ક્રાંતિક બિંદુ (critical point) : કોઈ વાયુ માટે ચોક્કસ તાપમાને સમતાપી આલેખ પર જે બિંદુએ પ્રવાહી અને વાયુ સ્વરૂપના ગુણધર્મો સમાન હોય અને બંને સ્વરૂપ સહઅસ્તિત્વ ધરાવે તે બિંદુ. એટલે ક્રાંતિક બિંદુએ વાયુનું કદ, ઘનતા અને દબાણમાં ફેરફાર અનુભવ્યા સિવાય તેનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય છે. તે બિંદુએ પ્રવાહી અને વાયુ સ્વરૂપને સહેલાઈથી ઓળખી શકાતાં નથી અથવા તેમને જુદાં પાડી શકાતાં નથી. જે તાપમાનવાળી સમતાપી પર ક્રાંતિક બિંદુ મળે છે તે તાપમાનને ક્રાંતિક તાપમાન (Tc) કહે છે. ક્રાંતિક તાપમાન કરતાં ઊંચા તાપમાને આવેલા વાયુનું દબાણ ગમે તેટલું વધારવામાં આવે તોપણ તેનું પ્રવાહીકરણ (liquefaction) થઈ શકતું નથી. જે મહત્તમ તાપમાન સુધી માત્ર દબાણ વધારીને આપેલા વાયુનું પ્રવાહીકરણ કરી શકાય છે તે તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન કહે છે. ક્રાંતિક બિંદુએ વાયુના દબાણને વાયુનું ક્રાંતિક દબાણ (Pc) કહે છે. ઉદાહરણ તરીકે કાર્બનડાયૉક્સાઇડનું ક્રાંતિક દબાણ 72.9 વાતાવરણ છે. ક્રાંતિક બિંદુએ એક મોલ વાયુના કદને તે વાયુનું ક્રાંતિક કદ (Vc) કહે છે.

એક મોલ વાસ્તવિક વાયુ માટેના વાન દર વાલ્સના સમીકરણ

ઉપરથી ક્રાંતિક દબાણ, ક્રાંતિક કદ અને ક્રાંતિક તાપમાનનાં મૂલ્યો નીચે પ્રમાણે મળે છે :

(a અને b અચળાંકો છે.)

કોઈ પણ વાયુ માટે  કોઈ પણ વાયુ માટે જો આ ગુણોત્તર 2.67થી જેટલો જુદો હોય તેટલા પ્રમાણમાં તે વાયુ વાન દર વાલ્સના સમીકરણથી જુદો પડે છે. ઘણાખરા વાયુઓ માટે આ ગુણોત્તરનું પ્રાયોગિક મૂલ્ય 3.4થી 3.7 જેટલું હોય છે. ઉષ્માગતિક વિચારણા દ્વારા સાહા અને બોઝે મેળવેલા સમીકરણ પરથી નું મૂલ્ય 3.53 મળે છે જે પ્રાયોગિક મૂલ્ય સાથે વધુ બંધબેસતું આવે છે. ડાયેટેરીસીએ નું મૂલ્ય 3.69 મેળવ્યું છે જે પ્રાયોગિક મૂલ્યોના સરેરાશની ખૂબ નજીક છે.

ઍન્ડ્રૂઝના પ્રયોગોમાં પ્રવાહી અને બાષ્પને અલગ કરતું નવચંદ્રક (meniscus) અશ્ય થાય ત્યારે ક્રાંતિક બિંદુ મળે છે. આ બિંદુ આગળ આ બંને સ્વરૂપો પૂર્ણ રીતે એકસમાન બની જઈ પ્રવાહી અને બાષ્પ સહઅસ્તિત્વ ધરાવે છે તેમ ધારવાનું પ્રલોભન થાય છે. જોકે નવચંદ્રકનું અર્દશ્ય થવું એ ર્દશ્યમાન ઘટના સૂચવે છે કે તે વખતે પૃષ્ઠતાણ શૂન્ય બને છે. કૅલેન્ડરના મત પ્રમાણે પાણી માટે 374° તાપમાને પૃષ્ઠતાણ શૂન્ય બને છે જે પાણીનું ક્રાંતિક તાપમાન છે.

કે. ટી. મહેતા