કોલ્હાપુર (જિલ્લો)

January, 2008

કોલ્હાપુર (જિલ્લો) : મહારાષ્ટ્રની દક્ષિણ સીમા પર આવેલો જિલ્લો, અને જિલ્લામથક તેમજ શહેર. ભૌગોલિક સ્થાન : તે 15°થી 17° ઉ.અ. અને 73° થી 74° પૂ. રે. 7685 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે સાંગલી, વાયવ્યે રત્નાગિરિ, પશ્ચિમે સિંધુદુર્ગ તથા દક્ષિણ અને પૂર્વ તરફ કર્ણાટક રાજ્યનો બેલગામ જિલ્લો આવેલા છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : આ પ્રદેશનું ભૂપૃષ્ઠ સરેરાશ 1,800 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેની પશ્ચિમે જળવિભાજકનું કાર્ય કરતી સહ્યાદ્રિ હારમાળા વિસ્તરેલી હોવાથી તે વર્ષાછાયાના પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીંથી નીકળતી નદીઓ કોંકણ પ્રદેશમાંથી પસાર થઈને અરબી સમુદ્રને મળે છે. પ્રમાણમાં પુષ્કળ જળજથ્થો ધરાવતી આ નદીઓ વેગીલી છે; પૂર્વ ઢોળાવમાંથી નીકળતી નદીઓમાં કૃષ્ણા, ઘટપ્રભા, પદ્મપ્રભા મુખ્ય છે, તે ઉપરાંત કુંભી, ધામની અને તુલસી નાની નદીઓ પણ આવેલી છે.

અહીંની નાની મોટી આઠ ડુંગરમાળામાં જંગલો પણ આવેલાં છે. આ જંગલોમાંથી ઇમારતી લાકડાં, ઇંધન માટેનાં લાકડાં તથા વાંસ મળે છે, તે ઉપરાંત મધ, મીણ, આમળાં તથા શિકાકાઈ જેવી ઔષધીય પેદાશો પણ મળે છે.

ખેતીપશુપાલન : જિલ્લામાં ખેતીનો આધાર વરસાદ પર રહેલો હોવાથી તળાવો અને જળાશયો દ્વારા સિંચાઈ થાય છે. અહીંના કૃષિપાકોમાં ડાંગર, રાગી, જુવાર, શેરડી મગફળી, ચણા, મકાઈ, ઘઉં અને તમાકુની ખેતી થાય છે.

કોલ્હાપુર

ગાય અને ભેંસ અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. તળાવો અને જળાશયોમાં મત્સ્યપ્રવૃત્તિ થાય છે, પણ તેનું વિશેષ આર્થિક મહત્ત્વ નથી.

ઉદ્યોગવેપાર : જિલ્લાનો ઘણોખરો વિસ્તાર દખ્ખણના લાવાના ખડકોથી બનેલો છે. તેમાંથી બૉક્સાઇટ, લોહઅયસ્ક અને ચિરોડીના જથ્થા મળી રહે છે તે સિવાય ઇમારતી પથ્થરોની ખાણો પણ છે. અહીં ઑઇલ એંજિન બનાવવાના ઘણા એકમો છે. અહીં નાનાંમોટાં યંત્રો બનાવવાના એકમો, આવેલા છે. કોલ્હાપુર, વડગાંવ, બહિરવાડી, જૈસિંગપુર, ઇચલકરંજી અને હુપારી મહત્વનાં ઔદ્યોગિક મથકો છે. ગૃહઉદ્યોગોમાં કોલ્હાપુરી ચંપલ, સોના-ચાંદીના દાગીના, કાચનાં વાસણો અને ગોળ બનાવવાના તથા ભરતકામ અને જડતરકામ એકમોનો સમાવેશ થાય છે.

જિલ્લામાંથી ખાદ્યપદાર્થો, તમાકુ, હાથવણાટનું કાપડ, પગરખાં તેમજ ચામડાની અન્ય પેદાશોની નિકાસ થાય છે. યંત્રોના પુરજા, દવાઓ અને ઘઉંની આયાત કરવામાં આવે છે.

પરિવહન : કોલ્હાપુર અહીંનું જિલ્લામથક હોઈ તે જિલ્લાના ધોરી માર્ગો, રાજ્ય ધોરી માર્ગોથી સંકળાયેલું છે. મુંબઈથી દક્ષિણ તરફ જતા રેલમાર્ગોનો લાભ આ જિલ્લાને મળે છે.

