ગ્રીનહાઉસ : ફૂલછોડને સૂર્યતાપ, ગરમી અને પવનથી રક્ષવા માંડવો બનાવી તેના પર વેલ કે પ્લાસ્ટિકની છાંયો આપે તેવી જાળી પાથરીને ‘મંડપ ગૃહ’ બનાવવામાં આવે છે તે. ગ્રીનહાઉસમાં પાંચપત્તી વેલ કે રેલવે કીપરનો પહેલાં ઉપયોગ થતો; પરંતુ વેલ ચડાવવામાં તારનો ખર્ચ થતો. વેલનો કચરો પડે અને વેલના વજનના કારણે માંડવો લચી પડતો તેથી વારંવાર મુશ્કેલીઓ ઊભી થતી. હવે પ્લાસ્ટિકની હલકી ‘ઍગ્રો-નેટ’ મળતી હોવાથી તેનો ઉપયોગ વધુ લોકપ્રિય થતો જાય છે. ખાસ કરીને ફળ અને ફૂલછોડની નર્સરીઓમાં ઍગ્રો-નેટથી બનાવેલ ગ્રીનહાઉસ વધુ અનુકૂળ પડે છે. વળી, ચોમાસામાં વરસાદ હોય તોપણ ઍગ્રો-નેટ પાણી શોષતી નહિ હોઈ ઘણો લાંબો સમય ટકે છે. ‘ઍગ્રો-નેટ’ના કારણે ગ્રીનહાઉસની રચના તાત્કાલિક કરી શકાય છે. વળી શિયાળામાં ઓછા તાપમાં જરૂર પડે તો સહેલાઈથી કાઢી પણ શકાય છે.

કુમળાં ફળ અને ફૂલછોડને સાચવવા અને તેનો વિકાસ તથા વૃદ્ધિ સારી રીતે થાય તે માટે ગ્રીનહાઉસની જરૂર છે. ગ્રીનહાઉસમાં એક જથ્થામાં ઘણાં ફૂલ અને ફૂલછોડને વિભાગવાર સાચવી શકાય છે. વળી પાણી, ખાતર અને દવાનો છંટકાવ કરવા માટે પણ ગ્રીનહાઉસમાં એક જથ્થામાં છોડ રાખવાની વ્યવસ્થા વધુ અનુકૂળ બને છે.

કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા