ગુજરાત ગણિત મંડળ : ગુજરાતમાંના ગણિતના અભ્યાસીઓ તથા ગણિતચાહકોનું મંડળ. આ મંડળની સ્થાપના 1963માં ડૉ. પ્ર. ચુ. વૈદ્યે કરી હતી. મંડળનું ધ્યેય ગુજરાતમાં ગણિતને અભ્યાસના તેમજ શોખના વિષય તરીકે પ્રોત્સાહન મળે તેવી પ્રવૃત્તિ કરવા, ગણિતક્ષેત્રની સિદ્ધિઓ અને સમાચારોથી સૌને માહિતગાર રાખવા, ગુજરાતની ગાણિતિક પ્રતિભાઓ શોધીને તેમનું સંવર્ધન કરવા અને સામાન્ય રીતે ગણિતના માધ્યમ દ્વારા સભ્યોનું મનોરંજન કરતી પ્રવૃત્તિઓ કરવાનું છે.

મંડળની મુખ્ય પ્રવૃત્તિ (સામાન્ય રીતે દિવાળીની રજાઓમાં) ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભરાતું વાર્ષિક અધિવેશન છે. (એક અધિવેશન મુંબઈ ખાતે પણ મળ્યું હતું.) પહેલું અધિવેશન ભાવનગરમાં 1964માં મળ્યું હતું. અનેક વાર અધિવેશન ગામડાંઓ(ગણદેવા, ચાંપરડા, પાટડી વગેરે)માં પણ મળ્યાં છે.

શરૂઆતમાં માત્ર કૉલેજના ગણિતના અધ્યાપકો જ મંડળમાં હતા. શાળાઓમાં ગણિતનો નવો અભ્યાસક્રમ આવવાના ભણકારા વાગતા શાળાના શિક્ષકો પણ મંડળમાં આવવા લાગ્યા. 1967થી અધિવેશનમાં કૉલેજવિભાગ અને શાળાવિભાગની સમાંતર બેઠકો શરૂ થઈ. આ ઉપરાંત સૌને રસ પડે એવા કેટલાક લોકપ્રિય ગાણિતિક કાર્યક્રમો ધરાવતો એક ત્રીજો વિભાગ પણ થયો. આ સ્વરૂપ હવે કાયમી બની ગયું છે.

ધીમે ધીમે વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં મંડળમાં દાખલ થવા લાગ્યા અને પછી તો ગણિતમાં રસ ધરાવતા સામાન્ય નાગરિકો (ડૉક્ટરો, બૅન્ક કર્મચારીઓ વગેરે.) પણ મંડળમાં જોડાયા. અધિવેશનમાં આવા નાગરિકો, વિદ્યાર્થીઓ, શાળા-કૉલેજના શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના પ્રાધ્યાપકો પણ આવે છે અને એકબીજા સાથે હળેભળે છે.

સામયિક ‘સુગણિતમ્’ આમ તો સુગણિતમ્ ટ્રસ્ટનું પ્રકાશન છે પણ તે જ ગુજરાત ગણિત મંડળના મુખપત્ર જેવું પણ છે. મંડળના બે હજાર સભ્યોને સુગણિતમ્ તેમના સભ્યપદના લાભ તરીકે મળે છે.

મંડળ એ. આર. રાવ સન્માન પ્રવૃત્તિ હેઠળ કૉલેજના વિદ્યાર્થીઓ માટે પ્રતિભાશોધ કસોટીઓ ચલાવે છે તથા રામાનુજન ગણિત પ્રતિભાશોધ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રતિભાશોધ સ્પર્ધાઓ ચલાવે છે.

ગુજરાત ગણિત મંડળ, સુગણિતમ્, પ્રતિભાશોધ સ્પર્ધાઓ અને અન્ય પ્રવૃત્તિઓ મળીને ગણિતનું એક સબળ આંદોલન ઊભું થયું છે અને એ આંદોલન થકી એ બધી પ્રવૃત્તિઓને બળ મળ્યું છે.

અરુણ વૈદ્ય