ક્રીગર, જોહાન ફિલિપ (Krieger, Johann Philip) (જ. 25 ફેબ્રુઆરી 1649, નર્નબર્ગ, જર્મની; અ. 7 ફેબ્રુઆરી 1725, વીસેન્ફેલ્સ, સેક્સની, જર્મની) : ચર્ચ માટેના કૅન્ટાટા (Cantata), ફ્યુગ (fugue) તથા ક્લેવિયર (Clavier) પર વગાડવાની રચનાઓ માટે જાણીતા જર્મન સંગીતનિયોજક. નર્નબર્ગ તથા કૉપનહેગન ખાતે સંગીતની તાલીમ લીધા પછી 1670માં ક્રીગરે બેરૂથમાં દરબારી ઑર્ગનવાદક તરીકે કામ કર્યું. ત્યાર બાદ તેમણે ઇટાલીની યાત્રા કરી અને રોમમાં સંગીતકાર રોસેન્મૂલર તથા વેનિસમાં  સંગીતકાર પાસ્કિની સાથે કામ કર્યું. એ પછી 1680માં વીસેન્ફેલ્સના દરબારમાં ગાયકવૃંદમાં સંચાલક તરીકે તેમની નિમણૂક થઈ.

ક્રીગરે રચેલા 2,000 કૅન્ટાટામાંથી આજે લગભગ 80 જ ઉપલબ્ધ છે. પ્રારંભિક જર્મન સંગીત તથા બરોક સંગીતકાર જે. એસ. બાખના પ્રશિષ્ટ જર્મન સંગીત વચ્ચે ક્રીગરના કૅન્ટાટા એક મહત્વનો તબક્કો કે મુકામ બની રહે છે. ક્રીગરે બસો જેટલાં ધર્મેતર ગીતો પણ સંગીતબદ્ધ કર્યાં છે. કાષ્ઠના સુષિર (woodwind) વાદ્યો માટે પણ તેમણે કૃતિઓ રચી છે. એમણે રચેલાં ઑપેરામાંથી આજે માત્ર થોડાક ખંડકો જ બચ્યા છે.

અમિતાભ મડિયા