ્રચાલનો માટે ખાસ વિશિષ્ટ પ્રકારનાં યંત્રો ક્રેન સાથે લગાડેલાં હોય છે. પરિક્રમણ-અધિરચના(revolving superstructure)માં એક પરિભ્રામી (rotating) ફ્રેમ હોય છે, જે પ્રચાલન-યંત્ર પર લાગેલી હોય છે. આ આખીયે યાંત્રિક રચના ક્રાઉલર પર આરોપેલી હોય છે, જેમાં ક્રાઉલર પર બે સમાંતર પટ્ટા લગાડેલા હોય છે. કેટલીક વખતે તેને મોટા રબર ટાયરવાળી ભારે ટ્રક પર અથવા રેલ-રોડની વિશિષ્ટ પ્રકારની ફ્રેમ પર પણ લગાડી શકાય છે.

આકૃતિ 6 : ઊર્જાથી ચાલતી ક્રેનો

છ પ્રકારના અગ્ર-છેડા(front-end)વાળાં પ્રચાલનયંત્રો પ્રમાણિત ગણાય છે : ક્રેન, ક્લૅમશેલ, ડ્રૅગ-લાઇન, પુંજ-ઉચ્ચાલકો, પાવડો અને હો (hoe). સામાન્ય ક્રેન-બૂમ યંત્ર ક્રેન, ક્લૅમશેલ, ડ્રૅગ-લાઇન અને પાઇલ સાથે વપરાય છે. સામાન્ય રીતે બૂમ બે ભાગનું બનેલું હોય છે. એ બે વચ્ચે વધારાના ભાગો ઉમેરી શકાય છે. પાવડા અને હો યંત્રોને પોતાની આગવી પ્રચાલનપદ્ધતિ હોય છે. પાવડા અને કડછા (scoops) સંયંત્રો(plants)માં અને યાર્ડમાં ઘન પદાર્થના જથ્થાની હેરફેર માટે વપરાય છે. હલકા વજનનાં આ સાધનો પૈડાં પર લગાડેલાં હોય છે, જ્યારે ભારે વજનનાં સાધનો ટ્રૅક્ટર પર લગાડેલાં હોય છે. તે બે પ્રકારનાં હોય છે. એકમાં પદાર્થના જથ્થાને આગળ અથવા પાછળથી ઉપાડી તે જ બાજુએ ખાલી કરવામાં આવે છે. બીજામાં પદાર્થના જથ્થાને આગળથી ઉપાડી પાછળ ધકેલી બીજી દિશામાં ખાલી કરવામાં આવે છે (જુઓ આકૃતિ 7). બીજા પ્રકારમાં સમયનો બચાવ થાય છે. ધોરી માર્ગ પ્રણાલીમાં ભારે પ્રગતિ થયા પછી રસ્તા બનાવવાનાં યંત્રોમાં બહોળા ફેરફાર થયા છે. તેમાં કેટલાકમાં આ પ્રકારના કાર્યમાં વપરાતાં પ્રમાણિત સાધનોમાં ફેરફાર કરી તેમનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પણ બુલ-ડોઝરો અને ગ્રેડરો ઘન પદાર્થની હેરફેર કરવાને બદલે તેને ધકેલે જ છે, જ્યારે સ્વભારક (self-loading) સ્ક્રેપર પદાર્થની હેરફેર માટે વપરાય છે.

આકૃતિ 7 : ટ્રૅક્ટર, શૉવેલ સાથે

હાલના સંજોગોમાં ઉદ્યોગ અને વેપાર ગળાકાપ સ્પર્ધામાંથી પસાર થઈ રહ્યા છે. આવી સ્પર્ધાને કારણે ગ્રાહકને વસ્તુ ઓછી કિંમતે મળતાં ફાયદો થાય છે જ્યારે ઉત્પાદકોને બહુ થોડા નફા સાથે પણ પોતાનું ઉત્પાદન ચાલુ રાખવું પડે છે. ઉત્પાદન દરમિયાન પદાર્થની હેરફેરમાં કાર્યદક્ષતા ન હોય તો કંપનીને સારા પ્રમાણમાં ખોટ ભોગવવી પડે. જુદા જુદા દેશો વચ્ચે કે પોતાના દેશમાં પણ ઔદ્યોગિક સ્પર્ધામાં વધારો થતો જાય તેમ ઉત્પાદનની કાર્યક્ષમતા એકસરખી હોય તો પણ જે કંપની માલની હેરફેરમાં વધુ કુશળ હોય તે સ્પર્ધામાં વધુ સારી રીતે ટકી શકે છે. ઘન પદાર્થની હેરફેરમાં નીચેના સામાન્ય ફાયદા થાય છે.

