કોહન ફર્ડિનાન્ડ જુલિયસ

January, 2008

કોહન, ફર્ડિનાન્ડ જુલિયસ (જ. 24 જાન્યુઆરી 1828, બ્રેસલૉ, પ્રુશિયા; અ. 25 જાન્યુઆરી 1898, બ્રેસલૉ) : વૈજ્ઞાનિક વિચારધારાઓમાં નવી ભાત પાડતા પ્રખર વનસ્પતિશાસ્ત્રી.

પ્રાથમિક શિક્ષણ બ્રેસલૉમાં લઈ તેમણે બર્લિન વિશ્વવિદ્યાલયમાંથી 1847માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. લીલ અને ફૂગ સંબંધી મૌલિક સંશોધનની જર્મન પરંપરા તેમણે સાચવી રાખી અને જીવ-નિર્જીવના સીમાડા ઉપર પહોંચી જીવાણુ (bacteria) ઉપર સંશોધન આરંભ્યું. પોતાના વતનમાં જ કાર્ય કરવાની ધગશવાળા જુલિયસ સર્વ આકર્ષણનો ત્યાગ કરી બ્રેસલૉ વિશ્વવિદ્યાલયમાં વ્યાખ્યાતા (1850) અને પ્રાધ્યાપક(1857) રહ્યા.

ફર્ડિનાન્ડ જુલિયસ કોહન

તેમણે ‘Beitrage zur Biologie der Pflanzen’ (વનસ્પતિવિજ્ઞાનની ક્ષિતિજો) નામના સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું. પોતાનો એક પણ લેખ તે સામયિકમાં પ્રસિદ્ધ કર્યો નહિ પણ ઊગતા વનસ્પતિશાસ્ત્રીઓને તેમાં લખવા પ્રેરણા આપી. જીવનની સંધ્યાએ 1882માં જીવાણુ ઉપરનો પોતાનો મનનીય લેખ છપાવ્યો અને સૌથી સૂક્ષ્મ જીવાણુઓ ઉપર લેખમાળા છાપી જીવનમાં કાંઈ કર્યાનો સંતોષ પામી 1898માં ચિરવિદાય લીધી.

પ્રખર જીવાણુશાસ્ત્રી લુઈ પાશ્ચરના તેઓ સમકાલીન હતા. પાશ્ચરની સ્વતંત્ર કાર્યપ્રયોગપદ્ધતિથી તે ખૂબ જ આકર્ષાયા હતા. તેમનો જીવાણુ પરનો નિબંધ ‘Bacteria : the smallest living organism’ 1881માં વિશ્વવિખ્યાત બન્યો. તેમાં લુઈ પાશ્ચરનો મહત્વનો ફાળો હતો. ‘જીવાણુ –Bacillus subtili–માં અંત: બીજાણુઓ(endospores)નું નિર્માણ, નામના સંશોધનલેખે તેમને 187681 સુધીમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. તેમની વિદાય પછી તેમનાં પત્ની પૉલિન કૉને ‘Ferdinand Cohn – Blatter der Erinnerung’ નામનું તેમની જીવનસાધનાનું પુસ્તક 1901માં પ્રકાશિત કર્યું હતું.

સરોજા કોલાપ્પન