ગાંધી, શામળદાસ લક્ષ્મીદાસ (જ. 1897, રાજકોટ; અ. 8 જૂન 1953, મુંબઈ) : જૂનાગઢની આરઝી હકૂમતના સરનશીન અને પત્રકાર. ગાંધીજીના મોટા ભાઈ લક્ષ્મીદાસ ઉર્ફે કાળિદાસ ગાંધીના મોટા પુત્ર. માતાનું નામ નંદકુંવરબા અને પત્નીનું નામ વિજયાબહેન. તેમને કિશોર અને હેમંત નામના બે પુત્રો અને પુષ્પા તથા મંજરી નામની બે પુત્રીઓ હતી. કિશોર ગાંધી પછીથી ‘રમકડું’ બાળમાસિક ચલાવતા હતા.
શામળદાસની કારકિર્દીનાં મુખ્યત્વે બે પાસાં મહત્ત્વનાં હતાં : એક પત્રકાર તરીકેનું અને બીજું જૂનાગઢની આરઝી હકૂમતના સરનશીન (પ્રમુખ) તરીકેનું. પત્રકાર તરીકેનું તેમનું તેજ તે મુંબઈના ‘જન્મભૂમિ’માં જોડાયા ત્યારથી વિશેષ રીતે ઝળક્યું હતું. ક્રમશ: પ્રગતિ કરીને તે ‘જન્મભૂમિ’માં ઉપ-તંત્રી બન્યા અને 1937–40 દરમિયાન ‘જન્મભૂમિ’ના તંત્રી રહ્યા. ‘જન્મભૂમિ’ના સ્થાપક અમૃતલાલ શેઠ 1940માં જાપાનથી પાછા ફર્યા બાદ તેમની બંનેની વચ્ચે દેશી રજવાડાં પ્રત્યેની નીતિ અંગે ઉગ્ર મતભેદ ઉત્પન્ન થતાં શામળદાસ ગાંધી ‘જન્મભૂમિ’માંથી છૂટા થયા હતા અને મુંબઈથી જ ‘વંદે માતરમ્’ નામનું ગુજરાતી દૈનિક શરૂ કર્યું હતું. શામળદાસ ગાંધીની કસાયેલી કલમ અને સચોટ આલેખનને કારણે ટૂંક સમયમાં ‘વંદે માતરમ્’ પણ ખૂબ જ લોકપ્રિય અખબાર બન્યું.
મુંબઈમાં એક નીડર અને બાહોશ પત્રકાર તરીકેની ફરજો બજાવવા ઉપરાંત તે રાજદ્વારી તથા સામાજિક પ્રવૃત્તિઓના ક્ષેત્રે પણ સક્રિય કામગીરી બજાવતા હતા. મુંબઈમાં સૌરાષ્ટ્રની પ્રજાના પ્રશ્નોને વાચા આપનારું કાઠિયાવાડ પ્રજામંડળ સ્થપાયું હતું તેના તે પ્રમુખ હતા. જૂન 1947માં મુંબઈમાં આઝાદ મેદાન ઉપર કાઠિયાવાડ પ્રજા સંમેલન મળ્યું તેના તે સ્વાગત પ્રમુખ હતા. તે સંમેલનમાં તેમણે જામ-જૂથ યોજનાનો પ્રતિકાર કરવા પ્રજાને અને નેતાઓને અનુરોધ કર્યો હતો.
1947માં સૌરાષ્ટ્રમાં આવેલા જૂનાગઢ રાજ્યે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય કરતાં સમસ્ત ભારતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તે અંગેના ભાવિ કાર્યક્રમની વિચારણા કરવા 19 ઑગસ્ટ 1947ના રોજ મુંબઈમાં ‘વંદે માતરમ્’ કાર્યાલયમાં જૂનાગઢ પ્રજામંડળના મુખ્ય કાર્યકરો તથા શામળદાસ ગાંધી અને ઢેબરભાઈ એકત્ર થયા હતા અને એક પ્રતિનિધિમંડળ જૂનાગઢ મોકલવા નિર્ણય થયો હતો. 25 ઑગસ્ટ 1947ના રોજ કાઠિયાવાડ રાજકીય પરિષદની કારોબારી સમિતિની બેઠકમાં શામળદાસ ગાંધી પણ ખાસ નિમંત્રણથી હાજર રહ્યા હતા. આ બેઠકમાં જૂનાગઢની કટોકટીને પહોંચી વળવા સંરક્ષણ સમિતિની રચના કરાઈ હતી. શામળદાસ ગાંધીએ ‘વંદે માતરમ્’માં 1–9–’47ના ‘જય સોમનાથ’ અગ્રલેખમાં જૂનાગઢ પ્રશ્નોની વિગતવાર છણાવટ કરી હતી.