ઉત્પાદક પ્રચાલનવિધિમાં સુધારો : ‘યોગ્ય પ્રમાણમાં યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે પદાર્થની હેરફેર’ ઉત્પાદનની કાર્યક્ષમતામાં વધારો કરે છે, કારણ તે મહત્તમ ઉત્પાદનમાં સારી મદદ કરે છે. તેને લીધે કારીગરોનો જુસ્સો પણ ઊંચો રહે છે.

શ્રમવ્યવસ્થાના આડકતરાથી સીધા ગુણોત્તરમાં સુધારો : કેટલાક ઔદ્યોગિક એકમોમાં સંકીર્ણ સાધનોની જાળવણી અને સેવા માટે સારા પ્રમાણમાં કારીગરોની જરૂર પડે છે. કોઈ પણ કંપનીના સંયંત્ર પર પદાર્થની હેરફેર માટે સારા પ્રમાણમાં કારીગરો રાખવા પડે છે. તેનું પ્રમાણ જેમ બને તેમ ઓછું કરવાથી કંપનીના ખર્ચામાં ઘટાડો થાય છે જેથી તે નફાવાળી કંપનીમાંના કારીગરોની નોકરીને વધુ સારી રીતે આરક્ષણ આપી શકે છે.

પદાર્થની હેરફેરથી થતું નુકસાન ઓછું કરવું : પદાર્થની હેરફેર દરમિયાન, તે માલ પૂરો પાડનારથી સંયંત્ર સુધી હોય કે એક સંયંત્રથી બીજા સંયંત્ર સુધી હોય ત્યારે તેમાં હેરફેર દરમિયાન પદાર્થની જાળવણી બરાબર ન થાય તો તેને નુકસાન થવાનો સંભવ છે. તે માટે પદાર્થની હેરફેર માટે વપરાતાં સાધનો વધુ કાર્યક્ષમ રીતે વાપરવાથી નુકસાન ઓછામાં ઓછું થઈ શકે અથવા લગભગ નિવારી શકાય છે.

વધુમાં વધુ જગ્યાનો ઉપયોગ : ફૅક્ટરી અને ગોદામમાં જગ્યાનું રોકાણ વધુ અને વધુ મોંઘું થતું જાય છે. ખાસ કરીને કારખાનાનું વિસ્તરણ કરવાનું હોય ત્યારે કે કારખાનાના કાર્યમાં સમયનો બગાડ ન થાય અથવા તે વારે વારે બંધ ન થઈ જાય અને ઉત્પાદનમાં બાધ ન આવે તે માટે પણ પદાર્થની હેરફેર અગત્યનો ભાગ ભજવે છે. તેથી પદાર્થને જેમ બને તેમ ઓછી જગ્યા રોકવી પડે અને જગ્યાનો મહત્તમ ઉપયોગ થાય તે પણ પદાર્થની હેરફેર પર આધારિત છે.

કારખાનામાં અકસ્માતનો દર અને ઈજાની ગંભીરતામાં ઘટાડો : માલની હેરફેરમાં કારીગરની સુરક્ષા એક અતિ અગત્યનો ભાગ છે અને તેને વધુમાં વધુ ઉત્પાદનની પ્રથમ શરત તરીકે ગણવામાં આવે છે. જેમ કંપનીમાં વધુ અકસ્માત થાય તેમ તેના વીમાના દરમાં પણ વધારો થતો જાય છે. તે ઉપરાંત ઉત્પાદનના સમયમાં પણ વધારો થાય છે. તેથી સફળતાપૂર્વક માલની હેરફેર ઉત્પાદનનો એક અગત્યનો ભાગ બની જાય છે.

પ્રવીણસાગર સત્યપંથી

હરેશ જયંતીલાલ જાની