ગાંધી, રાહુલ (જ. 19 જૂન, 1970, દિલ્હી, ભારત) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ(આઈએનસી)ના નેતા. વર્ષ 2004થી વર્ષ 2019 સુધી ત્રણ વાર ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પરથી અને વર્ષ 2019થી 23 માર્ચ, 2023 સુધી કેરળની વાયનાડ બેઠક પરથી સાંસદ. હાલ સૂરતની જ્યુડિશિયલ કોર્ટે માનહાનિના એક કેસમાં તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા છે અને બે વર્ષ કેદની સજા કરી છે. કેદની સજા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે અને ગુજરાત હાઈ કોર્ટમાં આ મામલે કેસ ચાલી રહ્યો છે.

પિતા શ્રી રાજીવ ગાંધી અને દાદી શ્રીમતી ઇન્દિરા ગાંધી ભારતનાં પૂર્વ વડાપ્રધાન. માતા સોનિયા ગાંધી. ભારતના પ્રસિદ્ધ રાજકીય પરિવાર ગાંધી-નેહરુ પરિવાર સાથે સંકળાયેલા. દાદા ફિરોઝ ગાંધી પણ 1950ના દાયકામાં લોકસભાના સાંસદ હતા. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પ્રપૌત્ર પણ છે. બહેન પ્રિયંકા ગાંધી પણ રાજકારણમાં સક્રિય.

પ્રારંભિક શિક્ષણ દિલ્હીની સેન્ટ કોલંબસ સ્કૂલમાં મેળવ્યા પછી રાહુલ ગાંધીએ દેહરાદૂનની પ્રસિદ્ધ દૂન હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ દાદી ઇન્દિરા ગાંધીની તેમના બૉડીગાર્ડ દ્વારા અને પછી પિતા રાજીવ ગાંધીની શ્રીલંકામાં આધાર ધરાવતા તમિળ ઉગ્રવાદી સંગઠન એલટીટીઈ દ્વારા બૉંબવિસ્ફોટમાં હત્યા થયા બાદ સુરક્ષા સંબંધિત કારણોસર તેમને ઘરેથી જ શિક્ષણ મેળવવાની ફરજ પડી. ત્યારબાદ હાર્વર્ડ યુનિવર્સિટીની રોલિન્સ કૉલેજ, ફ્લોરિડામાં વર્ષ 1994માં વિનયન શાખામાં સ્નાતકની પદવી મેળવી. વર્ષ 1995માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાંથી એમ.ફિલની પદવી પણ મેળવી.

શરૂઆતનાં વર્ષોમાં રાજકારણથી અળગા રહ્યા. અહેવાલો મુજબ, આંતરરાષ્ટ્રીય સ્તરના મૅનેજમેન્ટ ગુરુ માઇકલ પોર્ટરની મૅનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપની મૉનિટર ગ્રૂપ સાથે 3 વર્ષ કામ કર્યું. કંપનીમાં તેમણે રૉલ વિન્સી નામે કામ કર્યું. માર્ચ, 2004માં ભારતીય રાજકારણમાં પ્રવેશ કરવાની અને મે, 2004માં લોકસભાની ચૂંટણી અમેઠીથી લડવાની જાહેરાત કરી. આ બેઠક પરથી તેઓ 1,00,000થી વધારે મતોના અંતર સાથે વિજય મેળવીને લોકસભામાં પહેલી વાર સાંસદ બન્યા. 24 સપ્ટેમ્બર, 2007ના રોજ અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ(એઆઇસીસી)ના મહાસચિવ તરીકે નિમણૂક થઈ. સાથે સાથે તેમણે યુવા કૉંગ્રેસ અને ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ સંભાળી.

વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં અમેઠીની બેઠક પરથી ફરી 3,33,000થી વધારે મતોના અંતર સાથે તેમનો વિજય થયો. આ ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસને લોકસભાની 21 બેઠકો પર વિજય મળ્યો. પરિણામે રાહુલ ગાંધીનું પક્ષમાં કદ વધ્યું અને તેઓ કૉંગ્રેસને નવજીવન આપશે એવી આશા બંધાઈ. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં કૉંગ્રેસવિરોધી જુવાળ વચ્ચે પણ રાહુલ ગાંધીએ અમેઠીની બેઠક પર ભાજપના ઉમેદવાર અને પ્રસિદ્ધ ટીવી અભિનેત્રી સ્મૃતિ ઈરાની સામે એક લાખથી વધારે મતોથી વિજય મેળવ્યો. પણ લોકસભાની વર્ષ 2019ની ચૂંટણીમાં આ બેઠક પર મોટો ઊલટફેર થયો. તેમાં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે તેમનો 55,000થી વધારે મતોથી પરાજય થયો. જોકે તેમને અગાઉથી જ આ બેઠક પર પોતાના વિજયની શંકા હોવાથી કેરળની વાયનાડ બેઠક પરથી પણ ઉમેદવારી કરી. આ બેઠક પર તેમનો વિજય થયો હતો અને 60 ટકાથી વધારે મતો મેળવ્યા.આ રીતે તેઓ વર્ષ 2004થી ત્રણ વાર અમેઠીના સાંસદ હતા અને વર્ષ 2019થી વાયનાડના સાંસદ હતા.

7 સપ્ટેમ્બર, 2022ના રોજ તેમણે કૉંગ્રેસને નવજીવન આપવાની આશા સાથે ‘ભારત જોડો’ યાત્રાનો કન્યાકુમારીથી પ્રારંભ કર્યો. તેમણે પાંચ મહિનામાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4,080 કિલોમીટરની યાત્રા કરી. આ યાત્રા દેશનાં 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઈ. ત્યારબાદ તેમણે ટૂંક સમયમાં પૂર્વથી પશ્ચિમ ભારત સુધીની ‘ભારત જોડો’ યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે.

જોકે 23 માર્ચ, 2023ના રોજ ગુજરાતમાં સૂરત કોર્ટના ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ એચ એચ વર્માએ ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ દાખલ કરેલા માનહાનિના દાવામાં ન્યાયાધીશે રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતા(આઈપીસી)ની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) અંતર્ગત દોષિત ઠેરવ્યા અને બે વર્ષ કેદની સજા કરી.છે. રાહુલ ગાંધીએ લોકસભાની વર્ષ 2019ની ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્ણાટકમાં ટિપ્પણી કરી હતી કે –‘બધા ચોરની અટક મોદી કેમ હોય છે?!’ ત્યારબાદ આ ટિપ્પણીને મોદી અટક ધરાવતા સમુદાય માટે આપત્તિજનક ગણાવીને સૂરતમાં ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ માનહાનિની ફરિયાદ કરી. સૂરત કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા ભારતીય લોકસભાના સચિવાલયે અભૂતપૂર્વ ઝડપ દાખવીને તેમને સાંસદ તરીકે બરતરફ કરવાની અધિસૂચના જાહેર કરી હતી, જેને લોકસભાના સાંસદ ઓમ બિરલાએ  ‘પ્રકાશ કરતાં વધારે ઝડપ’થી મંજૂરી આપી હતી. આ રીતે તેમણે લોકસભાનું સાંસદ તરીકેનું પદ ગુમાવ્યું છે. રાહુલ ગાંધીએ તેમની સામેના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ કેસનો ચુકાદો ન્યાયાધીશ હેમંત પ્રચ્છકે અનામત રાખ્યો છે અને તેઓ વૅકેશન પછી જાહેર કરશે એવું જણાવ્યું છે.

કેયૂર કોટક