ગાવસકર, સુનીલ (જ. 10 જુલાઈ 1949, મુંબઈ) : ભારતના ક્રિકેટ ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ પૂર્વ ઓપનિંગ બૅટધર, ટેસ્ટ ક્રિકેટ કપ્તાન અને વિશ્વના શ્રેષ્ઠ પ્રારંભિક બૅટધર. લાડકું નામ સની. ગાવસકરના પિતા મનોહર ગાવસકર પોતે ક્લબ ક્રિકેટર હતા અને મામા માધવ મંત્રી ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ વિકેટકીપર હતા. આ બંનેનો ક્રિકેટવારસો સુનીલને મળ્યો હતો. સુનીલે તેની ક્રિકેટકારકિર્દીમાં સૌથી વધારે રન કરવાના તથા સૌથી વધારે શતકો (34 શતકો) ફટકારવાના વિશ્વવિક્રમો નોંધ્યા હતા, જે તે પછી છ દાયકા સુધી અકબંધ રહ્યા હતા.

સુનીલનું શાળાજીવન તથા ઉચ્ચશિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ તથા કૉલેજમાં થયું હતું. તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ઉપાધિ મેળવી હતી.

સુનીલ નિશાળના અભ્યાસ દરમિયાન ‘હૅરિસ શીલ્ડ’ ક્રિકેટ સ્પર્ધામાં સૌપ્રથમ રમ્યા હતા અને બૅટિંગમાં દશમા ક્રમે હતા.

કૂચબિહાર ટ્રૉફીમાં તેમણે અણનમ 246 રન અને એ પછી સેમી ફાઇનલમાં 222 રન ફટકાર્યા હતા. લંડન શાળા ક્રિકેટ ટીમ સામે તેમણે પ્રથમ ટેસ્ટમાં 116 રન ફટકારીને 4 ટેસ્ટમાં કુલ 309 રન નોંધાવ્યા હતા.

સુનીલ ગાવસકર

યુનિવર્સિટી ક્રિકેટમાં ગાવસકરના સંગીન દેખાવના આધારે 1969–70માં મૈસૂર સામે રણજી ટ્રૉફી નૉક આઉટ તબક્કામાં મુંબઈ ટીમમાં તેમનો સમાવેશ થયો હતો. રાજસ્થાન સામે સેમીફાઇનલમાં તેમણે શાનદાર સદી ફટકારી 114 રન નોંધાવીને ભારતીય પસંદગી સમિતિનું ધ્યાન ખેંચ્યું અને 1970–71માં અજિત વાડેકરના નેતૃત્વ હેઠળ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં તે સ્થાન પામ્યા.

આંગળી પર થયેલી ઈજાના કારણે તે કિંગ્સ્ટન ખાતે સાબિના પાર્કના મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મૅચ ચૂકી ગયા હતા; પરંતુ પૉર્ટ ઑવ્ સ્પેન ખાતે ક્વીન્સ પાર્ક ઓવલના મેદાન પર ગાવસકરે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં 6 માર્ચ 1971ના રોજ ટેસ્ટ પદાર્પણ કર્યું હતું. જ્યૉર્જટાઉન ખાતે પોતાની બીજી ટેસ્ટમાં સુનીલે પોતાની બૅટિંગ કુશળતા બતાવીને શાનદાર 116 રન સાથે પ્રથમ સદી ફટકારી હતી. ચોથી ટેસ્ટમાં બ્રિજટાઉન ખાતે 117 રન ફટકારનાર ગાવસકરે પૉર્ટ ઑવ્ સ્પેન ખાતે પાંચમી ટેસ્ટમાં અને પોતાની ચોથી ટેસ્ટમાં પ્રથમ દાવમાં 124 અને બીજા દાવમાં 220 રન સાથે બેવડી સદી ફટકારીને ભારતીય ક્રિકેટમાં ઇતિહાસ સર્જ્યો હતો. પોતાની પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં ગાવસકરે 4 ટેસ્ટના 8 દાવમાં 2 વાર અણનમ રહીને 4 સદી સાથે કુલ 774 રન નોંધાવવાનો વિક્રમ સર્જ્યો હતો.