વણિક હોવા છતાં તેમના લખાણમાં ક્ષાત્રતેજ ટપકતું હતું. પછીથી 15–9–’47ના રોજ ‘વંદે માતરમ્’ કાર્યાલયમાં જૂનાગઢ અને કાઠિયાવાડના પ્રજાજનોએ શામળદાસ ગાંધી સહિત પાંચ સભ્યોની જૂનાગઢ સમિતિની રચના કરી હતી. મુંબઈમાં શામળદાસ વી.પી. મેનનને પણ મળ્યા હતા અને આરઝી હકૂમત સ્થાપવાનો વિચાર રજૂ કર્યો હતો. ગંભીર વિચારણાને અંતે મુંબઈમાં માધવબાગમાં ભરાયેલી જાહેર સભામાં 25–9–’47ના દિને જૂનાગઢની આરઝી હકૂમતની રચનાની જાહેરાત કરવામાં આવી હતી અને શામળદાસ ગાંધીને તેના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આ લડતને પ્રજાકીય લડતનું સ્વરૂપ આપવાનું હોવાથી તેના પ્રધાનમંડળમાં જૂનાગઢ રાજ્યના વતનીઓને નીમવામાં આવ્યા હતા. શામળદાસ ગાંધી જૂનાગઢના બારખલીદાર હતા તથા કુતિયાણામાં તેમના દાદાના નામે જમીન હતી, તેથી પ્રમુખ તરીકેની તેમની પસંદગી આ સિદ્ધાંતને અનુરૂપ હતી. વળી તે ગાંધીજીના ભત્રીજા હતા તે પણ તેમનું જમા પાસું હતું.
આમ શામળદાસે કલમ મૂકીને તલવાર ધારણ કરી હતી. તે સોરઠી દેહના પડછંદ નમૂના સમા હતા. આરઝી હકૂમતના પ્રમુખ તરીકેનું તેમનું પ્રથમ પ્રવચન અસ્ખલિત અને મુગ્ધ કરી દે તેવું પ્રેરક અને પ્રોત્સાહક હતું. તેમણે કહેલું કે તેમની લડત જૂનાગઢ કે કાઠિયાવાડના મુસ્લિમો સામે નહિ; પરંતુ જૂનાગઢના નવાબી તંત્ર સામે હતી. તેમણે આ યુદ્ધને ‘ધર્મયુદ્ધ’ ગણાવ્યું હતું. તે ‘સૌરાષ્ટ્રના સુભાષ’ તરીકે પંકાયા હતા. તેમનું સૂત્ર હતું : ‘ચલો જૂનાગઢ’. આરઝી હકૂમતનું પાંચ સભ્યોનું બનેલું પ્રધાનમંડળ મુંબઈથી રાજકોટ આવવા રવાના થયું ત્યારે શામળદાસ ગાંધીને અમૃતલાલ શેઠે તલવાર બંધાવી હતી અને શેઠનાં પુત્રી લાભુબહેન મહેતાએ બધાને કુમકુમ તિલક કરી વિદાય આપી હતી. રાજકોટમાં આગમન પછી આરઝી હકૂમતનાં ખાતાંઓની વહેંચણી કરવામાં આવતાં શામળદાસ ગાંધીને વડાપ્રધાનપદ અને પરદેશો સાથેના સંબંધોનું મહત્ત્વનું ખાતું સોપાયું હતું.
