ક્ષીરવિદારી કંદ : દૂધી-ભોંયકોળું. વિવિધ ભાષાનામો આ પ્રમાણે છે : સં. : ક્ષીર વિદારી કંદ; ક્ષીરવલ્લી, પયસ્વિની; હિં. : દૂધ વિદારી, સુફેદ વિદાર કંદ; મ. કોંકણી : હળધા કાંદા; દૂધ ઘોડવેલ; લૅટિન : Ipomoea digitata Linn; Fam. Convolvulaceae.

ક્ષીરવિદારી કંદ એ સાદા વિદારી કંદ, ભોંયકોળું કે ખાખરવેલનો એક અલગ ઔષધિપ્રકાર છે. તેના વેલા થાય છે. સફેદ અથવા દૂધી નામના ભોંયકોળાને જ ‘ક્ષીરવિદારી કંદ’ કહે છે. ભોંયકોળાનાં પાન કાલિંગડીનાં પાનને મળતાં આવે છે. તેની શક્કરિયા જેવી વેલ થાય છે. પાન પાંચખૂણિયાં, હાથના પંજા જેવાં થાય છે. કંદ જમીનની અંદર શક્કરિયાં જેવાં થાય છે. તેને કાપતાં અંદરથી ખૂબ દૂધ નીકળે છે. વધારે તો આ જાત જંગલોમાં આપમેળે થાય છે. તેની પ્રાપ્તિ અલ્પ હોય છે, જેથી તેની જગ્યાએ સહજ રીતે મળતા સાદા વિદારી કંદ (Pueraria Tuberosa D.C.)નો ઉપયોગ વધુ થાય છે. ક્ષીરવિદારી કંદ મૂળમાં .3થી .6 મીટર (1થી 2 ફીટ) લાંબાં અને .3 મીટર (એક ફૂટ) જાડાં થાય છે. તેના કંદમાં જેઠીમધ જેવો મધુર સ્વાદ આવે છે. તેનાં ફૂલ ઘંટડી-આકારનાં, ગુલાબી કે રીંગણી રંગનાં વર્ષાઋતુમાં આવે છે. કંદ ઉપરથી દેખાવે પીળા કે ભૂરા રંગના કોળા જેવા પણ અંદરથી સફેદ હોય છે. આવા કંદ પ્રાય: ઉત્તર ભારતમાં હિમાલય પ્રદેશમાં 1219.2 મીટર(4,000 ફીટ)ની ઊંચાઈ સુધીમાં મળે છે.

ગુણધર્મો : ધોળું ભોંયકોળું કે ક્ષીરવિદારી કંદ કે દૂધી – ભોંયકોળું : સ્વાદે મધુર, તીખું, ખાટું, તૂરું; ગુણમાં શીતળ, ભારે, સ્નિગ્ધ, સ્વર્ય, વર્ણકારક, પૌષ્ટિક, દૂધ(ધાવણ)વર્ધક, વૃષ્ય, વીર્યવર્ધક – વીર્ય ઉત્પાદક, રસાયન, જીવનીય, બલકર, મૂત્રલ, કફકારક હોય છે અને પિત્ત, વાયુદોષ, રક્તદોષ, પિત્તજ શૂળ, મૂત્રમેહ તથા દાહનો નાશ કરે છે. તેના કંદના ગુણ વેલા જેવા જ હોય છે. ક્ષીરવિદારી રક્તસ્તંભક હોઈ બહેનોના લોહીવા (રક્તપ્રદર) તથા શ્વેતપ્રદરમાં ગર્ભાશય-બલ્ય તરીકે ઘી-દૂધ ને સાકર સાથે અપાય છે. કૉલેરામાં ધોળા ભોંયકોળાનો રસ સાકર નાંખી અપાય છે.

શરીરની પુષ્ટિ માટે (વજન વધારવા માટે) : દૂધિયા ભોંયકોળાનું ચૂર્ણ ઘીમાં સાંતળી લઈ, તેમાં બે દાણા, બદામનો મગજ, ચારોળી, પિસ્તાં, લવિંગ, એલચી, જાયફળ, ગોખરું, કૌંચાબીજ, શતાવરી તથા મૂસળીનું ચૂર્ણ નાંખી સાકરનો પાક કરી, તેમાં તૈયાર ચૂર્ણ નાંખી, પાક થાળીમાં નાંખી દબાવી લઈ, ચકતાં પાડીને કે તેના લાડુ બનાવીને લેવાય છે. રોજ 20થી 30 ગ્રામ આ પાક ખાઈ, ઉપર દૂધ પીવાથી શરીરમાં બળ અને પુષ્ટિ વધે છે, શરીર ભરાવદાર થાય છે. તેનાથી વજન બહુ જ જલદી વધે છે. તે પ્રૌઢ માણસ પર વધુ સારી અસર કરે છે.

શરીર નબળાઈથી દુખતું કે કળતું હોય તો સફેદ ભોંયકોળા(ક્ષીરવિદારી કંદ)નો રસ કે તેનું ચૂર્ણ સાકરવાળા દૂધમાં રોજ અપાય છે. તેથી શરીર બળવાન તથા પરિપુષ્ટ થાય છે.

 બળદેવપ્રસાદ પનારા