ગાઇગર-મુલર ગણક (Geiger-Mટller counter) : બીટા-કણ અને બ્રહ્માંડ કિરણો (cosmic rays) જેવાં વિકિરણની તીવ્રતા (intensity) માપવા માટેનું ઉપકરણ. હાન્સ ગાઇગર અને વિલ્હેલ્મ મુલર નામના બે જર્મન ભૌતિકશાસ્ત્રીઓની આ શોધ હોવાથી, ઉપકરણનું નામાભિધાન તેમનાં નામ ઉપરથી કરવામાં આવેલું છે. તેનો ઉપયોગ પ્રયોગશાળાના એક સાધન તરીકે, રેડિયોઍક્ટિવ ખનિજની શોધ માટેનો, ધાતુનાં પતરાંનો ગેજ માપનાર સાધન અને વાતભઠ્ઠી(blast furnace)માં વપરાશ-જથ્થાની સપાટી (stock level) માપવા માટે કરવામાં આવે છે. તબીબી નિદાન માટે પણ તેનો ઉપયોગ થાય છે.

ગાઇગર કાઉન્ટરનું કાર્ય : ગાઇગર કાઉન્ટરમાં દાખલ થતું શક્તિશાળી વિકિરણ, વાયુના પરમાણુ સાથે સંઘાત અનુભવીને, તેમાં આયનો ઉત્પન્ન કરે છે. પ્રક્રિયામાં મુક્ત થતાં ઇલેક્ટ્રૉન, વાયરમાં પ્રસાર પામી ઇલેક્ટ્રિક પલ્સ ઉત્પન્ન કરે છે. આ પલ્સ વાયરમાંથી પસાર થાય છે. તેમનું વિવર્ધન (amplification) થઈ, મીટર અથવા અન્ય સાધન વડે આવા પલ્સની ગણતરી કરવામાં આવે છે.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાતળી દીવાલની કાચની નળીમાં બંને બાજુએથી ખુલ્લો એવો ઍલ્યુમિનિયમનો નળાકાર A ગોઠવેલો છે, જેના અક્ષ ઉપર ઍલ્યુમિનિયમનો વાહક તાર W રાખેલો છે. ચલિત અવરોધ (rheostat) અને વિદ્યુતપ્રવાહપ્રવર્ધક(amplifier)માં થઈને W અને Aની વચ્ચે 800થી 1500 વોલ્ટ જેટલી વોલ્ટતા લગાડવામાં આવે છે, જેથી તાર W ધન ઇલેક્ટ્રૉડ અને નળાકાર A ઋણ ઇલેક્ટ્રૉડ બને. નળીમાં નિમ્ન દબાણે અલ્પ માત્રામાં બ્રોમીનમિશ્રિત આર્ગોન વાયુ ભરેલો હોય છે. નળીની જમણી તરફ આવેલી અબરખ(mica)ની બારીમાં Wમાં થઈને નળીની અંદર β-કિરણ કે γ-કિરણને દાખલ કરતાં, નળીના વાયુમાં સંઘાતની પ્રક્રિયા દ્વારા આયનીકરણ (ionization by collision) થવાથી, ધન આયનો અને ઋણ ઇલેક્ટ્રૉન ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રૉન ધનાત્મક તાર W તરફ આકર્ષાય છે અને વજનમાં ખૂબ હલકાં હોવાથી, પ્રવેગિત બને છે ને તાર W સુધી પહોંચતાંમાં તેમના વેગમાં વધારો થાય છે. આ કારણે તેમની મુસાફરી દરમિયાન સંઘાતની પ્રક્રિયા દ્વારા આયનીકરણ ઉપજાવી વધુ ઇલેક્ટ્રૉન પેદા કરે છે. ઇલેક્ટ્રૉનનો પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન થાય છે. ધારાનિયંત્રકના પ્રતિરોધને ગોઠવતાં, વિદ્યુતવિભવાંતરનો ઘણો મોટો ભાગ રીઓસ્ટેટના બંને છેડે લાગે છે અને W અને A વચ્ચેનું વિદ્યુતદબાણ ઘટી જવાથી વિદ્યુતપ્રવાહ બંધ પડે છે અને બાહ્ય પરિપથમાં એક ક્ષણિક વિદ્યુતપ્રવાહ કે સ્પંદ (pulse) ઉત્પન્ન થાય છે. આ વિદ્યુતપ્રવાહનું ઍમ્પ્લિફાયર દ્વારા વિવર્ધન કરીને કાઉન્ટર તરફ મોકલાવતાં તે એક ‘કાઉન્ટ’ (‘કટ’ કરતો અવાજ) તરીકે નોંધાય છે. આમ આયનીકરણ ઉપજાવી શકે તેવો કણ જ્યારે જ્યારે નળીમાં દાખલ થાય ત્યારે ત્યારે એક કાઉન્ટ સંભળાય છે. આ પ્રમાણે નળીમાં પ્રવેશતા આવા કણની સંખ્યાની ગણતરી કરી શકાતી હોવાથી તે સાધનને કાઉન્ટર કહે છે. કાઉન્ટનો અવાજ મરઘીના અવાજ સાથે સામ્ય ધરાવતો હોવાથી સાધનને ‘રેડિયમની મરઘી’ (radium hen) પણ કહે છે.

એરચ મા. બલસારા