કોશિશ : 1972નો ઉત્તમ કથાચિત્રનો ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર હિન્દી ચલચિત્ર. શારીરિક ખોડખાંપણ ધરાવનારા પણ જો સન્નિષ્ઠપણે કોશિશ કરે તો મુશ્કેલીઓ છતાં સુખી જીવન જીવી શકે છે તેવો સંદેશ તેમાં વ્યક્ત થયો છે. નિર્માણ વર્ષ : 1972; ભાષા : હિન્દી; નિર્માણસંસ્થા : ઉત્તમ ચિત્ર; નિર્માતા : રોમુ એન. સિપ્પી, રાજ એન. સિપ્પી; લેખક- દિગ્દર્શક : ગુલઝાર; સંગીત : મદનમોહન; છબીકલા: કે. વૈકુંઠ; મુખ્ય કલાકારો : સંજીવકુમાર, જયા ભાદુરી, અસરાની, ઓમ શિવપુરી, દીના પાઠક, સીમા, નીતિન શેઠી, ઊર્મિલા ભટ્ટ.

‘કોશિશ’ ચલચિત્રનું એક ર્દશ્ય

આ અભિનવ પ્રયોગવાળી ફિલ્મ ઠીક ઠીક લોકપ્રિય બની હતી. આ ફિલ્મનાં નાયક અને નાયિકા બંને મૂકબધિર છે. તેઓ જે જીવન જીવવાની કોશિશ કરે છે તેનું કરુણ ચિત્ર પ્રેક્ષકોને અંત સુધી લાગણીથી ભીંજવી દે તેવું છે. શારીરિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓને દયાની જરૂર નથી, તેમને માનવસહજ હમદર્દીની અપેક્ષા છે. ચિત્રનો મૂકબધિર નાયક એક પ્રેસમાં નોકરી કરે છે. તે મૂકબધિર નાયિકાના પરિચયમાં આવતાં બંને લગ્નગ્રંથિથી જોડાય છે. તેઓ ઇચ્છે છે કે તેમના સંતાનને આવી ક્ષતિ ન હોય. આખરે બંનેની ઇચ્છા સફળ થાય છે. તેમનો પુત્ર કોઈ શારીરિક ક્ષતિ ધરાવતો નથી. બંને પોતાના પુત્રને અનેક મુશ્કેલીઓ વેઠીને ઉછેરે છે. તે યુવાન બનતાં નાયકના શેઠ તેની મૂકબધિર પુત્રી માટે નાયક પાસે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. શરૂઆતમાં યુવાન પુત્રને આ લગ્ન મંજૂર નથી; પરંતુ અંતે તેની ભૂલ સમજાતાં તે લગ્નનો પ્રસ્તાવ સ્વીકારે છે. સંજીવકુમાર અને જયા ભાદુરીએ મૂકબધિર પાત્રોનો ઉત્તમ કક્ષાનો અભિનય આ ફિલ્મમાં આપ્યો છે. ઉત્કૃષ્ટ છબીકલા અને સંગીત આ ફિલ્મનાં ઉત્તમ અંગો છે.

પીયૂષ વ્યાસ