ક્ષુદ્રરોગ : કેટલાક રોગસમૂહના વર્ણન માટે પસંદ થયેલ નામ. તેની વિવિધ વ્યાખ્યાઓ મૌલિક તથા વિશિષ્ટ અર્થ ધરાવે છે.

અમરકોશમાં આ શબ્દ ક્રૂર, નાનું તથા નીચ એ ત્રણ અર્થમાં પ્રયોજાયો છે.

વિવિધ શાસ્ત્રકારોએ ‘ક્ષુદ્રરોગ’ના અર્થ માટે જુદો અભિપ્રાય દર્શાવ્યો છે. તેમાંના કેટલાક આ પ્રમાણે છે :

(1) જે રોગ થવા માટેનાં કારણો – હેતુ અલ્પ હોય તથા તેનાં લક્ષણો પણ અલ્પ હોય; (2) જે રોગની ચિકિત્સા સામાન્ય રીતે સ્વલ્પ હોય; (3) જે રોગના ભેદ નથી તથા જેની ભયાનકતા ઘણી જ ઓછી છે; (4) જે રોગના ઉપદ્રવો નહિવત જ હોય તથા વિશેષ દુ:ખપ્રદ નથી; (5) જે રોગો બાળકોને થાય છે તથા રોગ પોતે પણ બાલ્યાવસ્થામાં જ રહે છે.

ઉપરના અભિપ્રાયોમાં કેટલીક વિસંગતતાઓ પણ છે તેમ છતાં આ રોગસમૂહ પ્રાય: સામાન્ય રોગસમૂહ છે.

સુશ્રુતે ક્ષુદ્રરોગોની સંખ્યા 44 બતાવી છે જ્યારે વાગ્ભટે 36 જણાવી છે. નિદાનશ્રેષ્ઠ માધવકરે 43 રોગોની ગણના આ સમૂહમાં કરી છે, જ્યારે બ્રહ્મદેવે 48 જણાવી છે. તેમાંના મુખ્ય રોગોનાં લક્ષણો અહીં પ્રસ્તુત છે.

પ્રાચીન જમાનામાં ફૂગ-ફંગસને કારણે થનારા કે વિષાણુ-વાયરસને કારણે થનારા રોગોને સામાન્ય રીતે ક્ષુદ્ર રોગોમાં મૂકવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આ રોગોનો મોટો ભાગ બાળકોમાં કે યુવાનોમાં જ જોવા મળતો હતો. છતાં તે મોટાને થઈ શકતો. એટલે બાળરોગોની જ્યાં ગણના છે, ત્યાં આ રોગોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

