ગાશીર મુનાર (1972) : કાશ્મીરી કૃતિ. કાશ્મીરી લેખક ગુલામ નબી ખયાલે (1936) લખેલા નિબંધોના આ પુસ્તકને કેન્દ્રીય વર્ષના સાહિત્ય અકાદમીએ 1975ના પુરસ્કાર માટે પસંદ કર્યું હતું. લેખક જમ્મુ-કાશ્મીર વિશ્વવિદ્યાલયના સ્નાતક છે અને શ્રીનગરના આકાશવાણી કેન્દ્રમાં ઉપનિર્દેશક તરીકે કાર્ય કરે છે. તેઓ જમ્મુ ઍન્ડ કાશ્મીર અકાદમી ઑવ્ આર્ટ, કલ્ચર ઍન્ડ લૅંગ્વેજ સાથે સંકળાયેલા છે.

આ પુસ્તકમાંના અગિયાર નિબંધોની વિશેષતા એ છે કે વિશ્વના સર્વોત્કૃષ્ટ સાહિત્યકારો અને તેમની કૃતિઓનો તેમાં પરિચય અપાયો છે અને તેથી તે વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યકારોનો એક પ્રકારનો જ્ઞાનકોશ બની રહે છે. વિશ્વસાહિત્યમાં ગણનાપાત્ર સ્થાન પામેલા સાહિત્યકારો જ એમણે લીધા છે; જેમ કે, ભારતમાંથી કાલિદાસ, રવીન્દ્રનાથ તથા ગાલિબ, મધ્ય એશિયામાંથી ઉમર ખય્યામ, યુરોપમાંથી દાન્તે, શેક્સપિયર, ગટે, ટૉલ્સ્ટૉય તથા દૉસ્તૉયેવ્સ્કી ઇત્યાદિ.

ચન્દ્રકાન્ત મહેતા