ગૃહપ્રવેશ (1957) : ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદી વલણોને પ્રસારનારા સુરેશ જોષીનો પ્રથમ વાર્તાસંગ્રહ. આ સંગ્રહમાં પ્રારંભે નવલિકાસર્જન અને કળાસર્જનની ચર્ચા કરતો લેખ સર્જકના કળા પ્રત્યેના રૂપરચનાવાદી અભિગમને પ્રગટ કરે છે.

સ્ત્રી-પુરુષના વિજાતીય આકર્ષણમાંથી જન્મતી વિવિધ પરિસ્થિતિઓને મુખ્યત્વે આલેખતી આ વાર્તાઓ વિષય કરતાં એની રચનારીતિથી પુરોગામી વાર્તાઓથી જુદી પડી જાય છે. વાર્તારસને બને તેટલો ઓગાળવાનું વલણ હોવા છતાં આ વાર્તાઓમાં હજી કેટલીક વાર્તાઓ (‘જન્મોત્સવ’ ને ‘કાદવ અને કમળ’) વજનદાર ઘટનાઓને કારણે વાર્તારસ આપે છે. સંનિધીકરણની ટૅકનિકનો આશ્રય લઈ રચાયેલી વાર્તાઓની બહુલતા અહીં છે, પણ ટૅકનિકની વધુ પડતી સભાનતા વાર્તાના સંકલનને કૃતક બનાવી દે છે. તેમ છતાં આ મર્યાદાઓને અતિક્રમી ‘નળ-દમયંતી’, ‘વૈશાખ સુદ અગિયારસ’ કે ‘વારતા કો’ને’ જેવી ધ્યાનાર્હ વાર્તાઓ અહીં મળે છે.

જયંત ગાડીત