ગરમ પાણીના ઝરા : સામાન્ય રીતે જ્વાળામુખીને પાત્રરૂપ વિસ્તારોમાં જોવા મળતા ઝરા. ગરમ પાણીના ઝરાનું તાપમાન હૂંફાળા પાણીથી માંડીને 100° સે. સુધીનું હોઈ શકે છે. ઝરાના પાણીમાં ખનિજ દ્રવ્ય ઓગળેલું હોય છે. કેટલીક વખતે પાણીમાં ઓગળેલા ચૂનેદાર દ્રવ્યની નિક્ષેપક્રિયા બને છે અને તે ‘કૅલ્કસિન્ટર’ના નામથી ઓળખાય છે. આવા નિક્ષેપોનું રાસાયણિક બંધારણ CaCO3નું હોય છે. કેટલાક વિસ્તારોના ગરમ ઝરણાના પાણીમાં રહેલા ગંધકના કારણે તેનો ઔષધીય ઉપયોગ થાય છે. મુંબઈ પાસે વજ્રેશ્વરીમાં તેમજ ડાકોર પાસે લસુન્દ્રામાં ગંધકયુક્ત પાણીવાળા ઝરા આવેલા છે. પૃથ્વીની સપાટી પરથી ઊંડાણમાં ઊતરતા પાણી સાથે જલબાષ્પ અને વાયુરૂપ દ્રવ્યો ભેગાં હોવાથી ગરમ પાણીના ઝરા ઉદભવે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે