ગિરિરાજ કિશોર (જ. 8 જુલાઈ 1937, મુઝફ્ફરપુર, ઉત્તરપ્રદેશ; અ. 9 ફેબ્રુઆરી 2020, ન્યૂદિલ્હી ) : હિંદીના જાણીતા વાર્તાકાર, નાટ્યકાર અને વિવેચક તથા નવલકથાકાર. તેમની ઉત્તમ નાટ્યકૃતિ ‘ઢાઈ ઘર’ માટે તેમને 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

તેમણે આગ્રા વિશ્વવિદ્યાલયમાંથી બી.એ. તથા એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ ઉત્તરપ્રદેશ સરકારમાં જુદાં જુદાં પદ પર કામગીરી કરી. મુક્ત પત્રકારત્વની સાથે જાણીતાં સાહિત્યિક સામયિકોનું સંપાદન કર્યું. સંખ્યાબંધ વિચારોત્તેજક લેખો પ્રકાશિત કર્યા. તેમણે કાનપુર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર અને પછીથી રજિસ્ટ્રાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. હાલ તેઓ કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં સર્જનાત્મક લેખન તથા પ્રકાશન કેન્દ્રના નિયામક છે.

ગિરિરાજ કિશોર

તેમણે હિંદી સાહિત્યમાં 11 વાર્તાસંગ્રહો, 13 નવલકથાઓ, 7 નાટકો, 1 એકાંકીસંગ્રહ તથા 4 વિવેચનસંગ્રહો પ્રગટ કર્યાં છે. તેમની રચનાઓના અંગ્રેજી અને ભારતીય ભાષાઓ ઉપરાંત જર્મન અને ફ્રેંચ ભાષાઓમાં અનુવાદ થયા છે.

તેમના વાર્તાસંગ્રહોમાં ‘ગાના બડે ગુલામ અલીખાં કા’ (1988), ‘વલ્દ રોજી’ (1989), ‘યહ દેહ કિસ કી હૈ ’ (1990) વગેરે ઉલ્લેખનીય છે. તેમની પ્રથમ નવલ ‘લોગ’(1966)ની અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ છે. તેમના લોકપ્રિય નાટક ‘ચહેરે ચહેરે કિસ કે ચહેરે’ માટે તેમને ભારતેન્દુ સન્માન, ‘પરિશિષ્ટ’ નવલકથા માટે મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ પુરસ્કાર તથા આઇ.બી.સી. કેમ્બ્રિજ તરફથી ઉત્કૃષ્ટ સાહિત્ય માટે ઇન્ટરનૅશનલ ઑર્ડર ઑવ્ મેરિટ જેવું સન્માન પ્રાપ્ત થયેલ છે. તેમની લોકપ્રિય નવલકથાઓમાં ‘ચિડિયાઘર’, ‘યાત્રાએં’, ‘જુગલબંદી’, ‘દેવદાર’, ‘પરિશિષ્ટ’, અને ‘અસલા’નો સમાવેશ થાય છે. નાટકોમાં ‘નરમેધ’, ‘પ્રજા હી રહને દો’ તથા ‘જુર્મ આયદ’ ઉલ્લેખનીય છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ઢાઈ ઘર’માં ઉત્તર ભારતમાં સામંતશાહી સમાજવ્યવસ્થાના વિસર્જનની કથા ગૂંથી લેવામાં આવી છે. એક કુળવાન ઘરાનાની ત્રીજી પેઢીને નવલકથામાં વિસર્જનની સાક્ષી બનાવી છે. પ્રામાણિક સામાજિક પરિવેશમાં પાત્રોનું યથાર્થ ચિત્ર રજૂ કરવાને લીધે આ કૃતિ આધુનિક ભારતીય સાહિત્યમાં આકર્ષણ જમાવી શકી છે.

1992માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, 2000માં વ્યાસ સન્માનથી તેઓ સન્માનિત થયા છે. ભારત સરકાર તરફથી 2007માં પદ્મશ્રી તેમને એનાયત થયો છે.

બળદેવભાઈ કનીજિયા