ગુડ, રોનાલ્ડ એ. (જ. 5 માર્ચ 1896, ઇંગ્લૅન્ડ; અ. 11 ડિસેમ્બર 1992, ઇંગ્લૅન્ડ) : વાનસ્પતિક-પારિસ્થિતિકી-(plantecology)ના વીસમી સદીના એક પ્રખર નિષ્ણાત. તેમના મંતવ્ય પ્રમાણે જમીન, તાપમાન અને વરસાદની પરિસ્થિતિ સરખી હોય તેવા પ્રદેશોમાં વનસ્પતિ તેમજ પ્રાણીજીવન સરખું હોય છે. આના અનુસંધાનમાં તેમણે ઉષ્ણ (tropical), ઉપોષ્ણ (sub-tropical), સમશીતોષ્ણ (temperate) અને શીત (cold) એમ ચાર મુખ્ય કટિબંધોમાં પૃથ્વીનું વિભાજન કરેલું છે. તેને લીધે વિવિધ વનસ્પતિઓનું જાતિગત વિતરણ સાતત્યભંગ ધરાવે છે એમ તેમણે તારવ્યું. પોતાના આ વિચાર પર આધારિત સંશોધનલેખ તેમણે 1931માં ‘ન્યૂ ફાઇટોલૉજિસ્ટ’ સામયિકમાં ‘થિયરી ઑવ્ પ્લાન્ટ જ્યોગ્રાફી’ના નામે પ્રસિદ્ધ કર્યો હતો. આ વિષય પર તેમણે ‘ધ જ્યૉગ્રાફી ઑવ્ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ’ (1947) અને 1961માં ‘પ્લાન્ટ જ્યૉગ્રાફી’ આ બે ગ્રંથો તૈયાર કર્યા હતા. તેમની આ વિચારધારા સાથે વનસ્પતિ-ભૂગોળના વૈજ્ઞાનિકો સહમત થયા નહિ. મૅગ્નોલિયા સમૂહની વનસ્પતિઓના વિતરણના અભ્યાસ પરથી આ વૈજ્ઞાનિકોએ તારવ્યું છે કે વનસ્પતિની દરેક જાત પોતપોતાનું વિભવ ક્ષેત્ર ધરાવે છે. ગુડ રોનાલ્ડે 1931માં ‘થિયરી ઑવ્ ટૉલરન્સ’ વિશે પણ લખ્યું છે.

ઈન્દુમતી શાહ