લક્ષણવિજ્ઞાન : અજગલ્લિકા : આ રોગ તાજાં જન્મેલાં બાળકોમાં એકાદ માસ સુધીમાં જોવા મળે છે. મગના દાણા જેવી, પીડા વગરની, ચામડીના જેવા રંગવાળી તથા સ્નિગ્ધ ફોડકીઓ અજગલ્લિકા કહેવાય છે. સૌરાષ્ટ્રમાં તે ‘વઘારિયા’ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ વખતે ઘરમાં શાકનો વઘાર ન કરવાનો રિવાજ છે. અગ્નિરોહિણી : યુવાનોમાં વિશેષ જોવા મળે છે, પણ બધાને તે થઈ શકે છે. બગલમાં બળતા અંગારા જેવી, માંસ તોડી નાખે તેવી, પુષ્કળ બળતરાવાળી, તીવ્ર તાવવાળી ગાંઠ. વ્યક્તિ અઠવાડિયા – પંદર દિવસમાં મરી જાય છે. આને મરકીની ગાંઠ (plague) કહે છે. અનુશયી : ઊંડા મૂળવાળી, ચામડી જેવા રંગની અને થોડી બહાર દેખાતી ફોલ્લી. અલસ : ચોમાસામાં પગની આંગળીઓની વચ્ચે સફેદ રંગવાળી ફૂગથી થાય છે. ખુલ્લા પગે ફરનારને વિશેષ હોય છે. અરૂંષિકા : નાનાં બાળકોને માથામાં થતી ફોલ્લીઓ. અવપાટિકા : યુવાનોને થતો રોગ. હસ્તમૈથુન કરતાં કે મૈથુન કરતાં લિંગની આગળની ચામડી લિંગમણિની પાછળ જતી રહે અને પાકે કે ચિરાઈ જાય. અહિપૂતન : બાળકોને અશુદ્ધિને કારણે થતો ગુદાનો પાક. અંધાલજી : નાનાં ગૂમડાં થઈ પછી એક બની જાય તેવો પાક. આ કફવાતપ્રધાન વ્યાધિ છે. ઇન્દ્રવૃદ્ધા : વચ્ચે મોટી ફોલ્લી અને ફરતી નાની ફોલ્લીઓના સમૂહવાળો પાક. વાતપિત્તજ વ્યાધિ. ઇન્દ્રલુપ્ત : ઊંદરી. માથામાં કે મૂછ અથવા દાઢીમાં કેટલીક જગ્યાએથી વાળ સમૂહમાં ખરી પડે. ખાલિત્ય તેનો પર્યાય છે. કચ્છપી : પાંચ-છના સમૂહમાં થનાર સરખા કદનો પાક. કફવાતપ્રધાન વ્યાધિ છે. કક્ષા : જનોઈની જેમ ગળું, પીઠ, છાતી અને બગલની રેખામાં નીચે મોતીના દાણા જેવી નાની ફોલ્લીઓ થાય છે. આમાં કેટલીક વખત કાળો રંગ હોય છે ત્યારે તીવ્ર બળતરા થાય છે. બગલની રેખામાં નીચે પડખા પર તે વિશેષ જોવા મળે છે. કુનખ : નખ કાળો, ખરબચડો બની જાય છે. ફૂગથી થાય છે. કદર : કપાસી. હાથ અને ખાસ કરીને પગના તળિયામાં થાય છે. ચામડી જાડી થઈ જાય છે. ક્યારેક પાકે છે. ગુદભ્રંશ : નબળા માણસોને ઝાડા થઈ ગયા પછી આ રોગ થતો જોવા મળે છે. આમળ બહાર આવી જાય છે (proleps of the rectum). ચીપ્ટા : હાથના નખ ફરતો પાક થાય. ચર્મકીલ : ગૂંચ. દાઝવાથી, પ્લાસ્ટિક સર્જરી પછી કે વૅક્સિનેશનની જગ્યાએ થાય છે. કેલૉઇડ. જતુમણિ : લાલ રંગનું લાખું (જન્મથી હોય કે પાછળથી થાય છે). તિલકાલક : કાળા તલ. રૂપાળા માણસોમાં વધુ જોવા મળે છે. દારુણક : માથા પર થતો ખોડો. આમાં માથામાં ખંજવાળ આવે અને ફોતરી ખરે છે. નિરુદ્ધ પ્રકાશ : નાનાં બાળકોમાં લિંગની ચામડી બહુ સાંકડી હોવી તે. પેશાબ રોકાય, બાળક રડે, ફાયમોસિસ. પાષાણગર્દભ : લાપોટિયું, ગાલપચોળિયું. બાળકોનો રોગ. એક તરફ હોય કે બંને બાજુ હોય. આ કર્ણમૂલગ્રંથિ(parotid gland)નો સોજો છે. વિષાણુજન્ય છે. parotiditis વંધ્યત્વ લાવી શકે. પામા : ખસ (scabies) હાથપગમાં વિશેષ થાય. ખંજવાળ પછી બળતરા અને પીળા પાકવાળા ફોલ્લા. પાદદારિ : હાથપગનાં તળિયાં ફાટવાં. ખુલ્લા પગે રહેનારને શીતવાયુથી થાય છે. પલિત : પળિયાં, વાળ ધોળા થવા. બે પ્રકાર : કાલજ (વૃદ્ધાવસ્થામાં થનાર) અને અકાલજ (યુવાનીમાં થનાર). ગરમીમાં ફરવાથી, ક્રોધ કરવાથી, શરીરની ગરમી મગજમાં જવાથી આ રોગ થાય છે. મસૂરિકા : ઓરી (measals). મોટા દાણા શરીર પર નીકળે છે. વિષાણુજન્ય છે. મશક : મસા. શરીર પર, ખાસ કરીને મોઢા પર થતા કાળા કે લાલ મસા. યૌવનપિડકા : ખીલ. તેનો બીજો પર્યાય મુખદૂષિકા છે. યુવાનીમાં થાય છે માટે યૌવનપિડકા. મોઢું ખરાબ કરે છે માટે મુખદૂષિકા. આ રોગ કેટલીક રીતે સ્વાભાવિક છે. તો બહુ મોટા ખીલ વારસામાં અને મુખની સફાઈના અભાવે થાય છે. વલ્મિક : હાથમાં, પગમાં, ડોકમાં, રાફડા જેવી રચનાવાળો સોજો. સામાન્ય રીતે પગમાં જ વધુ જોવા મળે છે. વ્યવહારમાં મદુરા ફૂટ તરીકે ઓળખાય છે. વિસ્ફોટક : દાઝ્યા હોય તેવા ફોલ્લા હાથ, પગ ને ઘણી વખત આખા શરીરમાં નીકળે છે. અંદરથી પ્રવાહી કે પરુ નીકળે છે. તીવ્ર ખંજવાળ, દાહ અને વેદના થાય છે. વ્યંગ : દાઝ. શરીર પર કે મોઢા પર કાળા ડાઘ પડે છે. વૃષણકચ્છુ : ગુહ્ય ભાગમાં ખસ થવી. સન્નિરુદ્ધ ગુદ : ગુદા જન્મથી બંધ હોવી (imperforeted anus). બાળકને જન્મથી મળતો રોગ છે તો કેટલીક વખત પાછળથી ગુદા સાંકડી થઈ જાય છે (stricture of the anus).

