ગજ્જર, અર્જુનકુમાર પ્રાગજીભાઈ

January, 2010

ગજ્જર, અર્જુનકુમાર પ્રાગજીભાઈ (જ. 17 નવેમ્બર 1940, સરસ, તા. ઓલપાડ, જિ. સૂરત) : ગુજરાતના ચિત્રકાર. વડોદરાની મ. સ. વિશ્વવિદ્યાલયની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આટર્સમાંથી કલાના સ્નાતક થયેલા. અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇનમાંથી ગ્રાફિકમાં ઉત્તીર્ણ થયેલા, જ્યાંથી તેમને સંશોધન શિષ્યવૃત્તિ માટે પસંદ કરાયેલા. વ્યવસાયલક્ષી કાર્ય માટે તેમણે ફૅકલ્ટી ઑવ્ મ્યુઝિક ઍન્ડ ફાઇન આટર્સ, વારાણસીમાં વ્યાખ્યાતા તરીકેનું કાર્ય સ્વીકારેલું. તેમણે 1970થી 76 સુધી રાષ્ટ્રીય કલાપ્રદર્શનોમાં પોતાની કૃતિઓ મોકલી હતી. 1973માં ઑલ ઇન્ડિયા ફાઇન આટર્સ ઍન્ડ ક્રાફ્ટ્સ સોસાયટી તરફથી તેમને પારિતોષિક મળેલું છે. તેમની ગ્રાફિક રચનાઓ માટે અખિલ ભારતીય તથા આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ મળેલા છે. શ્વેતશ્યામ રેખાંકનોના પ્રયોગોમાં તેમણે અમૂર્ત શૈલી અપનાવી છે. અંગોના વિપર્યાસ અને સમતુલાનો ખ્યાલ રાખીને તેમણે ગ્રાફિક પ્રયોગો કર્યા છે. તેમનાં ચિત્રો AIFACS – ઑલ ઇન્ડિયા ફાઇન આટર્સ ઍન્ડ ક્રાફ્ટ્સ સોસાયટીમાં તથા ઉત્તરપ્રદેશની લલિતકલા અકાદમીના સંગ્રહાલયમાં કાયમી સ્થાન પામ્યા છે.

કનુ નાયક