ખાડીસરોવર (lagoon) : દરિયાકિનારે તૈયાર થતા કુદરતી સરોવરનો એક પ્રકાર. દરિયાકિનારાથી અંદર તરફ અમુક અંતરે રચાયેલા નિક્ષેપજન્ય અવરોધ વચ્ચે આવેલા સરોવરને ખાડીસરોવર કહેવાય છે. નદીઓ દ્વારા ખેંચાઈ આવતો કાંપ સમુદ્રકિનારે ન ઠલવાતાં કિનારાથી અંદર અમુક અંતરે ઠલવાતો જાય તો કાંપના ભરાવાથી સમુદ્રતળનો કેટલોક ભાગ ઊંચો આવતાં આડ અથવા અવરોધપટ્ટી રચાય છે, પરિણામે કેટલોક જળજથ્થો મુખ્ય સમુદ્રથી અલગ પડી જાય છે, જે સરોવર રૂપે એકઠો થઈને રહે છે.

દરિયાકિનારા તરફ વહેતા સમુદ્રપ્રવાહો અને મોજાં તેમની સાથે કાંપનો જથ્થો ઘસડી જઈ કિનારાથી અંદર તરફ કેટલેક અંતરે જમા કરે છે. આ રીતે સમુદ્રજળમાં આડશ તૈયાર થાય છે અને સરોવર રચાય છે. આ પ્રકારે રચાયેલ અવરોધપટ્ટી ક્યારેક સમુદ્રમોજાંના મારાના કારણે તૂટી પણ જાય છે. ખાડીસરોવરનાં જળ સમુદ્રના મુખ્ય જળજથ્થા સાથે ભળી જાય તે પછી સરોવરનું અસ્તિત્વ રહેતું નથી.

છીછરા સમુદ્રજળમાં અનુકૂળ સંજોગો મળતા રચાતા અવરોધક પ્રવાલદ્વીપ કે કંકણાકાર પ્રવાલદ્વીપ પણ એક પ્રકારની આડશ હોવાથી તેમની વચ્ચે જળનો ભરાવો થયેલો હોય છે. આવાં સરોવર પણ ખાડીસરોવર કહેવાય છે.

આમ સમુદ્રજળ અવરોધાવાથી કે પાણીમાં આડશ રચાવાથી કે ઉપસાગરોના શિરોભાગ પર પાણીમાં થતી કાંપની જમાવટથી દરિયાકિનારા નજીક ખાડીસરોવરની રચના થતી હોય છે. વર્ષાવિહીન ઋતુ દરમિયાન તેનાં પાણી ક્ષારવાળાં રહે છે, જ્યારે વર્ષાકાળ દરમિયાન નદીઓનાં પૂરનાં જળના ઉમેરણથી ઓછા ક્ષારવાળાં કે મીઠા જળવાળાં બની રહે છે.

ખાડીસરોવર

ભારતમાં જોવા મળતાં ખાડીસરોવર પૈકી કેરળનું વિશાળ વેમ્બનાડ સરોવર, ચેન્નાઈ નજીકનું પુલિકટ સરોવર અને ઓરિસાનું ચિલકા સરોવર મહત્વનાં ગણાય છે. કેરળનાં કયાલ પણ ખાડીસરોવરનો જ પ્રકાર છે. (જુઓ આકૃતિ) આવાં કયાલ શ્રીલંકામાં પણ જોવા મળે છે. યુ.એસ.ના ઍટલાન્ટિક કિનારે તેમજ મેક્સિકોના અખાતી કિનારા પર ખાડીસરોવરોની રચના થયેલી છે. ઉત્તર કૅરોલિના રાજ્યના ઍટલાન્ટિક કિનારે હેટોરસની ભૂશિરની અંદર તરફ કિનારાથી 32 કિમી.ના અંતરને આવરી લેતા ઉપસાગરની સાથે સાથે ખાડીસરોવરની રચના પણ થયેલી છે. ફ્લૉરિડાના પૂર્વ કિનારે, પામ બીચ અને મિયામી બીચ પર પણ સાંકડાં ખાડીસરોવરો જોવા મળે છે.

