ગૉડવિન, વિલિયમ (જ. 3 માર્ચ 1756, વિઝબીચ, કૅમ્બ્રિજશાયર; અ. 7 એપ્રિલ 1836, લંડન) : પ્રગતિશીલ અને કંઈક અંશે ક્રાંતિકારી વિચારો ધરાવતા બ્રિટિશ નવલકથાકાર તથા રાજકીય ચિંતક. ગૉડવિન ફ્રાન્સની ક્રાંતિથી પ્રભાવિત થયા હતા અને તેમના ‘ઇન્ક્વાયરી કન્સર્નિંગ પૉલિટિકલ જસ્ટિસ’માં વ્યક્ત થયેલાં વિચારો અને વિધાનોમાં તેની પ્રતીતિ થાય છે. તેમના કહેવા પ્રમાણે પરિસ્થિતિથી ઘડાયેલ અને તર્કશક્તિથી નિયંત્રિત માનવ મૂળભૂત રીતે સારો છે અને બહારનાં બંધનો સિવાય સ્વતંત્ર રીતે વર્તન કરી શકે છે. સરકાર સર્વોચ્ચ નથી અને માનવીનો વિકાસ તેનાથી સ્વતંત્ર રીતે થઈ શકે છે. ધાર્મિક બાબતમાં તે અજ્ઞેયવાદી વલણ ધરાવતા હતા અને ધર્મ તેમજ ધાર્મિક સંસ્થાઓને અનિષ્ટ ગણાવતા હતા; કારણ કે તેનાથી માનવીનું ધ્યેય તેના ઐહિક જીવન અને પ્રશ્નોથી દૂર જાય છે એમ તેમનું કહેવું હતું. તેમના સમયના ફ્રાન્સના એન્સાઇક્લોપીડિયાના લેખકોની માફક તે બધી સંસ્થાઓને નામશેષ કરવામાં માનતા હતા. જોકે તેમ કરવામાં હિંસાથી દૂર રહેવાની તેઓ હિમાયત કરતા હતા.

વિલિયમ ગૉડવિન

માનવીમાં અને તેની સારાસાર વિવેકશક્તિમાં અને તેના દ્વારા સધાનારી સંપૂર્ણતા પરત્વે તેઓ શ્રદ્ધા ધરાવતા હતા અને નીતિમત્તાના સિદ્ધાંતને પ્રાધાન્ય આપતા હતા. તેમની વિચારણામાં સામ્યવાદ અને અરાજકતાવાદનું મિશ્રણ જોવા મળે છે.

તેમના સમયના પેઈન, સાઉધી, કૉલરિજ, લૅમ્બ, શેલી જેવા સમકાલીન સાહિત્યસર્જકો સાથે તેઓ સંપર્કમાં હતા. તેમની નવલકથા ‘ધી ઍડવેન્ચર્સ ઑવ્ કૅલેબ વિલિયમ’ (1794) મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ ધ્રુજાવનારી અને ઉત્તેજક હતી. તેમની દીકરી મેરી કવિ શેલી સાથે લગ્નગ્રંથિથી જોડાઈ હતી.

દેવવ્રત પાઠક