ન્યૂ પેલેસ, કોલ્હાપુર

વસ્તી : 2011 મુજબ જિલ્લાની વસ્તી આશરે 39 લાખ હતી. અહીં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ ધર્મના લોકો વસે છે. અહીં બોલાતી ભાષાઓમાં મરાઠી, હિન્દી, કન્નડ અને ઉર્દૂ મુખ્ય છે. જિલ્લામાં પ્રાથમિકથી ઉચ્ચશિક્ષણ માટેની વ્યવસ્થા ઊભી કરાયેલી છે. કોલ્હાપુરમાં શિવાજી યુનિવર્સિટી સ્થપાયેલી છે. જિલ્લામાં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, ઇજનેરી, આયુર્વેદિક, હોમિયોપેથિક તથા મેડિકલ કૉલેજોની સુવિધા ઉપલબ્ધ છે, તે શિવાજી યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. દરેક ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સગવડ છે. તેમજ કોલ્હાપુર ચિકિત્સાલયનું મુખ્ય કેન્દ્ર છે.

કોલ્હાપુર મહત્ત્વનું ધાર્મિક સ્થળ હોઈ અનેક યાત્રાળુઓ વિવિધ ધાર્મિક સ્થળોની અવાર-નવાર મુલાકાત લેતા રહે છે. જ્યોતિબા, નરસિંહવાડી, બાહુબલિ, કેદારલિંગ, દેલવાડી, ત્રિંબોલી અને પનાહાલા વધુ જાણીતાં સ્થળો છે.

કોલ્હાપુર (નગર) : અગાઉની મરાઠા રિસાયતનું પાટનગર, નગરની આજુબાજુમાં થયેલા ઉત્ખનનને લીધે મળેલા ઐતિહાસિક પુરાવાથી સાબિત થયું છે કે પહેલી અને બીજી સદીમાં આ એક સમૃદ્ધ અને વૈભવશાળી નગર હતું, જે આઠમી અને નવમી સદીમાં નાશ પામ્યું હતું. ત્યાંનું મહાલક્ષ્મીનું સુપ્રસિદ્ધ મંદિર નવમી સદીમાં પૂર્ણ થયું હતું જે નગરની તારાજી પછી પણ યથાવત્ રહ્યું હતું. આ મંદિરને કારણે જ આ નગર ‘દક્ષિણના કાશી’ તરીકે જાણીતું છે.

પ્રાચીન કાળમાં તે બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર ગણાતું હતું. મરાઠા શાસનકાળ દરમિયાન 1730 પછી આ નગરનું મહત્ત્વ વધ્યું હતું તથા 1782માં ત્યાં દેશી રિયાસતની સ્થાપના પછી તેનો ઝડપભેર વિકાસ થયો હતો.

આ દેશી રિયાસતનું 1949માં મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું હતું. હાલ તે મહારાષ્ટ્ર રાજ્યનું જિલ્લામથક તથા ઔદ્યોગિક અને વ્યાપાર-વાણિજ્યનું પ્રમુખ કેન્દ્ર છે. ગોળના ઉત્પાદન માટે તે ભારતભરમાં જાણીતું છે. તમાકુ અને ખાંડના જથ્થાબંધ વ્યાપારનું તે મહત્વનું મથક છે. ઉપરાંત, ભારતીય ચલચિત્રનિર્માણ કેન્દ્ર તરીકે પણ તે ખ્યાતિ ધરાવે છે. હાલ ત્યાં બે ચલચિત્ર-સ્ટુડિયો છે. એક જમાનામાં તે મરાઠી ચલચિત્રનું આદિકેન્દ્ર ગણાતું હતું. દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડના વિજેતા (1992) ભાલજી પેંઢારકરની ફિલ્મનિર્માણસંસ્થા પણ અહીં છે.

વીસમી સદીમાં ઔદ્યોગિક વિકાસની સાથોસાથ ત્યાં સંગીત, ચિત્રકલા, ચલચિત્રવિદ્યા, મલ્લવિદ્યા જેવી કલાઓનો પણ નોંધપાત્ર વિકાસ થયો છે. ત્યાં મેડિકલ શિક્ષણ સિવાયની બધી જ વિદ્યાશાખાઓને લગતી ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ આવેલી છે જે શિવાજી વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન છે.

નગરમાં મહાલક્ષ્મીના મંદિર ઉપરાંત અન્ય અનેક મંદિરો, કપિલતીર્થ તથા વરુણતીર્થ જેવાં તીર્થસ્થાન, જૈન સ્થાપત્યકલાના નમૂનારૂપ જૈન મંદિર, ત્રણ વિશાળ પ્રાસાદો, રંગાળા નામનું જળાશય, શંકરાચાર્યનો મઠ તથા અનેક સૌંદર્યસભર શિલ્પકૃતિઓ છે. શહેરની વાયવ્ય દિશામાં 18 કિમી.ના અંતરે ઐતિહાસિક પન્હાળા દુર્ગ છે, જેનો પર્યટન-કેન્દ્ર તરીકે વિકાસ થયો છે.

1972માં કોલ્હાપુર શહેરને મહાનગરનો દરજ્જો આપવામાં આવ્યો છે. વસ્તી : આશરે 79,6000 (2024).

નીતિન કોઠારી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે