ક્રુસિફેરી : સપુષ્પ વનસ્પતિના વર્ગ દ્વિદલાનું એક કુળ. બેન્થૅમ હૂકરના મંતવ્ય પ્રમાણે આ કુળનો ઉદભવ પેપેવેરેસીમાંથી થયેલો છે; પરંતુ બાહ્યાકારવિદ્યા (external morphology) અને આંતરિક રચનાને આધારે તેની ઉત્પત્તિ કેપેરેડેસી કુળમાંથી થયેલી હશે તેમ પણ માનવામાં આવે છે. આ કુળમાં 350થી 375 પ્રજાતિઓ અને 3,000 જેટલી જાતિઓનો સમાવેશ થાય છે. આમ તો આ વનસ્પતિ પૃથ્વી પર સર્વત્ર જોવા મળે છે, પરંતુ ખાસ કરીને ઉત્તર ગોળાર્ધના સમશીતોષ્ણ પ્રદેશ અને ભૂમધ્ય સમુદ્રની આસપાસના વિસ્તારમાં તેનો ફેલાવો સારી રીતે થયેલો છે. આ કુળની વનસ્પતિ એકવર્ષાયુ અથવા બહુવર્ષાયુ હોય છે, ઝાડ કે છોડવા રૂપે થાય છે. તેના વિવિધ ભાગો રોમથી આચ્છાદિત હોય છે. તેનો રસ તીખો હોય છે. તેના શરીરની પેશીઓ, ખાસ કરીને પાંદડાં, ગ્લાયકોસાઇડયુક્ત હોય છે.

તેનાં પર્ણ સાદાં અને એકાંતરિત ગોઠવાયેલાં હોય છે જ્યારે પાંદડાંની કિનારી દંતુરિત (dentate) અથવા કેટલેક અંશે ખંડિત હોય છે. પુષ્પવિન્યાસ કલગી કે તારા જેવા અપરિમિત હોય છે. પુષ્પો સદંડી, દ્વિલિંગી, નિયમિત ત્રિજ્યાસમમિત (actinomorphic) અને અધોજાયક (hypogynous) હોય છે. વજ્રપત્ર (sepats) અને દલપત્રો (petals) ચાર અને મુક્ત હોય છે, જ્યારે પાંખડીની ગોઠવણ સ્વસ્તિકાકાર (cruciform) હોય છે. એમાં 6 પુંકેસર (2 નાના અને 4 મોટા) અને 2 સ્ત્રીકેસર (એકબીજા સાથે જોડાયેલાં) હોય છે. આમ તો તે એકકોટરીય હોય છે પરંતુ કોટરની વચ્ચે આવેલા આભાસી પટને લીધે દેખાવમાં દ્વિકોટરીય લાગે છે. જરાયુવિન્યાસ ચર્મીય હોય છે. ફળ કૂટવટી (siliqua) (દા.ત., રાઈ) અથવા કૂટવટીકા (silicula) (દા.ત., કૅન્ડિટફ્ટ), બીજ અભ્રૂણપોષી (non-endospermic) અને તેલયુક્ત હોય છે.

ઉપયોગિતાની ર્દષ્ટિએ આ એક અગત્યનું કુળ છે. કોબી, ફ્લાવર, નોલકોલ અને મૂળા શાકભાજી તરીકે વપરાય છે. રાઈ અને સરસવમાંથી ખાદ્યતેલ કાઢવામાં આવે છે. કૅન્ડિટફ્ટ, વૉલપેપર શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. અસેળિયાનું બીજ પૌષ્ટિક તરીકે જાણીતું છે. તેને ઉકાળીને અથવા સુખડી બનાવીને ખાવામાં આવે છે. રાઈનો લેપ જકડાઈ ગયેલાં અંગો પર લગાડવામાં આવે છે, જ્યારે અસેળિયાના લેપને સાંધાના કળતર પર લગાડવામાં આવે છે.

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