ક્રીગૉફ, કૉર્નેલિયસ (જ. 1815, હોલૅન્ડ; અ. 1872, શિકાગો, ઇલિનૉઇસ, અમેરિકા) : કૅનેડાના રંગદર્શી ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી 1830માં જર્મનીના ડુસેલ્ડોર્ફ નગરમાં એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં પાંચ વરસ કલાનો અભ્યાસ કર્યો. 1836માં અમેરિકા જઈ તેઓ અમેરિકન લશ્કરમાં ભરતી થયા. 1840માં લશ્કરમાંથી છૂટા

કૉર્નેલિયસ ક્રીગૉફ

થઈ કૅનેડામાં મૉન્ટ્રિયલ ખાતે ચિત્રકાર તરીકે સ્થિર થયા. 1844થી 1845 સુધી પૅરિસમાં રહ્યા. ત્યાંથી કૅનેડા પાછા ફરી મૉન્ટ્રિયલ અને ક્યૂબેક સિટીમાં વસવાટ કરી કૅનેડાની વનશ્રીને ચિત્રોમાં આલેખવી શરૂ કરી. કૅનેડાના મૂળ નિવાસી રેડ ઇન્ડિયનોની નિજી જીવનશૈલીને પણ તેમણે તેમનાં ચિત્રોમાં આલેખવી શરૂ કરી. ક્યૂબેકના પાર્લમેન્ટ હાઉસમાં તેમનાં ચિત્રો કાયમી ધોરણે સચવાયાં છે.

અમિતાભ મડિયા