ગૂગળ : દ્વિબીજદલાના બર્સેરેસી કુળનો 1થી 3 મીટર ઊંચાઈવાળો વાંકોચૂકો છોડ. ગુ. ગૂગળી ઝાંખર, સં. गुग्गुलु,  અં. Indian Bdellium. તે કુળની અન્ય બે પ્રજાતિઓ – ધુપેલિયો (Boswellia) અને કાકડિયો (Garuga) ગુજરાતનાં શુષ્ક પતનશીલ જંગલોમાં મળે છે. ગૂગળનું લૅટિન નામ Balsamodendron mukul HK હતું. નવું નામ Commiphora wightii (Arn) Bhandari છે.

ગૂગળની અણીવાળી શાખાઓ, છાલ પરથી પાતળી ફોતરી જેવી ભૂરા રંગની પતરીઓ છૂટી પડે છે. તેનાં પાન સાદાં, ટૂંકાં, શિયાળે ખરી પડતાં હોય છે. રાતા રંગનાં ઝીણાં ફૂલ બેસે છે. જાન્યુઆરીથી મે મહિના સુધી નાનાં અને ચોમાસાની શરૂઆતમાં પાકી જતાં નાનાં પણ ગૂંદાં જેવાં ત્રિધારી ફળ લાગે છે. તે ઝાડવાં ઝાંખરાં જેવાં જ દેખાય છે. પાલનપુર પાસેની રેતાળ ટેકરીઓમાં તેના છોડ કુદરતી મળે છે.

તેની શાખાઓ અને થડ ઉપરથી રસ ઝરે છે. તે સુકાઈને તેનો ગાંગડો જામી જાય છે તે વપરાતો ગૂગળ. તે સુગંધી અને સ્વાદવાળો હોય છે. તે રંગહીન અને પારદર્શક શુદ્ધ છે; પરંતુ અશુદ્ધિઓ ભળતાં તે ઘેરા રંગનો અને અપારદર્શક કાળા ગઠ્ઠા જેવો બને છે. હાલમાં ગૂગળનું વાવેતર કચ્છ જિલ્લામાં ખૂબ જ કરવામાં આવ્યું છે. વાવેતરથી મેળવેલો ગૂગળ અને કુદરતી ગૂગળમાં ભૌતિક અને રાસાયણિક ર્દષ્ટિએ બંધારણમાં ફરક છે. તેથી વાવેતરના ગૂગળની ઔષધ તરીકે ધારેલી અસર મળતી નથી.

ગૂગળના ધૂપના ધુમાડા હવાનું શુદ્ધીકરણ કરે છે. દેવની આગળ દરરોજ ધૂપ કરવાથી વાતાવરણ સ્વચ્છ રહે છે; પરંતુ તેનો ધુમાડો મોઢાને લાગે તો આવા દરદીની મોઢાની દશા ભયંકર થાય છે.

આયુર્વેદ અનુસાર તે યોગવાહી ઔષધિ છે, જેમાં ગૂગળની મેળવણી થાય તેની ગુણ કરવાની શક્તિ વધે છે. વાત, કફ અને રક્તદોષમાં તે અકસીર છે. ચામડીના રોગો, પેશાબની પ્રક્રિયા સાથે સંકળાયેલાં દર્દો, ઉપદંશ (syphilis), સિફિલસમાં જંતુઘ્ન હોવાથી પસીના દ્વારા સંગ્રહાયેલાં ઝેરો અને દોષોને દૂર કરે છે. કોલેસ્ટરૉલ પણ ઘટાડે છે. ગૂગળના લેપથી હાડકું સંધાય છે. કંઠમાળ અને કૅન્સરની ગાંઠો હટાવે છે. સ્ત્રીઓના માસિકના હઠીલા રોગો, સુવાવડના દોષો, પ્રદર, વંધ્યત્વમાં ફાયદાકારક છે.

ગૂગળની બનાવટોમાં યોગરાજ, મહાયોગરાજ, કૈશોર, ષડંગ, અમૃતા, સિંહનાદ ગૂગળ અનેક રોગો પર અકસીર જણાય છે.

જુદી જુદી વનસ્પતિઓના પટ આપવાથી તે અકસીર પુરવાર થયેલ છે. જેમ કે મેહ રોગ ઉપર દારુહળદરના કાઢામાં, કોઢ ઉપર લીમડાના કાઢામાં, વાતરક્ત ઉપર ગળોના રસમાં, પાંડુરોગ ઉપર ગોમૂત્રમાં આથવાથી દર્દને હટાવે છે. તેની ચંદ્રપ્રભા ગુટિકા ઘણા કષ્ટદાયક રોગોને સુધારે છે. તેનું સેવન વધુ સમય સુધી કરવું પડે છે. કચ્છમાં મીઠા ગૂગળને નામે વખણાયેલી દવા વાના દર્દીઓ વાપરે છે. બહુ પિયત આપવાથી તેના ગુણો નરમ પડે છે.

મૃગેન્દ્ર વૈષ્ણવ

પ્રાગજી રાઠોડ