ગરમ પાણીના ફુવારા : જ્વાળામુખીને પાત્રરૂપ વિસ્તારોમાં આવેલા ગરમ પાણીના ઝરામાંથી કેટલીક વખતે અમુક અમુક સમયને અંતરે વેગ સાથે બહાર ફેંકાતાં ગરમ પાણી અને વરાળ. આ પ્રકારના લક્ષણવાળા ઝરા ગરમ પાણીના ફુવારા તરીકે ઓળખાય છે. તેમાંથી બહાર ફેંકાતા પાણીનો જથ્થો થોડાક લિટરથી માંડીને હજારો લિટર સુધીનો હોય છે. અને પાણી ફેંકાવાનો સમય પણ થોડી મિનિટોથી માંડીને કલાકો સુધીનો હોય છે. આવા ફુવારામાંથી બહાર ફેંકાતું પાણી વરાળના ધક્કાને કારણે જમીનની સપાટીથી કેટલાક મીટરની ઊંચાઈ સુધી પહોંચે છે. ગરમ પાણીના ફુવારામાંથી પાણી બહાર ફેંકાવાની ક્રિયા નિયમિત સમયના અંતરે બને છે. યુ.એસ.ના યેલોસ્ટોન નૅશનલ પાર્કમાં આવેલા ‘ઓલ્ડ ફેથફુલ’ નામના ગરમ પાણીના ફુવારામાંથી પાણી અને વરાળ ફેંકાવાની ક્રિયા સરેરાશ 65 મિનિટના ગાળે બને છે. આવા ફુવારામાંથી બહાર ફેંકાતા પાણીમાં ખનિજ દ્રવ્ય ઓગળેલું હોય છે અને તે તેના મુખની આજુબાજુ નિક્ષેપક્રિયા પામે છે. આ પ્રમાણે ગરમ ફુવારાના મુખની આસપાસ એકત્રિત થયેલો નિક્ષેપ ‘ગૅસેરાઇટ’ તરીકે ઓળખાય છે. ગરમ પાણીના ફુવારા યુ.એસ., ન્યૂઝીલૅન્ડ અને આઇસલૅન્ડમાં જોવા મળે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે