ગીરો પ્રથા (બૅંકિંગ) (mortgage) : બૅકિંગ ક્ષેત્રના સંદર્ભમાં નાણાંની ચુકવણી માટે વપરાતું સાધન. બૅંકિંગ વ્યવહાર માટેના ચેકના ઉપયોગને સ્થાને ગીરો પ્રથા દ્વારા નાણાંની ચુકવણી યુરોપના કેટલાક દેશોમાં તેમજ જાપાન, ઇઝરાયલ, ઇજિપ્ત, અલ્જીરિયા, ટ્યુનિસિયા વગેરે દેશોમાં થાય છે. જર્મનીમાં આ પ્રથા ઘણા લાંબા સમયથી પ્રચલિત છે. આ પ્રથા ચેક કરતાં સરળ, ઝડપી અને પ્રમાણમાં સસ્તી પણ છે.

કોઈ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને નાણાંની ચુકવણી કરવા માટે વપરાતાં અનેક સાધનોમાંનું એક સાધન ગીરો પણ છે. આવી ગીરો પ્રથા બૅંક તથા પોસ્ટ ઑફિસમાં પણ અમલમાં છે. આવી ગીરો પ્રથામાં ‘અ’ વ્યક્તિ ગીરો ફૉર્મ ભરે છે. સામાન્યત: આવી ચાર નકલો ભરવાની હોય છે અને તે પોતાની બૅંકને મોકલી આપે છે. ‘અ’ની બૅંક તેમાંની પ્રથમ બે નકલો ‘બ’ની બૅંક ઉપર મોકલી આપે; ‘બ’ની બૅંક તેમાંની એક નકલ હિસાબી પતાવટ માટે પોતાની પાસે રાખે અને બીજી નકલ ‘બ’ને તેના ખાતામાં રકમ જમા કરવામાં આવી છે તે મુજબની જાણ કરવા માટે મોકલી આપે, ‘અ’ની બૅંક પાસે રહેલી બે નકલોમાંથી એક નકલ બૅંક પોતે તેની કાર્યવાહી અને રેકૉર્ડ માટે રાખે, જ્યારે બીજી નકલ ‘અ’ વ્યક્તિને તેના ખાતામાંથી નાણાં ઉધારીને ‘બ’ને ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવી છે તે અંગેની જાણ માટે મોકલી આપે છે. આમ, આ સાધન ચેક કરતાં ઘણું ઝડપી, કાર્યક્ષમ, બિનખર્ચાળ અને જોખમ વિનાનું જોવા મળે છે. આવાં ગીરો ફૉર્મ અત્યંત સસ્તાં હોય છે અને તેના ઉપર કોઈ પણ જાતની સ્ટૅમ્પ ડ્યૂટી પણ લાગતી નથી.

ભારતીય બૅંકોમાં આ પ્રથા નથી. તે બૅંકો પોતાની સેવાઓમાં આ પ્રથાનો સમાવેશ કરી ગ્રાહકોને આવી સરળ અને સલામત સેવાનો લાભ મળે તે માટે જરૂરી જોગવાઈ કરે તો ડ્રાફ્ટ અને મની ઑર્ડર જેવાં સાધનોના ગેરલાભ નિવારી શકાય.

બે વ્યક્તિ વચ્ચેના ધિરાણના કોઈ પણ પ્રકારના વ્યવહારના સંદર્ભમાં બૅંકિંગ ક્ષેત્ર સિવાયનાં અન્ય ક્ષેત્રોમાં પણ ગીરો પ્રથા અને ‘ગીરો’ વ્યવહારો અમલમાં જોવા મળે છે. આવા વ્યવહારો 1882ના ટ્રાન્સફર ઑવ્ પ્રૉપર્ટી ઍક્ટની જોગવાઈ મુજબ દેવું કે જવાબદારી પૂર્ણ કરવામાં આવે તે માટે સલામતી મેળવવાના ઉદ્દેશથી, ચોક્કસ સ્થાયી મિલકતના હિતની તબદીલી કરવા અને તે મુજબની કાર્યવહી કરવી તે.

ગીરોના છ પ્રકારો છે : (1) સાદું ગીરો, (2) શરતી વેચાણથી ગીરો, (3) ઇંગ્લિશ ગીરો, (4) ફલોપભોગી ગીરો, (5) અનિયમિત ગીરો અને (6) સ્વત્વાધિકાર દસ્તાવેજો અનામતથી ગીરો.

માલગીરો વ્યવહાર (pledge) : 1872ના ભારતીય કરાર અંગેના કાયદાની કલમ 172માં કરેલી જોગવાઈ પ્રમાણે કોઈ પણ જાતના કરજની ચુકવણી પેટે અથવા તો વચનના પાલન અર્થે જામીનગીરીના તારણમાં કોઈ જંગમ મિલકત અથવા વસ્તુઓનો કબજોહવાલો સોંપવામાં આવે તે. આવા વ્યવહારમાં તારણમાં મિલકત કે વસ્તુનો હવાલો આપનારને ગીરોકર્તા અને તારણ લેનારને ગીરોદાર કહેવામાં આવે છે. વસ્તુની માલિકી ગીરોકર્તા પાસે રહે છે, જ્યારે તેનો કબજો ગીરોદાર પાસે રહે છે.

માલગીરો વ્યવહાર પૂર્ણ કરવા માટે ગીરો મિલકત કે વસ્તુનું હસ્તાંતર કરવું ફરજિયાત બને છે. આવા પ્રકારના હવાલાનું હસ્તાંતર કાનૂની રીતે અને પ્રત્યક્ષ, પરોક્ષ કે અનુમાનિત રીતે થયેલું હોવું જોઈએ. આવા વ્યવહારમાં ગીરોકર્તા દ્વારા ગીરો આપેલ માલ જો ગોદામમાં પડ્યો હોય અને તેની ચાવી અથવા ગીરો માલના માલિકીહકદર્શક દસ્તાવેજો બકરને સુપરત કરવામાં આવે તોપણ તે માલનો કબજોહવાલો સોંપ્યા બરાબર ગણાય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ કબજો હવાલો સોંપ્યા વગર પણ જો બંને પક્ષકારો વચ્ચે લેખિત કે ગર્ભિત સમજૂતી થઈ હોય તોપણ તેવા વ્યવહારને કાનૂની રીતે માલનું હસ્તાંતર થયેલું ગણાય છે. ગીરોકર્તાને ગીરોદાર દ્વારા કોઈ ખાસ સંજોગોમાં ચોક્કસ હેતુઓ માટે તે મિલકત પાછી સોંપવામાં આવે તોપણ તેની ગીરો વ્યવહાર ઉપર કોઈ અસર થતી નથી અને આવો વ્યવહાર યથાવત્ રહે છે.

હકગીરો વ્યવહાર (mortgage) : ગીરોકર્તા તારણમાં તેની સ્થાવર-જંગમ મિલકત પરત્વેના તેના માલિકીહકો નિશ્ચિત કરેલ મુદત દરમિયાન કરજ ચૂકવી આપીને તે પાછા મેળવી લેવાના તેના અધિકારની મર્યાદા સાથે તેના અધિકાર-ઇરાદાથી ગીરોદારને તબદીલ કરી આપે ત્યારે તેવા વ્યવહારને મિલકત હકગીરો વ્યવહાર કહેવાય છે. જોકે આવા વ્યવહારમાં મિલકતની તબદીલી હકગીરો છે કે વેચાણ છે તે બંને વચ્ચે થયેલા કરારના લખાણના સ્વરૂપ ઉપરથી જ નક્કી થઈ શકે.

માલગીરો વ્યવહારમાં ગીરોકર્તાએ ગીરો મિલકતોનો કબજોહવાલો ગીરોદારને સોંપવો પડે છે, જે હકગીરો વ્યવહારમાં અનિવાર્ય નથી પણ તેના માલિકીહકો તબદીલ કરી આપવા ફરજિયાત છે. જોકે ગીરોદાર ગીરો મિલકતનો કબજોહવાલો મેળવે તો તે ગેરકાયદેસર ગણાય નહિ. આમ જે વ્યવહારમાં માલિકીહકો તબદીલ કરવામાં આવ્યા હોય (અમુક અધિકારોની મર્યાદામાં રહીને) પરંતુ ગીરો મિલકતનો કબજોહવાલો ગીરોકર્તા પાસે રહે તો તે હકગીરો કહેવાય; પરંતુ જો માલિકીહકો ગીરોકર્તા પાસે જ હોય અને મિલકતોનો માત્ર કબજોહવાલો જ ગીરોદારને સોંપવામાં આવેલ હોય તો તે માલગીરો વ્યવહાર કહેવાય.

પૂર્વાધિકાર (lien) અને ગીરો વચ્ચે એક બાબત અંગે સમાનતા છે; બંનેથી મિલકત પર બોજો ઉત્પન્ન થાય છે. ગીરોમાં એક વખત મિલકત ગીરો મૂક્યા પછી તે જ મિલકત ફરીથી ગીરો મૂકી શકાય છે, જ્યારે પૂર્વાધિકાર એક જ મિલકત પર એક જ વખત હોય છે, એટલે કે એક વખત પૂર્વાધિકાર ચાલુ હોય ત્યારે ફરીથી તે જ મિલકત પર બીજી વખત પૂર્વાધિકાર સંભવી શકે નહિ. ગીરો જ્યારે સ્થાવર મિલકતનો હોય ત્યારે તેને હકગીરો વ્યવહાર (mortgage) કહેવામાં આવે છે; પરંતુ જ્યારે તે જંગમ મિલકત અંગે હોય ત્યારે તેને માલગીરો વ્યવહાર (pledge) કહેવામાં આવે છે. પૂર્વાધિકાર સ્થાવર કે જંગમ મિલકત બંનેના સંદર્ભમાં સંભવી શકે છે.

એમ. કે. પટેલ