ભારતનું પૂર્વ કિનારાનું મેદાન ઓછા ઢોળાવવાળું હોવાથી ખાડીસરોવર માટે જરૂરી દૂરતટીય આડશો એવી રીતે રચાઈ છે કે ખાડીસરોવરો 100થી 200 મીટરની પહોળાઈવાળી દરિયાઈ ખાડીમાં રૂપાંતરિત થયાં છે. કાવલી અને નેલોરની વચ્ચે બાહ્ય કિનારારેખાથી 3થી 5 કિમી. અને 6થી 8 કિમી.ને અંતરે બે અલગ જળજથ્થા જોવા મળે છે, જે ઑક્ટોબરથી જાન્યુઆરીના ગાળા દરમિયાન ભરાઈ જાય છે અને ખાડીસરોવરનું રૂપ ધારણ કરે છે. બાકીના સમયમાં તે માત્ર ખાડા રૂપે રહે છે. અહીંથી દક્ષિણે જતાં, પાછાં પડતાં પાણી દ્વારા બનતા ખાડીસરોવર-પટ્ટા 800થી 2,000 મીટરની પહોળાઈવાળા, બાહ્ય કિનારીથી 1.5 કિમી.ને અંતરે રહેલા છે. પૉઇન્ટ કેલિમરની પશ્ચિમે દક્ષિણ છેડે 45 કિમી. લાંબું અને 7.7 કિમી. પહોળું પંકભરપૂર ખાડીસરોવર છે, જેની આડશ 25 કિમી. લાંબી છે.

પુલિકટ નગરની ઉત્તર તરફ વિસ્તરેલું 55 કિમી. લાંબું અને 5થી 6 કિમી. પહોળું ખારા પાણીથી ભરપૂર વિશાળ પુલિકટ ખાડીસરોવર તમિળનાડુના દરિયાકિનારે આવેલું છે. તેનો ઉત્તરતરફી અડધો ભાગ નદીઓના કાંપથી ભરાઈ જવાથી છીછરો બની રહ્યો છે અને દરિયાઈ પાણીના ધસારાને કારણે તેની ખારાશ વધતી રહી છે.

તૂતીકોરીનથી દક્ષિણે તામ્રવર્ણી નદીના મુખથી દૂર રચાયેલી દૂરતટીય આડશને પરિણામે ખાડીસરોવર તૈયાર થયેલું છે.

ગોદાવરી અને હૂગલી નદીઓની વચ્ચેના કિનારા પર દરિયાકિનારાથી અંદર તરફ દૂરતટીય આડશો તૈયાર થવાને કારણે સમુદ્રજળ ભરાઈ રહેવાથી અલગ પડી ગયેલા જળજથ્થા જોવા મળે છે. આ પૈકી ચિલકા સરોવર નોંધપાત્ર છે. તે ઈશાન-નૈર્ઋત્ય દિશામાં 60 કિમી. લાંબું, પશ્ચિમ ભાગમાં 7 કિમી. અને પૂર્વ ભાગમાં 20 કિમી. પહોળું છે. ઈશાન અને પૂર્વમાં તેની તલસપાટી નીચાણવાળા મેદાની સ્વરૂપની છે, પરંતુ તેનો વાયવ્ય તટ અને નૈર્ઋત્ય છેડો ખડકાળ છે. સરોવરની વચ્ચે 1,100 હેક્ટરનો નાલાબન ટાપુ મોટો પંકભરપૂર ટાપુ છે. સરોવરના મુખ પાસે સાંકડા અવરોધની પાછળ 10 કિમી. પહોળો નીચાણવાળો ભૂમિભાગ છે, જ્યાં 3થી 5 મીટર ઊંચાઈવાળા ઘણા નાના નાના ટાપુ છે. આ ટાપુઓ ક્યાંક ક્યાંક 100 મીટરની તો વધુમાં વધુ 1,600 મીટરની પહોળાઈવાળી ખાડીઓથી અલગ પડે છે. ઓરિસાના દરિયાકિનારાના વિશાળ વિસ્તારને આવરી લેતા આ સરોવરની ઉત્પત્તિ આડશ રચાવાને કારણે થયેલી છે. આ સરોવરની ઉત્પત્તિ પહેલાં સમુદ્રકિનારો અનિયમિત આકારનો હતો જે ચિલકાના મુખ પાસે અથવા પુરી પાસે અથવા ઇચ્છાપુરમ્ (નૌપાડા) પાસે આડશ રચાવાથી સીધો બની ગયેલો છે. એક મંતવ્ય મુજબ, દરિયાનાં પાણી એ ભૂમિ તરફ પ્રવેશ કરવાને કારણે અને મહા નદીએ લાવેલા કાંપથી તૈયાર થયેલી આડશથી ચિલકા અલગ પડી ગયેલું ગણવામાં આવે છે. તેનાં જળ ક્યારેય તદ્દન સ્વચ્છ રહેતાં નથી. વર્ષાકાળ દરમિયાન તે ઓછાં ક્ષારયુક્ત તો બાકીના ગાળા દરમિયાન જળસપાટી નીચી જવાથી વધુ ક્ષારવાળાં બને છે. તેની તળસપાટી ભરતી અને ઓટ વચ્ચેની ઊંચાઈ ધરાવે છે. તેમ છતાં ક્યાંક મોટી ભરતીની સપાટીથી એક મીટર જેટલી નીચી, તો કોઈક કોઈક જગાએ ઓટ-સપાટીથી પણ નીચી જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા