ગાયકવાડ, સરિતા (જ. 1 જૂન 1994, ખરાડી આંબા, જિ. ડાંગ, ગુજરાત) : કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદ થનારી રાજ્યની પ્રથમ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ.

સરિતા ગાયકવાડનો જન્મ ગરીબ આદિવાસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ લક્ષ્મણભાઈ અને માતાનું નામ રેમુબેન. તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ગરીબ પરિવારની પુત્રીએ મુશ્કેલીઓની વચ્ચે સખત મહેનતથી સફળતાના શિખરો સર કર્યાં છે. તેની પાસે પગરખાં ખરીદવા માટે પણ પૈસા નહોતાં. તેને બાળપણથી જ રમત પ્રિય હતી.

તેણે તેની કારકિર્દીની શરૂઆત ખો-ખોના ખેલાડી તરીકે કરી હતી. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં 17 વખત ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટ્રેક અને ફિલ્ડ તેમજ ખો-ખોમાં પ્રારંભિક સફળતા પછી તેણે એક રમત પર સંપૂર્ણ ધ્યાન આપવા માટે પસંદગી કરી. તેણે ખેલ મહાકુંભમાં દોડની રમતમાં વ્યક્તિગત ભાગ લીધો. તેને 2012માં ટેલેન્ટ હન્ટ કાર્યક્રમમાં પસંદ કરવામાં આવી હતી. આ  પછી તેની કારકિર્દીમાં નવો વળાંક આવ્યો. ત્યાં તેણે પ્રથમ 400 મીટર દોડ અને 4x 400 મીટર રિલે જીતી હતી. તે એક પછી એક ટુર્નામેન્ટ જીતતી ગઈ. સરિતાના એથ્લેટિક્સ કોચ કે. એસ. અજીમોન હતા. શ્રેષ્ઠ તાલીમ મળે એ માટે સરિતાએ નડિયાદના સેન્ટર ઑફ એક્સેલન્સમાં તાલીમ શરૂ કરી. રાષ્ટ્રીય કક્ષાની ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટિક્સ સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરત તરફથી ગોલ્ડ મૅડલ જીતી. તેણે કોઇમ્બતૂરમાં 400 મીટર રીલે અને 400 મીટર હર્ડલ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને યુનિવર્સિટીને ગૉલ્ડ મેડલ અપાવ્યો હતો. 2016માં લખનૌમાં 56મી નેશનલ ઓપન એથ્લેટિક્સ સ્પર્ધામાં 400 મીટર (હર્ડલ્સ)માં 59.32 સેકન્ડ સાથે બીજું સ્થાન પ્રાપ્ત કરતાં સિલ્વર મેડલ અને 400 મીટર દોડમાં 54.56 સેકન્ડ સાથે ત્રીજું સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે આઇએએએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઇન એથ્લેટિક્સ-2017માં સ્થાન મેળવ્યું. તેણે 2017માં એશિયન ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં 2 સુવર્ણ ચંદ્રકો પણ જીત્યા હતા. 58મી ઇન્ટરસ્ટેટ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 400 મીટર વિઘ્નદોડમાં 58.01 સેકન્ડ સાથે ગુજરાત રાજ્ય માટે બ્રોન્ઝ મૅડલ મેળવ્યો. તેણે જકાર્તામાં એશિયન ગેમ્સમાં ઇન ફૉર તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તે કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય થનારી ગુજરાતની પ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ બની. અંતિમ સ્પર્ધામાં 3:33.61ના સમય સાથે સાતમા ક્રમે આવી. ત્યારબાદ તેની 2018 એશિયન ગેમ્સ માટે મહિલાઓની 4×400 મીટર રિલે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. સરિતાએ એમ. આર. પૂવમ્મા, હિમા દાસ અને વી. કે. વિસ્મયા સાથે એશિયન ગેમ્સની મહિલાઓની 4×400 મીટર રિલેમાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ મેળવ્યો. મહિલાઓની 4×400 મીટર રિલે અને 400 મીટર હર્ડલ્સ ઈવેન્ટ્સમાં 2019 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો. હાલમાં તે આવકવેરા અધિકારી તરીકે કામ કરે છે.

તેણે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કુલ 25,000ની ઈનામી રકમ જીતી. એશિયાડમાં જીત્યા પછી, સરિતાને વિવિધ સરકારી અને અન્ય સંસ્થાઓ તરફથી ઘણો આર્થિક સહયોગ મળ્યો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 2 લાખ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કર્યું. તેને ગુજરાત રાજ્ય પોષણ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

અનિલ રાવલ