ગ્રૅચ્યુઇટી : બરતરફી સિવાયના અન્ય કોઈ કારણસર ફારેગ થતા કર્મચારી કે કામદારને સંસ્થા કે કંપની દ્વારા એકીસાથે ચૂકવાતી રકમ. તેના બે પ્રકાર છે : ઔદ્યોગિક કામદારોને લગતી ગ્રૅચ્યુઇટી અને સરકારી કર્મચારીઓને લગતી ગ્રૅચ્યુઇટી.

ઔદ્યોગિક કામદારો : નિવૃત્તિ કે છટણી સમયે અથવા કામદાર અપંગ થાય કે તેનું મૃત્યુ થાય ત્યારે પણ આવી રકમ તેને અથવા તેના વારસદારોને ચૂકવવાની જોગવાઈ કાયદા દ્વારા કરેલી હોય છે.

જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં નિવૃત્તિ કે છટણી સમયે કામદારોને અપાતા લાભ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે; દા.ત., કેટલાક ઘટકોમાં પેન્શન અને ગ્રૅચ્યુઇટીની જોગવાઈ હોય છે, કેટલાકમાં તેના વિકલ્પ તરીકે પ્રૉવિડન્ટ ફંડ અને ગ્રૅચ્યુઇટી ચૂકવવાની જોગવાઈ હોય છે, તો બીજા કેટલાકમાં આ ત્રણેય પ્રકારના લાભોનું હાર્દ ધ્યાનમાં લઈ મિશ્ર યોજના ઘડી કાઢવામાં આવેલી હોય છે. નિવૃત્તિ, છટણી, અપંગાવસ્થા કે મૃત્યુના સંજોગોમાં કામદારને કંઈક આર્થિક રક્ષણ આપવાનો તેનો મુખ્ય ઉદ્દેશ હોય છે.

ભારત સરકારે 1962માં કારખાનાં, ખાણો, તેલના કૂવા; ચા, કૉફી અને અન્ય બગીચા-ઉદ્યોગો; બંદરો, રેલવે, મોટર વાહનવ્યવહારમાં રોકાયેલા ઘટકો; કંપનીઓ, દુકાનો વગેરેને લાગુ પડતો એક અલાયદો ગ્રૅચ્યુઇટી કાયદો ઘડી કાઢ્યો હતો અને જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના ભારતના બધા પ્રદેશોમાં તેનો અમલ થાય તેવી જોગવાઈ કરી હતી. આ કાયદાની કલમ 4 મુજબ 5 વર્ષ કરતાં ઓછી નહિ એવી સળંગ નોકરી જેણે કરી હોય તેને ગ્રૅચ્યુઇટી મેળવવાનો અધિકાર બક્ષવામાં આવ્યો હતો. પેમેન્ટ ઑવ્ ગ્રૅચ્યુઇટી (એમેન્ડમેન્ટ) ઍક્ટ, 1987 મુજબ જે કામદારો અને કર્મચારીઓનું માસિક વેતન રૂ. 2,500 અથવા તેનાથી ઓછું હોય તેમને જ ગ્રૅચ્યુઇટીની ચુકવણી માટે પાત્ર ગણવામાં આવતા હતા. અગાઉ વેતનની આ મર્યાદા માસિક રૂ. 1,600ની નિર્ધારિત કરવામાં આવી હતી. ઉપરાંત, આ કાયદાની 1962ની જોગવાઈ મુજબ ગ્રૅચ્યુઇટીની રકમ નોકરીના પ્રત્યેક પૂર્ણ વર્ષ માટે 15 દિવસના વેતન જેટલી પરંતુ વધુમાં વધુ 20 માસના વેતન જેટલી ચૂકવવાની જોગવાઈ હતી. 1987ના સુધારા મુજબ 20 માસના વેતનની મહત્તમ મર્યાદાની જગ્યાએ રૂ. 50,000ની મહત્તમ મર્યાદા નિર્ધારિત કરવામાં આવી હતી. મે 1994માં કેન્દ્ર સરકારના શ્રમમંત્રીએ લોકસભામાં કરેલી જાહેરાત મુજબ આ અંગેની અગાઉની જોગવાઈઓમાં બે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે : (1) ગ્રૅચ્યુઇટી માટેની પાત્રતામાં માસિક વેતનનું જે ધોરણ અગાઉ દાખલ કરવામાં આવ્યું હતું તે હવે સદંતર કાઢી નાખવામાં આવ્યું છે અને તેથી હવે દરેક કામદાર અન્ય રીતે પાત્રતા ધરાવતો હોય તો તેનું માસિક વેતન ગમે તેટલું હોય તોપણ તે ગ્રૅચ્યુઇટી મેળવવા પાત્ર ગણાશે. (2) ગ્રૅચ્યુઇટીની રકમની મહત્તમ મર્યાદા હવે રૂપિયા એક લાખ કરવામાં આવી છે.

સરકારી કર્મચારીઓ : જે કર્મચારીએ નિવૃત્તિસમયે 33 વર્ષની પૂરી નોકરી કરી હોય તે પૂરા કરેલા નોકરીના દરેક વર્ષદીઠ 15 દિવસનો પગાર અને વધુમાં વધુ 16.5 પગાર જેટલી રકમ અથવા રૂ.1,00,000 ગ્રૅચ્યુઇટી મેળવવા હકદાર બને છે. જે કર્મચારીએ નિવૃત્તિ સમયે 33 વર્ષ કરતાં ઓછી; પરંતુ 10 વર્ષ કે તેના કરતાં વધુ પેન્શનપાત્ર નોકરી કરી હોય તે પેન્શનપાત્ર નોકરીના પૂરા કરેલા વર્ષના પ્રમાણમાં ગ્રૅચ્યુઇટીની રકમ મેળવવા હકદાર બને છે.

જો કર્મચારી ફરજ પર હોય તે દરમિયાન મૃત્યુ પામે તો તેને કરેલી નોકરીના પ્રમાણમાં નીચે મુજબ ગ્રૅચ્યુઇટી ચૂકવવાની રહે છે :

(1) 1 વર્ષ કરતાં ઓછી નોકરી હોય તો      2 પગાર

(2) 1 વર્ષ અથવા વધુ અને 5 વર્ષ સુધી    7 પગાર

(3) 5 વર્ષથી 20 વર્ષ સુધી                  12 પગાર

(4) 20 વર્ષથી ઉપર                         16.5 પગાર

ગ્રૅચ્યુઇટી એ સામાજિક સલામતીનો એક ભાગ ગણાય છે.

દીપકભાઈ મોતીભાઈ શાહ