સાધ્યાસાધ્ય : સામાન્ય રીતે બધા જ રોગો સાધ્ય છે. છતાં પુનરાવર્તન કરનારની સંખ્યા વિશેષ છે અને તેની પાછળ પડો ત્યારે મટે તેવા છે.

ચિકિત્સા : આ રોગોમાં જઠરાગ્નિનો સંબંધ અલ્પતમ હોવાથી અને ધાત્વાગ્નિઓ અને ભૂતાગ્નિઓનો જ સંબંધ વિશેષ હોવાથી આભ્યંતર ઔષધ જ્યાં કરવાનાં હોય છે ત્યાં (તેવાં લક્ષણોવાળા) મોટા રોગોની ચિકિત્સા જેવી ચિકિત્સા કરવાની હોય છે; દા.ત., કક્ષા – હર્પિસ ઝોસ્ટરની દવા વિસર્પ જેવી (રતવા) કરવાનું વિધાન છે; એટલું જ નહિ, વ્યવહારમાં સહેજ પણ પ્રચલિત નથી તેવા રોગો વિવૃત, ઇન્દ્રવૃદ્ધા, ગર્દભી, ઇરિવેલિકા, ગંધનામીની ચિકિત્સા પણ વિસર્પ (રતવા) જેવી કરવાનું વિધાન છે. વિસ્ફોટક – પૅમ્ફીગસવલ્ગેરિસની ચિકિત્સા પણ રતવા જેવી કરવાનું વિધાન છે. ટૂંકમાં, આ વ્યાધિની દવાઓ વિશેષ નથી તેમજ તે કેટલાક સમૂહમાં વહેંચાયેલા હોવાથી તેમની દવાનો આધાર માત્ર બીજા પ્રખ્યાત રોગો જેવો જ છે.

આભ્યંતર દવા(internal medicine)નો વિચાર કરીએ તો કક્ષાની, વિસ્ફોટની, શર્કરાર્બુદની, મસૂરિકાની, પલિતની ચિકિત્સા જ થોડી આભ્યંતર છે અને તે પણ બીજા રોગોની સરખામણીમાં કરવાની છે. બાકીના બધા રોગોમાં બાહ્ય ચિકિત્સા જ આપવામાં આવી છે અને તેમાં પણ લેપ મુખ્ય છે. કક્ષામાં પણ માત્ર ગેરુને ઘી સાથે લગાડવામાં આવે તો આભ્યંતર ચિકિત્સાની જરૂર રહેતી નથી.

કિરીટ પંડયા

માલદાન હરીદાન બારોટ