ક્ષુર : વિક્રમની દશમી શતાબ્દીમાં થયેલા ભાષ્યકાર. વેદભાષ્યકાર સાયણાચાર્યની ‘માધવીય ધાતુવૃત્તિ’માં પાંચ સ્થળે ‘ક્ષુર’નો નામોલ્લેખ પ્રાપ્ત થાય છે. તે દ્વારા કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય સંહિતા પર ક્ષુર નામે વિદ્વાનનું ભાષ્ય હોવાનું જણાય છે. જોકે, ક્ષુરના ભાષ્યની કોઈ પોથી હજી સુધી મળી નથી તથા કોઈ વેદભાષ્યકારે પોતાના ભાષ્યમાં ક્ષુરનો વેદભાષ્યકાર તરીકે નામોલ્લેખ કર્યાનું પણ જાણમાં નથી. સાયણે પણ પોતાના કોઈ વેદભાષ્યમાં નહિ પણ ‘માધવીય ધાતુવૃત્તિ’માં વેદમંત્રોમાં પ્રયુક્ત ધાતુઓના અર્થોની ચર્ચા કરતાં ક્ષુરે કરેલા અર્થો નોંધ્યા છે. ત્રણ સ્થળે તેણે તૈત્તિરીય સંહિતાના ભાષ્યકાર ભાસ્કર સાથે ક્ષુરનો નામોલ્લેખ કર્યો છે. क्षुरभट्टभास्करीययो: એ દ્વન્દ્વ સમસ્ત પદને લગાડેલા र्ईय(छ) પ્રત્યયનો क्षुर શબ્દ સાથે પણ સંબંધ થાય. તેથી ભટ્ટ ભાસ્કરની જેમ ક્ષુર પણ ભાષ્યકાર હતા એમ સિદ્ધ થાય. બે સ્થળે તેણે તૈત્તિરીય સંહિતાના ઉદાહરણમાં ક્ષુરના ભાષ્યનો ઉલ્લેખ ‘क्षुरे तु એ શબ્દો વડે કર્યો છે. अहोरात्राणि मरुतो विश्लिष्टं सूदयन्तु ।  (તૈ. સં. 5 2. 12) એ ઉદાહરણમાં सूदयन्तु ક્રિયાપદનો અર્થ इत्यत्राह भट्टभास्कर: એમ ભટ્ટ ભાસ્કરનો અર્થ નોંધ્યા પછી ‘क्षुरेणु तु तव विश्लिष्टं न्यूनं पूरयन्त्विति ।’ એમ કહી પાણિનિના षूद क्षरणे (ધાતુપાઠ 1798)ને બદલે ક્ષુરનો જુદો અર્થ ‘‘पूरणे’’पूरयन्तु એમ નોંધ્યો છે. त्रय एनां महिमानः सचन्ते (તૈ. સં. 4.3.11) એ ઉદાહરણમાં ભટ્ટ ભાસ્કર અને ક્ષુરના અર્થો સમાન હોવાનું इत्यत्र क्षुरभट्टभास्करीययो: सचन्ते सेवन्त इति એ શબ્દોથી નોંધ્યું છે. પાણિનિ षच सेवने सेचने च (ધાતુપાઠ 163) અને षच समवाये (ધાતુપાઠ 997) એવા અર્થો આપે છે. जेह ધાતુના અર્થની ચર્ચા કરતાં સાયણ નોંધે છે કે जेहतिर्गत्यर्थोडपि उक्तं च ‘अरेणुभिर्जेहमान:’ (તૈ. સં. 4.6.7) इत्यत्र क्षुरभट्टभास्करीययो: – પાણિનિએ जेह प्रयत्ने (ધાતુપાઠ 644) એવો અર્થ આપેલો છે. अपप्रोथ दुन्दुभे दुच्छुनान् (તૈ. સં. 4.6.6)  એ ઉદાહરણમાં સાયણે अव ઉપસર્ગપૂર્વક प्रोथृ पर्याप्तौ (ધાતુપાઠ 867)નો અર્થ क्षुरे तु अपप्रोधनं हुंकरणम् એવો નોંધ્યો છે. वस् ધાતુના અર્થની ચર્ચા કરતાં, पितेव पुत्रं वसये वतोभि: (તૈ. સં. 4.2.5) એ ઉદાહરણમાં वस निवासे (ધા.પા. 1942 चुरादि)નો અર્થ इत्यत्र  क्षुरे पितेव पुत्रं वसये निरवसावयामि स्तुतिभि: इति व्याख्यातम् એમ કહી ક્ષુરની વ્યાખ્યાનો – ભાષ્યનો સ્પષ્ટ ઉલ્લેખ સાયણે કર્યો છે. આ બધાં ઉદાહરણોની સાયણે કરેલી ચર્ચા ઉપરથી તૈત્તિરીય સંહિતા પર ક્ષુરનું ભાષ્ય હોવાનું સિદ્ધ થાય છે.

ક્ષુર સાયણ પૂર્વે તો થયા જ છે. સાયણના क्षुरभट्टाभास्करीययो: એવા શબ્દો ઉપરથી अभ्यर्हितं पूर्वम् એ ન્યાયે ક્ષુર ભટ્ટ ભાસ્કરના પણ પૂર્વવર્તી હતા, એમ કહી શકાય. આમ જોતાં ક્ષુર ભટ્ટ ભાસ્કર પહેલાં વિક્રમની દસમી શતાબ્દીમાં થયા હોવાનું માનવું ઉચિત ગણાય.

નટવરલાલ યાજ્ઞિક