હવે તે ભારતના અને વિશ્વના શ્રેષ્ઠ બૅટધર બની રહ્યા. 1970–71ની વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટથી 1986–87ની પાકિસ્તાન સામેની પોતાની અંતિમ ટેસ્ટ સુધીમાં ગાવસકરે 125 ટેસ્ટ રમવાનો ભારતીય વિક્રમ અને વિશ્વવિક્રમ સૌથી વધુ 34 સદી ફટકારવાનો વિશ્વવિક્રમ, સૌથી વધુ કુલ 10,122 રન ખડકવાની સિદ્ધિ, ચાર બેવડી સદી (અણનમ 236, 221, 220 અને 205) ફટકારવાનો તથા અણનમ 236 રનનો સર્વોચ્ચ વ્યક્તિગત જુમલાનો ભારતીય વિક્રમ, ચાર કૅલેન્ડર વર્ષમાં એક હજારથી વધુ રન નોંધાવવાનો વિશ્વવિક્રમ સર્જ્યો હતો.

તેમણે જમણેરી બૅટધર અને મધ્યમ ઝડપી લેગબ્રેક બૉલર તથા સ્લિપના સ્થાનના ચુનંદા ફીલ્ડર તરીકે 1966–67થી 1986-87 સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી હતી. તેમની ક્રિકેટ કારકિર્દીની કેટલીક વિશેષતા નીચે મુજબ છે :

પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 1966–67માં પ્રવેશ કરી 348 રનના સર્વોચ્ચ જુમલા સાથે 51.60ની બૅટિંગ સરેરાશથી કુલ 25, 597 રન નોંધાવ્યા.

ટેસ્ટ ક્રિકેટમાં 1970–71થી 1986–87ની છેલ્લી ટેસ્ટ સુધીમાં 125 ટેસ્ટના 214 દાવમાં 16 વાર અણનમ રહીને 34 સદી(સર્વોચ્ચ અણનમ 236 વેસ્ટ ઇન્ડીઝ સામે મદ્રાસ ખાતે 1983–84માં), 45 અર્ધ સદી સાથે કુલ 10,122 રન નોંધાવ્યા, 108 કૅચ ઝડપ્યા અને 1 વિકેટ (પાકિસ્તાનના ઝહીર અબ્બાસની, 1978માં ફૈઝલાબાદ પ્રથમ ટેસ્ટ) ઝડપી.

ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 47 વાર ભારતનું નેતૃત્વ સંભાળ્યું એમાં 9 વિજય, 8 પરાજય અને 30 ટેસ્ટ અનિર્ણીત રહી હતી.

રણજી ટ્રૉફીની 66 મૅચોમાં 340 રનના સર્વોચ્ચ સ્કોર (1981–82માં મુંબઈ ખાતે બંગાળ સામે) સાથે કુલ 5335 રન.

દુલિપ ટ્રૉફીની 22 મૅચોમાં 228 રનના સર્વોચ્ચ જુમલા સાથે (1976–77માં વડોદરા ખાતે દક્ષિણ વિભાગ સામે) કુલ 1859 રન.

વન-ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં 108 મૅચોના 102 દાવમાં 14 વાર અણનમ રહીને 1 સદી (સર્વોચ્ચ અણનમ 103) તથા 27 અર્ધ સદી સાથે કુલ 3092 રન, 22 કૅચ અને 1 વિકેટ.

ઈરાની કપ ક્રિકેટ સ્પર્ધાની 12 મૅચોમાં અણનમ 156 રનના સર્વોચ્ચ જુમલા (અમદાવાદ ખાતે 1974–75માં કર્ણાટક સામે) સાથે કુલ 733 રન.

1980માં ઇંગ્લૅન્ડમાં ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ સ્પર્ધામાં સમરસેટ કાઉન્ટી તરફથી રમીને ગાવસકરે 15 મૅચોમાં બે સદીઓ (155 અણનમ યૉર્કશાયર સામે અને 194 વૉર્સેસ્ટરશાયર સામે) સાથે કુલ 686 રન નોંધાવ્યા હતા.

