ગોપીનાથ (ગુરુ) (જ. 24 જૂન 1908, કુતાનડ, કેરળ; અ. 10 ઑક્ટોબર 1987, એર્નાકુલમ) : કથકલીના મહાન કલાગુરુ. પિતાનું નામ કૈપલ્લી શંકર પિલ્લૈ અને માતાનું નામ પરમાનૂર માધવી અમ્મા. પરિવારમાં કથકલીની કલાપરંપરા પેઢીઓથી ઊતરી આવી હતી. માતૃભાષા મલયાળમમાં ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો; પરંતુ તેમને કથકલી નૃત્યશૈલીમાં ઉત્કટ રસ હતો. આથી તેમના કાકા ગુરુ ચંપાકલમ્ પરમુ પિલ્લૈ તેમના સર્વપ્રથમ ગુરુ બન્યા અને તેમને નૃત્યની તાલીમ આપી. 13 વર્ષની વયે તો તેમણે રંગમંચ પર સર્વપ્રથમ કાર્યક્રમ રજૂ કર્યો. ત્યારબાદ ત્રાવણકોરના વિવિધ નૃત્યગુરુઓ પાસે કથકલીની જુદી જુદી શૈલીની તાલીમ લીધી. એ પછી પ્રતિષ્ઠિત નૃત્યશાળા કેરળ કલામંડલમ્માં 11 વર્ષ નૃત્યશિક્ષણ લીધું; એ વર્ષો દરમિયાન કેરળના આદરણીય કવિ વલ્લાથોલ પણ ત્યાં હતા.

ગોપીનાથ (ગુરુ)

1931માં ત્યારનાં નામી નૃત્યાંગના રાગિણીદેવીના કલાવૃંદમાં પસંદગી પામ્યા અને કેરળ બહાર મુંબઈમાં સર્વપ્રથમ કાર્યક્રમ આપ્યો. તે ખૂબ સફળ નીવડ્યો અને તેમની વિકાસયાત્રામાં નિર્ણાયક નીવડ્યો. ત્યારપછી દેશભરમાં તેમના સંખ્યાબંધ કાર્યક્રમો યોજાયા. એ પૈકી શાંતિનિકેતન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રવીન્દ્રનાથ ટાગોરે તેમના કાર્યક્રમને ભારતના સાંસ્કૃતિક વારસાના પુનરુત્થાન તરીકે બિરદાવ્યો. ત્યાંથી કેરળ પાછા આવ્યા ત્યારે 25 વર્ષની વયે જ ત્રાવણકોરના મહારાજા તરફથી અપાતું ‘વીરશૃંગાર’ નામનું સર્વોચ્ચ સન્માન તેમને મયૂર-નૃત્ય બદલ અપાયું.

કેરળ કલામંડલમનાં મોહિનીઆટ્ટમ નૃત્યશૈલીનાં સર્વપ્રથમ તાલીમાર્થી ટંકામની સાથે તેમણે લગ્ન કર્યું. ત્રાવણકોરના મહારાજાના તેઓ રાજનર્તક બન્યા. ત્રિવેન્દ્રમ્ ખાતે શ્રી ચિત્રોદય નર્તકાલય નામની સર્વપ્રથમ નૃત્યશાળા સ્થાપી અને દેશવિદેશના તાલીમાર્થીઓને નૃત્યદીક્ષા આપી. થોડા સમય પછી રાજનર્તક તરીકે રાજીનામું આપી ચેન્નાઈ આવી નટનનિકેતન સંસ્થા સ્થાપી. 1954માં સાંસ્કૃતિક કલાવૃંદના કલાકાર તરીકે પં. રવિશંકર સાથે રશિયાનો પ્રવાસ કર્યો અને નવરસ અભિનય માટે તેઓ ખૂબ પ્રશંસા પામ્યા.

1959માં નવી દિલ્હીના શ્રીરામ ભારતીય કલાકેન્દ્રમાં નિયામક તરીકે જોડાયા. ત્યાં દર દશેરાએ દિલ્હીમાં ભજવાતું લોકપ્રિય રામલીલા બૅલે તૈયાર કર્યું. 1961માં કેરળ પાછા આવી વિશ્વકલા-કેન્દ્ર નામની પોતાની કલાસંસ્થા શરૂ કરી. નૃત્યક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરવા બદલ 1965માં સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય ઍવૉર્ડ તેમને મળ્યો. 1972માં રવીન્દ્ર ભારતી યુનિવર્સિટી, કૉલકાતા તરફથી તેમને ડી.લિટ.ની માનાર્હ ડિગ્રી આપવામાં આવી. 1975માં શ્રેયસ્ સંસ્થાના ‘કેરળ મેળા’ના નિર્દેશન માટે તેઓ અમદાવાદ આવ્યા હતા.

કથળતી જતી તબિયતના કારણે કેરળમાં જ વસવાટ સ્વીકાર્યો અને ત્રણ કલાકનું અત્યંત વખણાયેલું ‘રામાયણ’ બૅલે સરળ અને ખૂબ ભાવવાહી શૈલીમાં તૈયાર કર્યું. તેમની જીવનભરની ઝંખના હતી એ પ્રમાણે જ દશરથનું પાત્ર ભજવતાં ભજવતાં તેઓ રંગમંચ પર મૃત્યુ પામ્યા. કેરળની પરંપરાગત અને શાસ્ત્રીય નૃત્યશૈલી કથકલીને સરળતાપૂર્વક રજૂ કરીને દેશભરમાં તેને લોકભોગ્ય બનાવી એ તેમનું મૂલ્યવાન પ્રદાન ગણાયું છે. દેશવિદેશના મળીને 1,500 ઉપરાંત તાલીમાર્થીઓને તેમણે નૃત્યદીક્ષા આપી છે; એમાં ત્રાવણકોર સિસ્ટર્સ તરીકે જાણીતી લલિતા, પદ્મિની, રાગિણી અને પદ્મા સુબ્રમણ્ય, યામિની કૃષ્ણમૂર્તિ જેવાં નામી કલાકારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે દશેક જેટલાં બૅલે તથા નૃત્ય-કાર્યક્રમો પણ તેમની કારકિર્દી દરમિયાન તૈયાર કરીને અનેક સ્થળે અનેક વાર ભજવ્યાં હતાં. તેમણે લખેલાં છ જેટલાં પુસ્તકોમાં ‘ક્લાસિકલ ડાન્સ પોઝિઝ ઑવ્ ઇન્ડિયા’ તથા ‘અભિનયપ્રકાશિકા’ (સંસ્કૃત તથા અંગ્રેજીમાં) ઉલ્લેખનીય છે. આ કલાગુરુનું ‘નટનકલાનિધિ’, ‘નાટ્યતિલકમ્’, ‘અભિનયનટરાજ’ તથા ‘કલારત્નમ્’ જેવા ખિતાબોથી બહુમાન કરાયું હતું.

વિલાસિની રામચંદ્રન્