આરઝી હકૂમતે 30–9–’47થી શરૂ કરીને 8–11–’47ના 40 દિવસ દરમિયાન એવી કુનેહભરી રીતે જૂનાગઢ રાજ્યને ભીંસમાં લીધું કે તેનાં 106 ગામો તેમણે કબજે કર્યાં. પરિણામે હતાશ થઈને જૂનાગઢે 9–11–’47ના રોજ ભારત સંઘની શરણાગતિ સ્વીકારી. આરઝી હકૂમતના આ વિજયને વધાવવા તત્કાલીન ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ 13–11–’47ના નૂતન વર્ષના દિવસે જૂનાગઢ આવ્યા હતા. શામળદાસ ગાંધીએ 13–11–’47ના રોજ જૂનાગઢના ઉપરકોટ ઉપર ત્રિરંગો ઝંડો ફરકાવી જૂનાગઢને પાકિસ્તાની પકડમાંથી મુક્ત કરાવવાની પ્રતિજ્ઞા પૂરી કરી હતી. તે દિવસે જ સરદાર પટેલ પ્રભાસપાટણ ગયા હતા અને ત્યાં સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પની જાહેરાત કરી હતી. શામળદાસ ગાંધીએ આરઝી હકૂમત વતી આ માટે રૂ. 51,000નો ફાળો આપ્યો હતો. આમ શામળદાસ ગાંધીના નેતૃત્વ હેઠળની આરઝી હકૂમતે જૂનાગઢને રાજકીય સ્વતંત્રતાની સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વાતંત્ર્ય પણ અપાવ્યું.
જૂનાગઢમાં છ મહિનામાં ભારત સરકારના વહીવટ દરમિયાન સંપૂર્ણ શાંતિ અને વ્યવસ્થા સ્થપાઈ જતાં જૂનાગઢમાં 1–6–’48થી પ્રજાના ત્રણ પ્રતિનિધિઓની બનેલી સમિતિને વહીવટમાં સામેલ કરવામાં આવી. તે ત્રણ હતા : શામળદાસ ગાંધી, દયાશંકર દવે અને શ્રીમતી પુષ્પાબહેન મહેતા. શામળદાસ ગાંધીને ગૃહ, વાણિજ્ય અને ઉદ્યોગ, જકાત સહિત નાણાં અને અનાજ તથા પુરવઠાનાં ખાતાં સોંપાયાં હતાં. પછીથી 14 ડિસેમ્બર 1948ના રોજ સૌરાષ્ટ્રની બંધારણસભાની જૂનાગઢ પ્રદેશની સાત બેઠકોની ચૂંટણી જાહેર કરાઈ હતી; પરંતુ તે સાતેય બેઠકો કૉંગ્રેસે બિનહરીફ મેળવી હતી. તેમાં પણ જૂનાગઢની બેઠક ઉપરથી શામળદાસ ગાંધી ચૂંટાયા હતા. આ સાતેય સભ્યોએ જૂનાગઢને સૌરાષ્ટ્ર રાજ્યમાં જોડી દેવાનો સર્વાનુમતે ઠરાવ કરતાં, જાન્યુઆરી 1949માં તેને સૌરાષ્ટ્રમાં જોડી દેવાયું. આ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રધાનમંડળમાં જૂનાગઢના પ્રતિનિધિ શામળદાસ ગાંધીને સ્થાન આપવામાં આવ્યું. 25–1–’49થી 18–1–’50 એટલે કે લગભગ એક વર્ષ સુધી તે સૌરાષ્ટ્રમાં મહેસૂલ પ્રધાન હતા. પછીથી અંગત મતભેદોના કારણે શામળદાસ ગાંધી 18–1–’50થી પ્રધાનમંડળમાંથી છૂટા થઈ ગયા હતા. પછીથી તે અને તેમનું ‘વંદે માતરમ્’ આર્થિક ભીંસમાં આવી પડ્યાં હતાં. શ્રી વી. પી. મેનને તેમને એક કાર્યદક્ષ વહીવટકર્તા, તેજસ્વી વક્તા, સ્પષ્ટ અને સચોટ શૈલીના લેખક અને પ્રભાવપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ તરીકે બિરદાવ્યા હતા.
શશિકાન્ત વિશ્વનાથ જાની