ગૅસ-માસ્ક : હવાને પ્રદૂષિત કરનારાં દ્રવ્યો અને પદાર્થો સામે શ્વાસોચ્છવાસમાં રક્ષણ મેળવવા માટે પહેરવામાં આવતો મુખવટો. આધુનિક યુદ્ધોમાં વિષાળુ રાસાયણિક દ્રવ્યો તથા વાયુના વધતા ઉપયોગને લીધે યુદ્ધભૂમિ પરના સૈનિકોના આત્મરક્ષણ માટે ગૅસ-માસ્ક અનિવાર્ય બન્યો છે.

માથે પહેરવાના ટોપ (helmet) સાથે પણ તે પહેરી શકાય છે. પહેરનારનો ચહેરો સારી રીતે ઢંકાઈ જાય તે માટે તેની સાથે મજબૂત પકડ આપે તેવા પટ્ટાઓ બંધ બેસાડેલા હોય છે. પહેરનારના ચહેરા પર ગૅસ-માસ્કનો આગળનો જે ભાગ હોય છે તેના પર ઝીણી જાળી (filters) બેસાડવામાં આવેલી હોય છે જે ધૂળ, કોલસા કે અન્ય નુકસાનકારક પદાર્થોના રજકણો ઝીલી શકે છે અને તેમને નાકમાં પ્રવેશતા અટકાવી શકે છે, જેથી પહેરનારને શુદ્ધ હવા જ મળે. ગૅસ-માસ્ક પહેરનાર વ્યક્તિ ભીતરથી બહારનું જોઈ શકે તે માટે રેસાદાર પારદર્શક અંતરપટ તથા અંદરથી અશુદ્ધ વાયુ અને વરાળને બહાર ફેંકી શકે તેવા વાલ્વની જોગવાઈ પણ તેમાં કરવામાં આવે છે.

ગૅસ માસ્ક

માસ્ક પહેરનાર વ્યક્તિને ઑક્સિજનનો પૂરતો પુરવઠો મળી રહે તે માટે માસ્કમાં એક નળી હોય છે જે ઑક્સિજન સિલિન્ડર સાથે જોડેલી હોય છે. ઉપરાંત, બેભાન થયેલા પોતાના સાથીને કૃત્રિમ શ્વાસોચ્છવાસ દ્વારા પુનર્જીવિત કરવા માટે પણ તેની સાથે એક ખાસ પ્રકારની નળી રાખવામાં આવે છે. પહેરનારને તરસ લાગે ત્યારે માસ્ક કાઢ્યા વગર તે પાણી પી શકે તે માટે તથા માસ્ક પહેરનાર અને અન્ય વ્યક્તિ વચ્ચેનો વાર્તાલાપ એકબીજાને સ્પષ્ટ રીતે સંભળાય તે માટેની પૂરતી જોગવાઈ માસ્કની રચનામાં કરવામાં આવેલી હોય છે.

વિયેટનામના યુદ્ધમાં તથા 1991ના ખાડીયુદ્ધમાં રાસાયણિક યુદ્ધતંત્રનો વ્યાપક ઉપયોગ થયો હતો, જેને લીધે બંને પક્ષોના સૈનિકોને ગૅસ-માસ્ક પૂરા પાડવામાં આવ્યા હતા. રાસાયણિક કારખાનાં તથા ખાણોમાં કામ કરતા શ્રમિકો અને અગ્નિશામક કર્મચારીઓ પણ આત્મરક્ષણ માટે ગૅસ-માસ્કનો ઉપયોગ કરે છે.

રાસાયણિક યુદ્ધકળા (chemical warfare) દરમિયાન સૈનિકોને પૂરતું રક્ષણ મળી શકે તે હેતુથી પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન ગૅસ-માસ્ક પૂરા પાડવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન રાસાયણિક યુદ્ધ ફાટી નીકળે તે દહેશતથી સૈનિકોને તકેદારીનાં પગલાં રૂપે ગૅસ-માસ્ક આપવામાં આવ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે