ખડમાંકડી

January, 2010

ખડમાંકડી (praying mantis) : શ્રેણી dictyoptera, કુળ Mantidaeનો સામાન્યપણે ભજની (પ્રાર્થી) – મૅન્ટિસ તરીકે ઓળખાતો કીટક. ખડ(ઘાસ)ના રંગનું અને તેના જેટલું પાતળું દેખાતું આ જીવડું આશરે 5.0 સેમી. જેટલું લાંબું હોય છે, તેના અગ્રપાદો કંટકયુક્ત હોય છે, જ્યારે તેની આંખ ઊપસેલી દેખાય છે. લાંબા અગ્રપાદો ધરાવતું આ પ્રાણી વિશ્રામ સ્થિતિમાં જાણે પ્રાર્થના કરતું હોય તેમ દેખાય છે. પાંદડાં કે ડાળી પર વાસ કરતાં આ પ્રાણીઓને, પર્યાવરણ સાથેના સાર્દશ્યને લીધે ઓળખવાં મુશ્કેલ હોય છે. તે રીતે તે પોતે સલામતી અનુભવે છે. તેથી અસાવધપણે ખડમાંકડીની પાસેથી પસાર થતાં પ્રાણીઓ તેનો ભોગ બને છે. ખડમાંકડી કીટકભોજી પ્રાણી છે અને તે ઘણી વાર સ્વજાતભક્ષી (cannibal) પણ બને છે. જોકે ખડમાંકડી પોતે દેડકાં, કાચંડા તેમજ જાતજાતનાં પક્ષીઓનો આહાર બને છે.

ખડમાંકડી

સમાગમ કરતી વખતે નર અને માદા આલિંગન-અવસ્થા ધારણ કરે છે. આલિંગન દરમિયાન માદા અગ્રપાદોની મદદથી નરને જકડી રાખે છે. પરંતુ સમાગમપ્રક્રિયા પૂરી થતાં મોટે ભાગે ભૂખી માદા, નરના શીર્ષ અને ઉરપ્રદેશનું ભક્ષણ કરે છે. નવાઈની વાત તો એ છે કે મૃત નરનો શેષભાગ સમાગમપ્રક્રિયામાં મગ્ન હોય તેમ દેખાય છે. શુક્રકોષોને માદાના શરીરમાં મૂક્યા બાદ નર ખડમાંકડીનું અસ્તિત્વ કુદરતને સ્વીકાર્ય ન હોય તેમ લાગે છે. મોકો મળતાં કેટલીક માદા કરોળિયા અને મંકોડી પણ પોતાના સાથીનું આ જ પ્રમાણે ભક્ષણ કરતી હોય છે.

ખડમાંકડીનાં ઈંડાં કવચ વડે ઢંકાયેલાં હોય છે. પ્રત્યેક કવચની અંદર 30થી 300 ઈંડાં આવેલાં હોય છે. કવચ સામાન્યપણે થડ કે લાકડી જેવી વસ્તુઓ સાથે ચોંટેલાં હોય છે. ઈંડાં શિયાળો સુષુપ્તાવસ્થામાં પસાર કરે છે અને વસંત ઋતુની શરૂઆતમાં કીટશિશુ(nymph)માં તે રૂપાંતર પામે છે. કીટશિશુઓ લગભગ પુખ્ત પ્રાણી જેવાં દેખાય છે પરંતુ તેમને પાંખ હોતી નથી.

ઉપેન્દ્ર રાવળ