ક્રેટેગસ (Crataegus) : Rosaceae-નું વાડોમાં થતું શોભન વૃક્ષ. કુળ અં. the hawthron; ગુ. કટગ. તેનાં સહસભ્યોમાં Potentilla નર્મદાના પટ અને પાવાગઢ ઉપર મળે છે, પરંતુ હિમાલયના વાયવ્ય વિસ્તાર ઉપર 2,000-3,000 મીટર ઊંચાઈએ કટગનાં વૃક્ષો વધે છે. તેની બે જાતિઓ પ્રખ્યાત છે. C. oxycantha અને C. monogyna. તે આશરે 10 મીટર ઊંચાંવાળાં ઉપપર્ણો હોય છે. તે પર્ણો, ભ્રૂણપોષ વિનાનું બીજ અને મુક્ત સ્ત્રીકેસર ધરાવે છે.

તેનાં પર્ણ, ફૂલ અને ફળ ઘણા રોગોમાં લોકપ્રિય ઔષધિ તરીકે વપરાય છે. તે સંખ્યાબંધ રાસાયણિક ઘટકો ધરાવે છે. વીટેક્સીન અને હાઇપરોસીડ ફ્લૅવોન્સ, એસ્ક્યુલીન અને એસ્ક્યુલેટીન કુમારિન્સ, ક્રેટેગોલિક ઍસિડ, ઉર્સોલિક ઍસિડ અને ઓલિયોનોલિક ઍસિડ નામના ટ્રાયટર્પિન્સ, ઍડીનોસિન, ઍડીનિન, ગ્યાયનિન, યુરિક ઍસિડ, કૅફેઇક ઍસિડ નામના પ્યુરાઇન વ્યુત્પન્નો ઉપરાંત L-ઍપીકૅટેચિન અને લ્યુકોસાયનો બાયૉસિડ અને ઍસિટાઇલ કોલાઇન હોય છે.

હૃદયવાહિકા, રક્તદાબ, ગતિનિયંત્રક, હૃદયપેશીની સૌમ્યતા જેવા હૃદયના રોગોને નિવારવામાં અતિ ઉપયોગી છે. આ ઉપરાંત તે હૃદય-સક્રિયતા વધારે છે અને ફ્લૅવોન્સ તેનું પ્રબલીકરણ કરે છે.

તેના ફળમાંથી આથવણ દ્વારા મદ્ય જેવું મીઠું પીણું બનાવાય છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