ભારત તરફથી ચાર બેવડી ટેસ્ટ સદીનો વિક્રમ : 1971માં વેસ્ટ ઇન્ડીઝ સામે 220, 1972માં વેસ્ટ ઇન્ડીઝ સામે 205, 1979માં ઇંગ્લૅન્ડ સામે 221 અને 1983માં વેસ્ટ ઇન્ડીઝ સામે અણનમ 236.

એક ટેસ્ટના બંને દાવમાં ત્રણ વાર સદી નોંધાવવાનો ભારતીય વિક્રમ 1971માં વેસ્ટ ઇન્ડીઝ સામે પૉર્ટ ઑવ્ સ્પેન ખાતે 124 અને 220, 1978માં પાકિસ્તાન સામે કરાંચી ખાતે ત્રીજી ટેસ્ટમાં 111 અને 137 તથા 1978માં વેસ્ટ ઇન્ડીઝ સામે કૉલકાતા ખાતે 107 અને 182 રન.

જુદાં જુદાં ચાર કૅલેન્ડર વર્ષમાં એક હજારથી વધુ રન નોંધાવવાનો વિશ્વવિક્રમ : 1976માં 11 ટેસ્ટમાં 1024 રન, 1978માં 9 ટેસ્ટમાં 1044 રન, 1979માં 18 ટેસ્ટમાં 1555 રન તથા 1983માં 18 ટેસ્ટમાં 1310 રન.

પ્રારંભિક (opening) બૅટધર તરીકે 17 સાથીદારો સાથે રમ્યા છે અને વિવિધ વિકેટ માટે 55 સદીની ભાગીદારી નોંધાવી છે, જેમાં પહેલી વિકેટની સદીની ભાગીદારી 21 વાર નોંધાવી છે. 10,000 રન કરનાર તેઓ પ્રથમ ભારતીય ખેલાડી છે. ઝડપી ગોલંદાજી સામે કુશળતાથી રમવાની તેમની શૈલી વિશ્વભરમાં વખણાઈ હતી (વેસ્ટઇ ન્ડિઝના ઝડપી ગોલંદાજો સામેની સરેરાશ 65.45).

ભારત સરકાર દ્વારા 1977માં ‘અર્જુન ઍવૉર્ડ’ અને 1979માં ‘પદ્મભૂષણ’ વડે તેમનું બહુમાન કરાયું છે.

1966માં તેમને ઇન્ડિયાઝ બૅસ્ટ સ્કૂલ બોય ક્રિકેટર ઑવ્ ધ ઇયર જાહેર કરવામાં આવ્યા હતા.

1980માં ‘વિઝડન’ના પાંચ વિશ્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં તેમનો સમાવેશ થયો હતો.

તેમણે અંગ્રેજી ભાષામાં ચાર પુસ્તકો લખ્યાં છે. ‘સની ડેઝ’, ‘આઇડૉલ્સ’, ‘રન્સ ઍન્ડ રૂઇન્સ’ અને ‘વન-ડે વન્ડર્સ’ તથા મરાઠી ફિલ્મ ‘પ્રેમાચી સાવલી’માં ભૂમિકા પણ ભજવી છે. ‘પ્રોફેશનલ મૅનેજમેન્ટ ગ્રૂપ’ નામની સંસ્થા સ્થાપીને તેના નેજા હેઠળ તે વિવિધ અખબારો તથા સામયિકોમાં ક્રિકેટવિષયક લેખો લખે છે. તેમજ જાહેરાતની ફિલ્મોમાં મૉડલ તરીકે કામ કરવા ઉપરાંત વિદેશી ચૅનલ પર ક્રિકેટ કૉમેન્ટરી પણ આપે છે. પત્ની માર્શનીલથી તેમને રોહન નામનો એક પુત્ર છે.

ડિસેમ્બર 1994માં તેમને મુંબઈના શેરીફ બનાવવામાં આવ્યા હતા. તેમના નામમાં બાર્કર-ગાવસ્કર ટ્રૉફી બનાવવામાં આવી છે. વર્ષ 2008માં ઇન્ટનરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ના અધ્યક્ષપદેથી તેમણે સ્વેચ્છાથી રાજીનામું આપ્યું હતું.

જગદીશ બિનીવાલે