ખળી : ખેડૂતોએ તૈયાર કરેલા પાકના દાણા છૂટા પાડી અને બજારમાં વેચાણ કરવા ચોખ્ખા કરી તૈયાર કરવાની ખેતરમાંની અથવા ગામડાના સીમાડે આવેલી જગ્યા. તેને ખળાવાડ, ખળીવાડ પણ કહે છે.

તમાકુ જેવા પાકની સાફસૂફી કરવાની જગાને પણ ખળી કહે છે. ખળાવાડ ગામડાથી નજીક હોય છે. તેની જમીન મોટે ભાગે કઠણ અને સમતળ તેમજ હવાની છૂટથી અવરજવર થાય તે માટે ઊંચાણવાળી હોય છે.

ગામના ખેડૂતો ખળાવાડમાં પોતાની જમીન નક્કી રાખે છે. બધો માલ એકસાથે રાખવાનો હોઈ સાચવણીનો પ્રશ્ન સામૂહિક રીતે હલ થાય છે અને વિચારોની આપ-લે કરી બજાર માટે સારી ગુણવત્તાવાળા દાણા તારવવાની પદ્ધતિઓ વિકસાવે છે; પરંતુ હવે તો ખેડૂતો પોતાના ફાર્મ ઉપર જ સિમેન્ટ-કૉંક્રીટનું પાકું થાળું બનાવી પોતાનું સ્વતંત્ર ખળું બનાવે છે. આખા ને આખા ખળાને આગ ચાંપવાના અને લૂંટી જવાના પ્રસંગો પણ નોંધાયા છે.

કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા