ક્વેસિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સીમારાઉબેસી કુળની એક પ્રજાતિ. તેની એક જાતિ Quassia amara L. (ગુ. અરુન્ધતી, સુરીનામ; અં. લિગ્નમ, એશિયા). તે 15.20 મી. ઊંચું વૃક્ષ છે. ભારતમાં ક્વેસિયાની બે જાતો જોવા મળે છે : Q. amara – surinam ક્વેસિયા અને Q. indica (syn. Q. Samudera indica અને Samadera lucida.

ક્વેસિયા અમારા એલ.નું એક વૃક્ષ મુંબઈના રાણીબાગમાં છે. ગુજરાતમાં તે મળતું નથી. તે વેસ્ટ ઇન્ડિઝમાં પુષ્કળ મળે છે. તે બગીચામાં શોભા આપે છે. તેમાં પક્ષવત્ કે પીંછાકાર (pinnate) પર્ણને સપક્ષ પર્ણદંડ હોય છે. તેનાં રાતાં (scarlet red) ફૂલોની કલગીમાંથી પુંકેસર અને બોરિયું લટકે છે.

ક્વેસિયા

વૃક્ષને કાપી તેની નાની શાખાઓ દૂર કરી, મોટી શાખાઓને વહેરી, ચોરસ કે લંબચોરસ ટુકડાને તડકામાં સૂકવવામાં આવતાં તે પીળો રંગ ધારણ કરે છે. તેને વાસ હોતી નથી. સ્વાદે ખૂબ જ કડવા હોય છે. તેના ટુકડા બજારમાં મળે છે.

તેના રાસાયણિક ઘટકો કડવા પદાર્થો જેવા કે ક્વાસિન આઇસો ક્વાસિન અને નિયોક્વાસિન તત્ત્વો ધરાવે છે. આ ઉપરાંત તેમાં એક પીળા રંગનો પદાર્થ હોય છે, જે ઍસિડિક આલ્કોહૉલ સાથે વાદળી રંગની પ્રતિદીપ્તિ (fluorescence) દર્શાવે છે.

તે કટુ બલ્ય, ક્ષુધાવર્ધક અને જંતુનાશક છે. ક્વેસિયા કાષ્ઠ બસ્તી(એનિમા)માં આપવાથી સૂત્રકૃમિ (thread worms) બહાર નીકળી જાય છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