ક્રિયા : વ્યાકરણની પરિભાષામાં ધાતુનો અર્થ, ધાતુના અર્થરૂપ પ્રવૃત્તિ, ભાવના. ‘જવું’, ‘મેળવવું’ વગેરે ધાતુઓ દ્વારા જવાની, મેળવવાની ક્રિયાસિદ્ધ કરવા સારુ જે વ્યાપાર – પ્રવૃત્તિ કરવામાં આવે છે તે. ક્રિયા બે પ્રકારની છે : गच्छति(તે જાય છે)માં ચલનાત્મક ક્રિયા (dynamic action) છે. આવી ક્રિયા तिङ् કે कृत् પ્રત્યયો વડે દર્શાવાય છે. गति, प्राप्ति વગેરેમાં સ્થિર ક્રિયા (static action) છે. જે ‘ભાવ’ કહેવાય છે. ભાવવાચક નામ બનાવનાર તદ્ધિત કે કૃત્ પ્રત્યય દ્વારા ભાવક્રિયા બતાવાય છે. ચલનાત્મક ક્રિયા સાથે પ્રાતિપદિકો (ધાતુ સિવાયના શબ્દો) જોડાય ત્યારે કર્તા, કર્મ વગેરે કારકાર્થો સૂચવાય છે. ભાવક્રિયા અન્ય ‘ક્રિયાપદ’નો આશ્રય લઈ પોતે કર્તા, કર્મ વગેરે બને છે. ધાતુને तिङ् પ્રત્યયો લાગતાં વર્તમાનકાળ, ત્રણ ભૂતકાળ, બે ભવિષ્યકાળ તથા આજ્ઞાર્થ, વિધ્યર્થ, આશીર્વાદાર્થ અને સંકેતાર્થ એ ચાર અર્થો બતાવે છે. तिङ् પ્રત્યયો માટે પાણિનિએ ल સંજ્ઞા યોજી છે. સકર્મક ધાતુઓ સાથે लનો  પ્રયોગ કર્તા અથવા કર્મના અર્થમાં થાય છે અને અકર્મક ધાતુઓ સાથે કર્તા કે ભાવના અર્થમાં થાય છે. लનાં વિવિધ રૂપાંતરો થાય છે; જેમ કે, लट् લકાર વર્તમાનકાળનો બોધ કરાવે છે. लिट् પરોક્ષ, ભૂતકાળમાં लुट्, આજના ભવિષ્યકાળમાં, लङ्, સામાન્ય ભવિષ્યકાળમાં, लूट, આજ્ઞા, પ્રેરણાના અર્થમાં, लङ् સામાન્ય ભૂતકાળના અર્થમાં, विधि लिङ् પ્રેરણા, નિમંત્રણ, આમંત્રણ, કુશલપ્રશ્નના અર્થોમાં, आशिष लिङ् આશીર્વાદના અર્થમાં, लुङ् આજના ભૂતકાળમાં અને लृङ् સંકેતાર્થમાં વપરાય છે. लेट् લકાર પ્રેરણા, સંકેત વગેરે અર્થોમાં માત્ર વેદની ભાષામાં જ વપરાયો છે.

જયદેવ જાની